કાઠીયાવાડ માં ભૂલો પડ ભગવાન , તને સ્વર્ગ ભુલાવું શામળા।


શ્રી કૃષ્ણ ભગવાન કાઠિયાવાડમાં અમથા ભૂલા નહોતા પડયા. વાંચો નીચે ની પોસ્ટ..
કૃષ્ણ ભગવાન
કૃષ્ણ ભગવાન

ગામનો બાજરો હોય,
ધ્રાંગધ્રાના પાણી ઘંટી હોય,
ગામના કુંભારે બનાવેલી તાવડી હોય,
રાજપૂતાણીએ મધરાતે ઊઠીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઘંટીમાં નાખીને પ્રભાતિયાંના સૂરે ગાતાં ગાતાં દળ્યો હોય.
ઈમાંથી ધોબેક લોટ લઈ માટીની કાળી રીઢી કથરોટમાં નાખ્યો હોય, પડખે છાલિયામાં ઓગાળેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય
અને મા જેમ પહેલાં ખોળાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડયો હોય
ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવ્યો હોય,
પછી ઈની કોપટી કાઢીને તાવણ્ય મૂકી હોય તો ત્રણ ત્રણ ઘર્યે જેની ફોરમ જાય ઈ નવચાંદરી ભેંસનું નખમાં ફાંહુ વાગે એવું ઘી ભર્યું હોય, કાઠિયાવાડની વાડીના કાંટાળા રીંગણાનું ભડથું અને ગિરની દેશી ગાયના શેડકઢા દૂધની તાંહળી ભરીને મૂકી દીધી હોય,
ભગવાન શામળિયો ત્યાંથી નીકળ્યો હોય ને બાવડું ઝાલીને ભોજનના ભર્યા થાળ માથે બેસાડી દીધો હોય તો એના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય.
ઈ ન્યા બેઠો બેઠો રાધાજીને સંદેશો કહેવરાવી દે કે આપણને તો ભાઈ કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે. તમને મારા વિના અણહરું લાગે તો તમે ય આંય વિયા આવો. ઈ બાજરાના રોટલા, ઈ ગાયુંના શેડકઢા દૂધ, ઈ ગાજરના આથણાં, ઈ ગઢિયો ગોળ, ઈ મે'માનગતિ ભાઈ, ભાઈ!
આ બધું માણવા શ્રી કૃષ્ણ કાઠિયાવાડમાં ભૂલા પડયા હતા અને ગોકૂળ મથુરા મૂકીને જીવનભર આ ધરતી પર રહ્યા હતા. મહેમાનગતિનું મા'તમ આવું છે ભાઈ.

" બધું લઇ લે પાછું મને મારી એ જીંદગી પાછી આપી દે "                                                        -આ સાલી જીંદગી
આ વાંચી ને તમને તમારા વતન ની યાદ નાં આવી હોઈ તો જીંદગી વ્યર્થ છે।

(Note:ફેસબુક માં વાંચેલું, થોડા ફેરફાર સાથે )

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.