બુક રીવ્યુ - લોહીની સગાઈ - ઈશ્વર પેટલીકર

મોટા ભાગના લોકોએ "લોહીની સગાઈ" વાર્તા વાંચી જ હશે. ગુજરાતીમાં પાઠ તરીકે પણ આવતી.  અમરતકાકી અને ગાંડી મંગુના પ્રેમની આ વાર્તા તમને રડાવે નહિ તો જ નવાઈ. આ વાર્તા ઈશ્વર પેટલીકરે એમની ગાંડી બહેન મંગુ અને એમનીમાં અમરત કાકી વચ્ચેના અગાધ પ્રેમને પ્રત્યક્ષ નિહાળીને જ લખી છે. 

ન્યુયોર્કમાં "હેરલ્ડ ટ્રીબ્યુંન" દૈનિક પત્રે જગતની શ્રેષ્ટ વાર્તાઓની હરીફાઈ જાહેર કરેલી. આ હરીફાઈમાં ભારતની વાર્તાઓને સ્થાન મળે એ માટે દિલ્હીના "હિન્દુસ્તાન ટાઈમ્સએ " અખિલ ભારતની વાર્તા પ્રતિયોગિતા યોજી. આ માટે મુંબઈના "જન્મભૂમિ" દૈનિકે ગુજરાતી વાર્તાઓ માટેની હરીફાઈ યોજી. એમાં મોકલવા માટે આ વાર્તાનો જન્મ થયેલો. આ વાર્તા ગુજરાતમાં સર્વપ્રથમ નંબરે આવેલી. પછી આ વાર્તાને અખિલ ભારતની સ્પર્ધામાં મોકલવાની હતી એટલે એમનું ઇંગ્લીશમાં અનુવાદ થયું. એમનું અંગ્રેજી નામ "Flesh of her Flesh" રાખવામાં આવ્યું. અને અખિલ ભારત સ્પર્ધામાં આ વાર્તાને છઠ્ઠું ઇનામ પ્રાપ્ત થયું.( એમાં પહેલા ચાર ઇનામ તો ઓરીજનલ અંગ્રેજી વાર્તાઓને જ હતા ) 
લોહીની સગાઈ - ઈશ્વર પેટલીકર
લોહીની સગાઈ - ઈશ્વર પેટલીકર 

મંગુ અને અમરતકાકીના પાત્રો આજે પણ ગુજરાતી સાહિત્યમાં  અમર છે અને એ "લોહીની સગાઇ" વાર્તા આ બુકની પ્રથમ વાર્તા છે. ઈશ્વર પેટલીકરની બીજી વાર્તાઓ પણ ઓછી ઉતરે એમ નથી. આ બુકમાં બીજીવાર્તાઓ જેમ કે "જાદુમંત્ર", "સ્વર્ગમાં", "સ્મૃતિ ચિન્હ", "રોહિણી", "મોટી બહેન" , "મંગલ ફેરા", "દેવનો દીધેલ" વગેરે મસ્ત વાર્તાઓ છે.  બધી એકબીજાથી ચડિયાતી છે. 

આ વાર્તાઓમાં લેખક ઈશ્વર પેટલીકરે તે સમયની બદીઓ, તે સમયનું રોજબરોજ, ગરીબી, અમીરી, આભડછેટ, ભ્રષ્ટાચાર, ભૂતનો ડર , પુત્ર પ્રેમ  વગેરે બધું આવરી લીધું છે. આ વાર્તાઓમાં ગજબનું સસ્પેન્સ છે , લાગણીથી તરબોળ છે, ક્યાય ખોટી ફિલોસોફી નથી, એક એક વાર્તા જ ખુદ ફિલોસોફી છે. અમુક વાર્તાઓ એકદમ કાલ્પનિક છે તો અમુક આખા સમાજનું સત્ય સંભળાવે છે.  "જાંદુમંત્ર" માં શેઠિયાઓ દ્વારા થતા સ્ત્રીના શોષણને આવર્યું છે. " સ્વર્ગ" એક જ રેલેવેના ડબ્બામાં પૂરી થઇ જતી વાર્તા સબંધોના ગુઢ રહસ્યો પેદા કરે છે. "મોટી બહેન" છૂત અછૂત, આભડછેટ વગેરેનું પ્રતિબિંબ અને સમાજ સુધારક વાર્તા છે. "રોહિણી" એક સંતાન પ્રેમ અને ખરાબ સાસુ એક વ્યક્તિનું જીવન કેટલી હદે બરબાદ કરે છે એ હુબહુ આલેખ્યું છે. બધી વાર્તાઓમાં કૈક ને કૈક એવું છે જે વાર્તા પૂરી થયા પછી તમને થોડીવાર માટે શૂન્યમનસ્ક બનાવી દે. તમે એક વાર્તા મુકીને તરત બીજી વાર્તા ચાલુ ના કરી શકો. આગલી વાર્તામાં જ તમારું મન પરોવાયેલું રહે. 

જો તમને ગુજરાતી વાર્તાઓ વાંચવાનો શોખ હોઈ તો આ વાર્તા વાંચવી જ રહી. 
તમે અહીંથી આ બુક ખરીદી શકો છો.

(અમેઝોન અફીલેટ લીંક )

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.