એ બધા ને નવા વર્ષ ના જે સી ક્રિશ્ના હો ને !!

સૌથી પહેલા તો બધાને નવા વરસનાં જય શ્રી કૃષ્ણ. આ બ્લોગને વાંચવા અને શેર કરવા માટે બધા મિત્રોનો ખુબ ખુબ આભાર. આજે અહી બેંગ્લોરમાં બેઠો બેઠો બધાને કોલ અને વોટ્સઅપમાં નવું વર્ષ વિશ કરીને જૂની યાદો વાગોળતા આ લખવા બેસી ગયો. 

આમ તો અમારા ગામડાનું નવું વર્ષ એટલે વહેલી સવાર માં ૫-૬ વાગે ઉઠી જવાનું. ઉઠીને સૌથી પહેલા મોઢું ધોયા વગર રાતના બચાવેલા ફટાકડા ફોડવાનું ચાલુ કરી દઈએ. બધા ઉઠે એટલે ઘરે જઈને નાસ્તો કરીને ન્હાઈ ધોઈને સૌથી પહેલા મંદિરે દર્શન કરવા જઈએ.   મંદિરેથી આવતા રસ્તામાં જેટલા મળે એ બધા ને "જે સી ક્રિષ્ના" બોલતા આવીએ. આ "જય શ્રી કૃષ્ણ" , "રામ રામ", "નુતન વર્ષાભિનંદન"," હેપી ન્યુ યર","સાલ મુબારક" વગેરે માંથી શું બોલવું એ સામે વાળા માણસ ઉપર આધાર રાખે. સાવ દેશી માણસ હોઈ તો  "જે સી ક્રિશ્ના" ("સી" ને ખેચી ને બોલવાનું). અમુક વડીલો થોડા ભણેલ ગણેલ કે નિયમિત વાંચન કરતા હોઈ એવા વડીલો "જય શ્રી કૃષ્ણ" કે "નુતન વર્ષાભિનંદન" બોલે. અમુક બહારનાં લોકો કે મુશ્લીમ ભાઈઓ "સાલ મુબારક" વિશ કરે. બધાની બોલવાની અલગ અલગ ટોન હોઈ, સ્ટાઈલ હોઈ. હું સામે એવી જ રીતે બોલવાની ટ્રાય કરું મજા આવે !! 

અત્યારે શહેરમાં તો સમાજના "સ્નેહ મિલન" હોઈ. બધા સબંધીઓ ત્યાં જ મળી રહે. ત્યાં જ બધાને વિશ કરી ને આઇસક્રીમ ખાઈ ને છુટ્ટા. આમ તો આ "સુવ્યવસ્થા" કહેવાય. લોકોનો ટાઈમ પણ બચી રહે અને બધા લોકો એક જગ્યા એ મળી પણ જાય. પણ જે ગામડે બધાનાં ઘરે ઘરે જઈ ને અલગ અલગ ટાઈપનાં મુખવાસ ટેસ્ટ કરવાની મજા હતી એ મજા નાં આવે. મુખવાસમાં પણ કેવું અમુકનાં ઘરે રોજ નો એ જ "તલ" કે "વરીયાળી" નો મુખવાસ હોઈ. ઘણાની ઘરે ખાલી "ખાંડ" થી જ મોઢું મીઠું કરી લેવાનું. ક્યાંક વળી સોપારી વાળો નવી ટાઈપનો મુખવાસ હોઈ. કોઈક ઘરે ડ્રાઈ ફ્રુટ હોઈ (જ્યાં અમે બે વાર જઈએ .. હા હા ) તો કોક નવા આવેલા ભાભી ચોકલેટ આપે. વડીલોને પગે લાગીએ  અને એમના આશીર્વાદ ની સાથે સાથે ૫-૧૦ રૂપિયા પણ મળે ! 

એ નવા વર્ષ ની અલગ જ મજા રહેતી. અંદરનો ઉત્સાહ રહેતો. ખાલી કોઈ ને વિશ કરવા ખાતર કરી દીધું કે સેમ ટુ યુ બોલી ને પતાવી દેવાની વાત નાં હતી. ગમતા લોકોનાં ઘરે ઘરે જઈને લોકોને મળવાની વાત હતી. કોઈ ને ઝગડો થયો હોઈ તો નવા વર્ષે "માફી" સાથે પતી જતું બધું. હવે તો ગામડે પણ લોકો "આધુનિક" થતા જાય છે. ત્યાં પણ આખા ગામનું "સ્નેહ મિલન" અકે જ જગ્યા એ કરી ને ચા પાણી પી ને એક -બે કલાકમાં નવું વર્ષ "સુયોજિત" રીતે પૂરું થઇ જાય છે. હવે એ એક "યુગ" નો અંત આવ્યો કહી શકાય.  

   સૌને મારા અને મારા પરિવાર વતી "જય શ્રી કૃષ્ણ", હેપી ન્યુ યર. તમારું નવું વર્ષ આનંદમય અને સ્વાસ્થ વર્ધક રહે એવી શુભકામનાઓ.

હું, મારો ભાઈ ઉજાસ અને મારો કઝીન રવિ 
  


2 ટિપ્પણીઓ:

  1. ગામડાઓમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ જ કઈક અલગ હોય છે. અંતરનો ઉમળકો હોય એટલે મળવાની મજા પણ અલગ હોય. આજે ઘણી જગ્યાએ આ ઉમળકો મિત્ર મંડળમાં જોવા મળે છે પણ સગા સંબંધીમાં જ જોવા મળતો નથી. સ્નેહમિલન પણ નામ પૂરતું જ વહેવાર સાચવવા પૂરતું હોય એવું લાગે છે. જે ના હોવું જોઈએ. ઘણા વળી એમાય મૂહુર્ત જોતા હોય. અરે ભાઈ !! કોઈ ને શુભકામનાઓ પાઠવવામાં કઈ મૂહુર્ત જોવાતા હશે ?

    કોઈ જાતની ઔપચારિકતા વગર તમને નવા વર્ષના જે સી ક્રિષ્ના. રામ રામ

    જવાબ આપોકાઢી નાખો

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.