કુંતી બેટ્ટા નાઈટ ટ્રેકિંગ !

શનિવારે બપોરની મસ્ત વામકુક્ષી માણીને ઉઠીને મેચ જોતા જોતા ચા પી રહ્યો હતો ત્યાં ફોન ટહુક્યો. લેખક મિત્ર જીતેશનો ફોન હતો, "આજ સાંજે નાઈટ ટ્રેકિંગમાં આવવું છે ?" હજુ આરામ કરી ઉઠ્યો હોય અને બીજે દિવશે ભારત ઇંગ્લેન્ડનો વર્લ્ડકપ મેચ હોય  મન તો નહોતું ત્યાં જ જોબ પરથી અમારા બેટર હાફ આવ્યા થયું એમને જ પૂછી લઈએ તો બેટર રહેશે. ત્યાં સ્થળ અને ફોટા જોયા અને ગ્રુપ ટ્રેકિંગ હતું તો થયું ચાલો જઈ આવીએ. અમે ત્રણ ગુજરાતી કપલ હતા અને બાકી બીજા ૧૫ જેટલા લોકો સાથે હતા.

બેંગ્લોરથી કુંતી બેટ્ટા મૈસુર રોડ પર લગભગ ૧૩૦ કિમી જેવું થાય. અહીંથી ટ્રેકિંગ પોઈન્ટ સુધી બસમાં જવાનું હતું. અમે લગભગ બેંગલોરથી રાતે ૧૧ વાગે નીકળ્યા, વચ્ચે એક સ્ટોપ હતો ત્યાં અમને રાતે કેમ્પ ફાયર કરવા અને ટ્રેકિંગમાં સપોર્ટ માટે લાકડીઓ આપી. ત્યાંથી નીકળીને લગભગ રાત્રે ૨.૩૦ વાગે અમે ટ્રેકિંગ પોઈન્ટ પર પહોચ્યા.

કુંતી બેટ્ટા ટેકરી પરથી વ્યુ.

ત્યાં ગાઈડે થોડી ઘણી માહિતી અને ટીપ્સ આપી. કુંતા બેટ્ટા ટેકરી પાંડવપુર ગામ પાસે આવેલ છે. કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ સમયે અહી રોકાયા હતા. અહી જ ભીમે કુંતાબેટ્ટા ટેકરી પર બકાસુરને માર્યો હતો.

અમે રાત્રે ચડવાનું શરુ કર્યું. ટ્રેક આખો પથરાળ છે અને શરૂઆતમાં થોડું મુશ્કેલ પણ છે. આની પહેલા અમુક ટ્રેકિંગમાં ગયો હોય એ અનુભવ થોડો કામ આવ્યો. આગળ જતા થોડું વધુ અઘરું હતું એમાં પણ અંધારું હોય ટોર્ચ પકડીને ચડવું પડે એમ હતું. પછી આગળ જતા એટલું અઘરું નહોતું. લગભગ ૪.૩૦ વાગે અમે ટોપ પર પહોચ્યા.

ઉપર બહુ ઠંડી હતી પણ કેમ્પ ફાયર (આપનું તાપણું ) કર્યું એટલે બહુ સારું લાગતું હતું. ઉપરથી એકદમ મસ્ત વ્યુ આવતો હતો. નીચેના ગામડાઓ અને એમની બત્તીઓ, દુર દુર વાદળો અને એમની વચ્ચેના તારોડીયાઓ મસ્ત લાગતા હતા.

ટોચ ઉપર કેમ્પ ફાયર -
ત્યાં આવેલ એક કપલ સ્પીકર પર સવાર સવારમાં ઈંગ્લીશ ગીતો વગાડતા હતા. એટલા ઈંગ્લીશ ગીતો એકસાથે મેં ક્યારેય નહી સાંભળ્યા હોય  :D ઉપરથી અમુક સરસ વ્યુ -ઉતરતી વખતે રસ્તામાં જોયેલ અચરજ પમાડે એમ પથ્થરો તોડીને ઉગેલ વૃક્ષો -


ટેકરીની નીચે  આવેલ કુંડ અને મંદિરો -


ટ્રેકિંગ પૂરું કરી અમે ફરીથી રામનગરા ગામ પાસે એક સ્થળે પહોચ્યા જ્યાં સવારનો નાસ્તો કર્યો અને ફ્રેશ થયા. ત્યાં અમને એક આંબલી દેખાય ગઈ, બધાએ કાતર તોડ્યા ખાધા અને ઘરે લઇ જવા ભેગા કર્યા :D

ત્યાંથી અમે રામનગરા પાસે એક નદીમાં નાહવા ગયા. એ જગ્યા પણ બહુ જ સરસ હતી. બધાએ બોટિંગ કર્યું અને પછી લાઈફ જેકેટ પહેરીને ઊંડી નદીમાં નહાયા ! ત્યાં પહોચવા માટે વચ્ચે લીધેલી ટાટા વિંગરની રાઈડ એક્સાઈટીંગ હતી.


ત્યાંથી અમે નીકળ્યા, લગભગ ૩.૩૦ એ બેંગ્લોર પહોચ્યા.

આ બધા ફોટા અને વિડીઓ મેં મારી જાતે મોબાઈલથી લીધેલ છે. આવા બધા પ્લેસના ફોટા જોવા માટે મને  ઇન્સ્તાગ્રામ પર ફોલો કરો. => અહી ક્લિક કરો 

એક બે વરસ પહેલા રખડપટ્ટી સેક્શન ચાલુ કરેલ પરંતુ સમયના અભાવે ઘણી બધી ટ્રીપ વિષે લખવાનું બાકી રહી ગયું છે. એના વિશે પણ લખીશ. અહી ક્લિક કરી બધી રખડપટ્ટીની પોસ્ટ વાંચી શકો છો  

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.