હિંદુ ધર્મ - વાડાઓ અને વિવાદો !


લાડુળી વિવાદ 

ઇસ્સ્યું કૈક આવો હતો મોરારીબાપુએ કોઈ પણ સંપ્રદાયનું નામ લીધા વગર કટાક્ષ કર્યો કે "લાડુળી ખાઈને નીલકંઠ નાં બનાય" આવું કૈક, અને સ્વામીનારાયણ સંપ્રદાયે કી-વર્ડ્સ શોધી માથે ઓઢ્યું.  આ નાની વાતને (કે કોઈ માટે બહુ મોટી) વાતને ચગાવવામાં આવી અને પોત પોતાના વાડાઓના રક્ષણમાટે "ભક્તો" કુરુક્ષેત્રમાં ઉતારી પડ્યા. હું અહી કોઈના વીશે સારું કે ખરાબ નથી લખવાનો પણ સમગ્ર હિંદુ "સંસ્કૃતિ" વિષે થોડું ઘણું લખવાનો છું. એ લખતા પહેલા મારો ધર્મ વિષે શું નાતો છે કોને માનું છું એ નીચેના ફકરામાં છે - 

મારો ધર્મ સાથેનો નાતો

મને તો આ ઇસ્યુ પછી ખબર પડી કે ત્યાં કોઈ નીલકંઠ મહારાજ પણ છે. હું યુટ્યુબ પર ઘણા સ્વામીના પ્રવચનો સાંભળું છું મને ગમે છે. જય વસાવડાને સાંભળું છું , બાપુને સાંભળું છું, બાપુની કથામાં સરિતા જોશી , કાજલ બેન, શૈલેશ લોઢાં બધાને સાંભળું છું. મને જે તે લોકોનો વિચાર ગમે તો લઈ લવ અમુક વાતે અસમંત હોઈ તો જવા દવ. મોટા ભાગે હું કોઈનાથી અંજાતો નથી.


  • હું નાનપણમાં સ્વાધ્યાયમાં જતો, શ્લોક, રમતો વગેરે ગમતું, પછી મોટા થતા યોગેશ્વરની સાથે સાથે પાંડુરંગ દાદા અને બીજા મોટા માથાઓને એમની હરોળમાં મુકવા માંડ્યા એ ખૂચ્યું..
  • વૈષ્ણવ હોઈ , દીક્ષા લેવા ગયો, ગુરુજી ની પર્સનાલીટી અને રૂપિયા ઉઘરાવવાની કળા જોઇને એમનમ જ મોહનથાળ ખાઈને પાછો આવી ગયો..
  • અત્યારે બધા પરિચિતો મોટાભાગે સ્વામીનારાયણમાં માને છે , હું ઘણા સ્વામીના મંદિરોમાં ગયો છું મને બહારથી એ સંપ્રદાય ગમે છે પણ અંદરનું પોલીટીક્સ પણ જોયું છે અને એમના અમુક પંથવાળા કુળદેવી કે કૃષ્ણને છોડી સ્વામી ભગવાનને જ ભજવા બ્રેઈનવોશ કરે છે ! મારા ઘણા સબંધીઓ આનો શિકાર છે.
  • કુળદેવી ઉમીયામાતાજી છે એમના દર્શને ઘણી વખત જાવ છું, પણ એમના કાર્યક્રમોમાં "ટ્રસ્ટ"થી ઘણી વખત "ત્રસ્ત" થઇ જાવ છું . 
  • બાપુની કથાઓ સાંભળી છે અને એમની પાછળની વાતો પણ તો ઘણીવાર બાપુએ ના બોલેલી અને બીજેપી વિરુદ્ધના બળતળિયાઓ દ્વારા બનાવેલી બાપુના નામની ખોટી પોસ્ટ્સ પણ. કથાકારો વિરુદ્ધ એક ષડયંત્ર બનાવ્યું હતું આ લોકોએ.
  • સ્વામી સચ્ચિદાનંદના બધા પુસ્તકો વાંચ્યા છે , થોડો પ્રભાવિત છું પણ એમને ક્યારેય લાઈવ જોયા નથી , એમના આશ્રમ કે નથી ગયો, એમના વ્યક્તિત્વ વિષે ખ્યાલ નથી.


હું આમાંથી કોઈનામાં નથી માનતો , પરંતુ બધામાં માનું છું. હિંદુ ધર્મમાં માનું છું , ગીતા વાંચું છું , રામાયણ સાંભળી છે , મહાભારતના ઘણા અજાણ્યા પ્રસંગો પણ જાણ્યા છે, શિવ પુરાણય વાંચી છે. મને મંદિરોમાં જાવું બહુ નથી ગમતું પણ જો સાવ એકાંત વાળું , કોઈ ભીડભાડ વગરનું , પરાણે દાન નાં માગતું હોય એવું મંદિર અને ભગવાન મળી જાય તો દિલથી દર્શન કરી લઈએ. બાકી રોજ સાંજે ઘરના ભગવાનના દીવાબતી અને વડીલોના આશીર્વાદ !

હિંદુ ધર્મ  - વાડાઓ અને વિવાદો ! 

હિંદુધર્મમાં પહેલેથી ઘણા વર્ણો સામને જ્ઞાતિઓ  છે, અને એમનો વિવાદ પહેલેથી જ છે. અધૂરામાં પૂરું આ સંપ્રદાયો ચાલુ થયા. હવે સરખી જ્ઞાતિવાળાઓમાં પણ સંપ્રદાયોને લઈને અલગ અલગ ફાંટા પડતા જાય છે. હિંદુ ધર્મ પહેલેથી જ  તમને તમારા ઇસ્ટદેવ મુજબ ધર્મ પાડવા સ્વતંત્રતા આપે છે. એટલે કે તમે હિંદુ હોય તો કોઈ એક દિવસે મંદિરે જવું જ, કોઈ બાવા કે શંકરાચાર્યના ભાષાણો સંભાળવા જ કે કોઈ ડ્રેસકોડ પ્રમાણે કપડા પહેરવા જ એવું ઠોકી બેસાડતો નથી. તમારા ભગવાન પસંદ કરવાની પણ તમને છૂટ !  અરે તમે હિંદુ પુસ્તક લઈને તમારી રીતે એને મઠારીને અલગ ગ્રંથ પણ બનાવી શકો ! 

આમ તો હિંદુ ધર્મના મુખ્ય ત્રણ દેવ છે , બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ !  બ્રહ્મા જેને શ્રુષ્ટિનું સર્જન કર્યું, વિષ્ણુ જે શ્રુષ્ટિ ચલાવે છે અને મહેશ એટલે કે મહાદેવ જે મૃત્યુનો દેવતા છે. આ ત્રણેના અલગ અલગ આવતાર અને અલગ અલગ સ્વરૂપો પૂજાય છે જેમાં મહાદેવ, રામ અને કૃષ્ણ મોખરે છે  આ ઉપરાંત દેવીઓ તો ખરા જ. ગીતામાં કૃષ્ણએ કહ્યું છે " હું જ ભગવાન છું ".
જેમ પહેલા કહ્યું કે હિન્દુધર્મમાં તમારા ઇષ્ટદેવ પસંદ કરવાની સ્વતંત્રતા છે એ પ્રમાણે હિંદુ ધર્મના મુખ્ય પાંચ સંપ્રદાય છે . વૈષ્ણવ (વિષ્ણુના ઉપાસક), શૈવ (શિવ ઉપાસક), ગાણપત (ગણપતિ ઉપાસક), શાક્ત (શક્તિ/દેવી ઉપાસક) અને સૌર (સૂર્ય ઉપાસક). (સોર્સ - વિકિપીડિયા ) 

હવે આ ભગવાન અને ગ્રંથોને લોકો સુધી પહોચાડવા, લોકોને શાંતિ અને પરમ મોક્ષનો માર્ગ બતાવવા ઋષિમુનીઓ, બાવાઓ, સાધુઓ જે કહો એ લોકો વચ્ચે ફર્યા , જંગલો અને પર્વતોની ગુફાઓમાં સાધનો કરી. એમના અમુક સાધુઓએ પોતાના અલગ સંપ્રદાયો શરુ કર્યા , અમુકે એકલા જ લોકોને જ્ઞાન પીરસવા ગામથી ગામ ફરવાનું રાખ્યું, અમુકે પોતાના મઠ અને આશ્રમો બનાવ્યા અને લોકોને ત્યાં બોલાવ્યા ! ઉપરના પાંચ સંપ્રદાયો ઉપરાંત   વિચારો પ્રમાણે આ ઋષીઓ એ પોત પોતાના અલગ સંપ્રદાયો શરુ કર્યા  - શંકરાચાર્યનો અદ્વૈત, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત, મધ્વાચાર્યનો દ્વૈત, નિમ્બાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈત, વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈત, ચૈતન્ય મહાપ્રભુનો અચિંત્ય ભેદાભેદ. આ સંપ્રદાયો હવે રહ્યા નથી પણ સમય પ્રમાણે નવા સંપ્રદાયો શરુ થયા ઇસ્કોન , સ્વામિનારાયણ, નાથ સંપ્રદાય વગેરે. આ ઉપરાંત આશ્રમો પણ સ્થપાયા અને જે તે આશ્રમના ગુરુઓને માનનારા પણ વધ્યા. 

જેમ આજકાલ ફેસબુક , ટવીટરમાં ફોલોવર્સનો મોહ આપણને છોડતો નથી, તેમ જ સંપ્રદાયો, સાધુઓમાં એમને માનતા લોકોની સંખ્યા પ્રમાણે શક્તિપ્રદર્શન થવા લાગ્યું. એમાં ને એમાં પોતપોતાના સંપ્રદાયોનો ફેલાવો કરવા કોઈએ મંદિરો બાંધ્યા, કોઈએ મઠો વિકસાવ્યા સાથે સાથે સમાંતરે કોઈ બીઝનેસ પણ ચાલુ કર્યા જેનો હેતુ  શ્રદ્ધાળુઓને સારું અને સસ્તી વસ્તુ મળે અને એમના ચેલાઓને કામ મળે. આમ જ સંપ્રદાયો વિકસવા લાગ્યા. 

આ સંપ્રદાયોએ એમના સ્થાપક સાધુઓને પણ ભગવાન સાથે બેસાડવાનું ચાલુ કરી દીધું. પેઢી દર પેઢી ભક્તો વચ્ચે ખેચતાણ થવા લાગી, ભાગલાઓ પડ્યા. સામે હિંદુ ધર્મના મુખ્ય સાધુઓ શંકરાચાર્ય, સાધુઓ , બાવાઓ જે મુખ્ય રામ , કૃષ્ણ કે મહાદેવમાં માને છે ત્યાં પણ દેશના રાજકારણથી ગંદુ રાજકારણ ઘૂસ્યું. આ રાજકારણ સમજવા માટે સ્વામી સચ્ચિદાનંદની "મારા અનુભવો" પુસ્તક વાંચવા જેવું. એમાં એ જયારે સન્યાસી થવા ઘર છોડીને નીકળ્યા અને ગુરુની શોધમાં અલગ અલગ સાધુઓ , સંપ્રદાયોને મળ્યા અને એમને જે જોયું એ  ઘણી ભીતરની વાતો પણ લખી છે.
હિંદુ ધર્મમાં વિવાદો અનાદીકાળથી ચાલ્યા આવે છે, શાસ્ત્રોક્ત વિવાદો , વૈચારિક વિવાદો વગેરે. પણ હિંદુ ધર્મની સુંદરતા એ છે કે  એ તમને આ વિવાદો કરવાની, તમારી માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે. આ સનાતન ધર્મ છે, આ ધર્મ કોઈએ શરુ નથી કર્યો પણ એક સંસ્કૃતિ જે પ્રમાણે રહેતી જે પ્રમાણે ભગવાનને માનતી એ સંસ્કૃતિ હિંદુ ધર્મમાં રૂપાંતરણ પામી છે. હજુ નવા સંપ્રદાયો આવશે , નવા વાડાઓ બનશે , નવા ગુરુઓ આવશે, ધર્માંતરણ થશે અમુક બદીઓ આવશે અમુક દુર થશે. પણ આ ધર્મ હમેશા સમય સાથે બદલાતો જશે કારણ કે આ એક ધર્મ કરતા સંસ્કૃતિ વધુ છે.

(હજુ આમાં ઘણું લખી શકાય એમ છે , અનુકુળતાએ ભાગ ૨ પણ લખીશ ).

મને ફોલો કરો
ટવીટર => https://twitter.com/Er_ASP
ઇન્સ્તાગ્રામ => https://www.instagram.com/ankit_sadariya/
ફેસબુક => https://www.facebook.com/ankit.sadariyapatel


હિંદુ ધર્મ  - વાડાઓ અને વિવાદો !



Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.