ખુદની કમાઈની ગાડી લેવાનો અનુભવ

આમ તો મને અત્યાર સુધી કાર કરતા બાઈક જ વધુ પસંદ, નજીકમાં કે દૂર જો બાઈકથી પહોંચી શકાય એમ હોય તો હું કારનું વિચારું પણ નહિ. મેં ખુદની કમાઈથી પહેલું મારુ બાઈક fz 2.0 લીધેલું. અમે ગામડે રહેતા ત્યારે જ અમારી પાસે "વન વન એઈટ" કાર હતી. આ કાર પાપાએ કોઈ મિત્ર પાસેથી સેકન્ડ હેન્ડ લીધેલી. આ કાર એકદમ સ્પેશિયસ અને મજબૂત સિડાન. પાપા આ કાર શીખીને ફૂલ હેવી ડ્રાઈવર થઇ ગયા એટલે અમને કાર ચલાવવા ભાગ્યે જ મળતી. પછી અમે મિડલક્લાસ ક્વીન મારુતિની વેગેનઆર લીધી. એ વખતે જ હું ડ્રાંઇવિંગ શીખ્યો. 

શરૂઆતમાં રોજ હું વેગેનઆર લઈને ચક્કર મારવા જતો. ત્યારે રાજકોટમાં એટલો ટ્રાફિક પણ નહિ અને નવા રસ્તા એટલે મજા આવતી. પાપા ત્યારે વેગેનઆરને ફળિયામાં પાર્ક કરતા. અમારું ફળિયું એટલું નાનું છે કે અત્યારે અમે એમાં બે મોટરસાઇકલ પણ પાર્ક નથી કરી શકતા. એક દિવસ શું સુજ્યું કે હું પણ પાપાની જેમ ગાડીને ફળિયામાં ચડાવવા ગયો અને એક સાઈડનો દરવાજો અંદર આવી ગયો. ત્યારથી કાર ચલાવવામાં કોન્ફિડન્સ થોડો ઓછો થઇ ગયો. આમ પણ મને કાર ચલાવવાનો એટલો શોખ નહોતો. તો પણ જયારે જયારે રાજકોટ આવતો ત્યારે ક્યારેક ચલાવતો ઉપરથી બેંગ્લોરમાં ઝૂમ કાર લઈને ચલાવતો. ધીમે ધીમે એવું થઇ ગયું કે જયારે કોઈ ડ્રાઈવર ના હોઈ તો જ હું ચલાવું. પછી નક્કી કર્યું કે જયારે પોતાની કાર લઈશ ત્યારે "બેફામ" ચલાવીશ. 

હવે વડોદરા આવ્યો એટલે કાર લેવાનું નક્કી કર્યું ત્યાં લોકડાઉન  આવી ગયું. લોકડાઉનમાં બહુ ગાડીઓના વિડિઓ જોયા. લોકડાઉન પછી તરત જ પાપા હુન્ડાઈ i20 નક્કી કરી આવેલા પણ યુટ્યુબ વિડિઓ જોઈને મને થોડી મોટી ગાડી લેવાની ઈચ્છા હતી. અમે શો રૂમ  પર જોવાનું શરૂ કર્યું. ત્યારે (અને અત્યારે) સૌથી ડિમાન્ડિંગ કાર કિયા સેલ્ટોઝ અને ક્રેટા હતી. જો કે મારી ડ્રિમ કાર કહો તો જીપ કમ્પાસ હતી. જીપ કમ્પસ  તો હું બેંગ્લોર હતો ત્યારે જ જોઈ આવેલો. હવે જીપ કમ્પસના ભાવ, એવરેજ અને મેન્ટેન્સ કોસ્ટ જોઈને ફરીથી ધક્કો ખાવા જેવું જ ના હતું. 

પછી રાજકોટમાં શિવ હુન્ડાઈમાં ક્રેટા જોવા ગયો, ક્રેટાનું વેઇટિંગ જ એટલું હતું અને ઉપરથી શો રૂમમાં કોઈને આ ગાડી બતાવવામાં એટલો રસ નહોતો ફરીથી i20ના જ ભાવ કઢાવી આવ્યો, પછી કિયાના શોરૂમ પર ગયો ત્યાં તો લોકોને હવા જ એટલી હતી કે સેલ્ટોસના ભાવનું એસ્ટીમેટ આપ્યા વગર મૌખિક જ કહી દીધું અને 4 મહિના વેઇટિંગ જે છ મહિના સુધી પહોંચી શકે.  જો કે ફેમિલીમાં મારા ભાઈ સિવાય કોઈને આ બે ગાડીઓમાં ખાસ રસ નહોતો. એક તો મારા બજેટ કરતા થોડી વધુમાં જતી હતી  એટલે લોન લેવી પડે, ઉપરથી એવરેજ કે મેઇન્ટેનન્સ પણ સારું એવું આવે. ગમે એટલું કમાતા હોય પરંતુ પોતાના રૂપિયા "વેડફવા" સહેલા નથી, બધી બાજુથી જોખવું પડે. 

પછી નક્કી કર્યું કે નાની suv ની હમણાં જે ડિમાન્ડ ચાલે છે એમાંની એક લેવી જેમ કે બ્રેઝા, નેકશોન, વેન્યુ, સોનેટ. ત્યારે સોનેટ હજુ લોન્ચ જ થયેલી. અમે હોન્ડાની wrv  જોવા ગયેલા જેમાં ફીચર્સ અને લુક હજુ એ જ પાંચ વર્ષ પહેલાનો જ હતો (બ્રેઝામાં પણ સેઈમ)  ત્યાં જ બાજુના કિયાના શોરૂમ પર સોનેટ પણ જોય. સોનેટ જોયા પછી wrv  માટે ધક્કો ખાવા જેવું જ ના લાગ્યું. લગભગ ફાઇનલ જેવું જ હતું, મોડર્ન લુક, સારા ફીચર્સ. ટેસ્ટ ડ્રાઈવ માટે પણ મેં નંબર આપ્યો, પંદર દિવસ સુધી મેં કોલ કર્યા પરંતુ એમની પાસે મારે લેવી હતી એ એન્જીનવાળી  ગાડી જ નહોતી એક હુંશિયાર વળી કહે હુન્ડાઈ વેન્યુની ટેસ્ટ ડ્રાઈવ લઈ આવો, બંનેમાં સરખું જ એન્જીન આવે છે. ફરીથી વાઈફ સાથે એ જોવા ગયો ત્યારે સરખું જોયું તો પાછલી સીટ 2 લોકો માટે પણ માંડ કમ્ફર્ટેબલ હતી. એના કરતા અમારી વેગેનઆરની પાછલી સીટ કમ્ફર્ટેબલ લાગી. 

મારે ભવિષ્યમાં રાજકોટથી વડોદરા બાળક સાથે આવવા જવાનું વધુ થવાનું હોવાથી પહેલી રિક્વાયરમેન્ટ કમ્ફર્ટ હતી, પછી થોડી  એવરેજ તો ખરા જ અને ફીચર્સ. કિયા પહેલા ટાટાના શોરૂમ પર નેકશોન જોવા ગયેલો. અડધી કલાક અમે ત્યાં બેઠા પણ કોઈએ પૂછ્યું જ નહિ કે શું કામ છે. પછી હું થોડો ગુસ્સે થયો એટલે એક સેલ્સમેન આવ્યો અને નેકસોનના ફીચર્સ બતાવ્યા. ત્યારે એમના પાસે ટેસ્ટ ડ્રાઈવ માટે કાર નહોતી પરંતુ બીજે જ દિવસે ઘરે આવીને ટેસ્ટ ડ્રાઈવ આપી. નેકશોન બધી રીતે ગમી ગયેલી, પાછલી સીટનો થોડો પ્રોબ્લેમ તો હતો જ પણ ચલાવવામાં બોવ સારી લાગી પરંતુ ગેરેજવાળા ભાઈઓએ લેવાની ના પાડી. નેકશોનમાં થોડું એવરેજને પ્રાધાન્ય ના આપો તો બીજો કઈ ખાસ પ્રોબ્લેમ લાગ્યો નહિ ઉપરથી એમાં પણ ઘણું વેઇટિંગ હતું. એક તો મારી આ પહેલી કાર હોય ટાટાની આફ્ટર સેલ્સ સર્વિસમાં પણ થોડો કન્સર્ન હતો. મારે ડિસેમ્બરમાં 2-3 લગ્ન હતા, એ પહેલા નવી કાર આવી જાય તો કામમાં આવે એ આશા હતી. 

ફરીથી નવી હુન્ડાઈ  i20 લોન્ચ થયેલી એ જોવા ગયો, આ i20 પહેલાં  કરતા લુકમાં અને ફીચર્સમાં એકદમ અલગ હતી. મારુ મન તો પણ વેન્યુ તરફ જ જતું હતું, થોડી ઉંચી ગાડી લેવાનો શોખ હતો. પરંતુ વેન્યુના એટલા રીવ્યુ સારા નહોતા અને મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પાછલી સીટ એટલી કમ્ફર્ટેબલ નહોતી. સ્મિતાને અને મારા મમ્મીને i20 જ ગમતી હતી. ઉપરથી લુક્સ અને ફીચર્સ પ્રમાણે મને પણ એમાં કાંઈ ખાસ વાંધો નહોતો, એન્જીન સરખું જ હતું. ફાઈનલી 2020ની ન્યુ i20 બુક કરી. પણ હજુ બુક જ થઇ હતી. ત્યાં શો રૂમમાં ચિરાગભાઈએ બંને ગાડીઓના તફાવત અને ફાયદાઓ ખુબ જ સારી રીતે સમજાવ્યા એ પણ નિર્ણય લેવામાં કામ લાગ્યા. આ ગાડી જૂની i20 કરતા થોડી ભાવમાં વધુ હતી પણ ફીચર અને સ્પેસ પ્રમાણે વર્થ લાગી. 


જે તારીખ આપી હતી એના આગળ દિવસે ફોન કર્યો તો કહે તમે જે કલર કહ્યો છે એ હજુ સ્ટોકમાં આવ્યો જ નથી, સફેદ જોઈતો હોય તો મળી જશે. મેં ખુબ સમજાવ્યું કે 5-6 દિવસ પછી લગ્ન છે અને મારે એ જ કલર જોઈએ છે. બધા લગ્ન 10 ડિસેમ્બરે પુરા થઇ ગયા પણ ગાડી ના જ આવી. 11મી તારીખે ફોન આવ્યો કે ગાડી આવી ગઈ છે એટલે હું જોવા ગયો, બોડીને બાકી બધું કન્ફ્રર્મ કર્યા પછી 12-12 સારી  તારીખ લાગી એટલે ત્યારે જ લેવાનું નક્કી કર્યું. 12 તારીખે શનિવાર હોય મુહર્ત કરી આવ્યા પરંતુ બેન્ક બંધ હોવાથી પેમેન્ટ ના થઇ શક્યું અને જ્યાં સુધી પેમેન્ટ ના થાય ત્યાં સુધી ગાડીની ડીલેવરી પણ ના મળે. આખરે 14-12 એટલે કે આજના એક વર્ષ પહેલા સવારે કારનું પેમેન્ટ કર્યું. પેમેન્ટ કરતી વખતે પોતાના રૂપિયે પહેલી ગાડી લેવાના રોમાંચનો અનુભવ થયો. હવે મારી ગાડી આવશે, જે હું મારી રીતે ચલાવીશ! ગાડીની ડીલેવરી મળી એ પહેલા જ મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો હતો (લગ્ન!!). મેં ગેલેરીમાંથી જ ગાડીને હેલ્લો  કર્યું બસ!!  (વાંચો - Corona - આખરે ચાઈનીઝ વાઇરસ મારા શરીરમાં પ્રવેશ્યો )હમણાં લગભગ એક વર્ષ પછી રાજકોટથી વડોદરા ક્રિયાંશને લઈને ડ્રાઈવ કરીને લઈ આવ્યો, ખરેખર મારી જે રિક્વાયરમેન્ટ હતી એ ગાડીએ  પુરી કરી.   

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.