Corona - આખરે ચાઈનીઝ વાઇરસ મારા શરીરમાં પ્રવેશ્યો

આખરે 2020ના અંતમાં ચાઈનીઝ વાઇરસ મારા શરીરમાં પ્રવેશ્યો. 11-12-2020 શુક્રવારના સાંજે થોડું તાવ જેવું લાગ્યું, એક પેરાસીટામોલ લીધી. સવારે ફરીથી એક ગોળી એમનેમ જ લીધી. તાવ જતો રહ્યો, હળદળવાળું દૂધને બધું પીધું, થોડું શરદી જેવું હતું એ પણ જતું રહ્યું. શનિવારે સાંજે ફરીથી થોડો વધુ તાવ આવ્યો. સવારે ડોક્ટરને બતાવવું જવાનું નક્કી કર્યું. સવારે ફોન પર વાતચીતમાં ખબર પડી કે લગ્નમાં સંપર્કમાં આવેલા સબંધીઓમાં એક બે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં મનોમન રેપિડ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું.

કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રએ ગયો. એ લોકોએ નજીકના બુથ વિષે જણાવ્યું. હું રેપિડ ટેસ્ટ માટે બુથ પર ગયો. ત્યાં કોઈ જ ભીડ નહોતી. એક માજીનો રિપોર્ટ કર્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. મને ચેર પર બેસવા માટે કહ્યું, આ કોરોના ટેસ્ટ કરવાનો મારો પહેલો અનુભવ હતો. ટીવી અને વિડીઓમાં જોયેલું કે નાકની અંદર સુધી સ્ટ્રીંગ નાખે જે બહુ દર્દનાક લાગતું પરંતુ એટલું કાંઈ મને લાગ્યું નહિ. હજુ નાકમાં ખબર પડે એ પહેલા તો બહાર કાઢી લે. મને 10 મિનિટ રાહ જોવાનું કીધું. મારા પછી એક આખું ફેમિલી રિપોર્ટ કરાવવા આવ્યું. એમનો રિપોર્ટ મારી પહેલા આવી ગયો અને બધાને નેગેટિવ હતો. મને થયું અહીં બધા નેગેટિવ જ આવે છે. પરંતુ મને અલગથી બોલાવ્યો અને કહ્યું તમારો રિપોર્ટ પોઝિટિવ છે, એક ફોર્મ ભરાવ્યું અને પોઝિટિવનું "સર્ટિફિકેટ" આપ્યું. 14 દિવસ કોરોન્ટાઇન રહેવા કહ્યું. તે દિવસે રવિવાર હોઈ, દવાઓ માટે મેને બીજા દિવસે આરોગ્ય કેન્દ્રથી લેવા માટે કહ્યું.

તે દિવસે ઘરે આવીને જ એક રૂમમાં કોરોનટાઇન થઈ ગયો. જમવા માટે ડિસ્પોઝેબલ પ્લેટ્સ અને બાઉલ લઇ આવવા કહ્યું. ગરમ પાણી માટે સ્ટવ અને નાસ લેવાનું મશીન રૂમમાં જ રાખી દીધું. મને બોવ કાંઈ સિમટમ્સ તો હતા નહીં, પરંતુ ડર હતો કે ઘરમાં કોઈને મારાથી ચેપ ના લાગે. એક બે મિત્રો જેને પહેલા કોરોના થઇ ગયેલો હતો એમની અને ડોક્ટર મિત્રની સલાહો લીધી. બ્લડ ટેસ્ટ કરાવ્યો જેમાં બહુ માઇનોર અસર હતી. મેં સોસીયલ મીડિયામાં કે મિત્રોને આ વિશે નહીં જણાવવાનું નક્કી કર્યું જેથી લોકો વધુ પડતી સલાહો ના આપ્યા કરે અને બીજું એ કે મિત્રો ખબર અંતર પૂછવા સિવાયની નોર્મલ વાતો કરે.

બીજા દિવસે ભાઈ આરોગ્ય કેન્દ્રમાંથી દવા લઇ આવ્યો. મને ના તો 104માંથી કોઈ ફોન આવ્યો કે ના તો કોઈ ઘરે તપાસવા આવ્યું. મેં સામેથી 104માં ફોન કરીને વાત કરી તો એમને ઓક્સીજન માપતું રહેવાનું કહ્યું. મતલબ કે ઓક્સીજન ઘટે તો હોસ્પિટલમાં ભરતી થઇ જાવ બાકી 14 દિવસ પડ્યા રહો એવું વાત પરથી લાગતું હતું. બાકી કોઈ સમસ્યા (ઉધરસ, માથું દુખવું વગેરે) હોઈ તો એમની આયુર્વેદિક દવા જણાવતા હતા.



મેં કામ પણ ચાલુ કરી દીધું. પરંતુ બીજા દિવસે સ્મેલ જતી રહી. વિક્સ સૂંઘો તો પણ સાલું કાંઈ સુગંધ ના આવે. ટેસ્ટમાં કાંઈ વાંધો નહોતો. 2-3 દિવસ પછી રાતે માઇનોર તાવ આવવાનું શરુ થયું. ટેસ્ટ હજુ આવતો હતો પણ વધુ જમી શકતો નહતો અને થોડું નબળાઈ જેવું લાગવા માંડ્યું. રિપોર્ટ કરાવ્યો તો થોડું વધી ગયું હતું. ડોક્ટર સાથે કન્સ્લટ કર્યું અમને બીજી થોડી દવાઓ લખી આપી અને કામ ના કરવાની સલાહ આપી. એ દવા ચાલુ કર્યા પછી લગભગ બીજા દિવસથી જ સારું લાગતું હતું. ઉધરસ કે શરદી તો હતા જ નહિ.

હવે સૌથી અઘરું હતું 14 દિવસ કોરોનટાઇન રહેવું. આટલા દિવસ કોઈને અડવાનું નહિ , એક જ રૂમમાં રહૅવાનું, વાતો મોટાભાગે ફોનથી જ કરવાની. કામમાં જાતે ગરમ પાણી કરું, ગરમ પાણીમાં હળદળ મીઠાના કોગળા કરું, લીંબુ પાણી બનાવું, રૂમ સાફ કરું. ફ્રૂટમાં કીવી સફરજન વગેરે ખાતો. એકપણ પ્રકારનો ઉકાળો પીધો નથી. શરૂઆતમાં તો ઠીક લાગતું પણ ધીમે ધીમે એકલતા સહન ના થાય સ્પેશિયલી સાંજે અને ઊંઘ ના આવે તો રાતે બહુ એકલું લાગે અને નો હોઈ એવી ફિલોસોફી મગજમાં ચાલે. એમાં પણ વચ્ચેના બે ત્રણ દિવસ લેપટોપમાં કાંઈ જોવાનું પણ મન ના થતું, બિગ બેંગ થિએરીના અમુક એપિસોડ જોતો એ પણ જોવાનું ત્યારે મન ના થતું. કોઈ સાથે ચેટમાં વાત કરવાનું મન ના થતું, ઓનલાઇન કુન્દનિકા કાપડિયાની એક નવલકથા મંગાવી હતી એ 2 દિવસમાં જ ઘરે પહોંચી ગઈ, જે થોડી થોડી વાંચતો અને ગીતો સાંભળતો.

સાધન સામગ્રી

મારો રૂમ


ક્યારેક ક્યારેક આ 14 દિવસ જેલ જેવા લાગતા. વધુમાં વધુ હું ગેલેરીમાં ઉભો રહી શેરીના લોકોને જોઈ શકતો. આ સમય દરમિયાન મારી સૌથી ઉપયોગી ગમતી જગ્યા હોઈ તો એ ધાબુ, અગાસી. રોજ સવારે સાંજ એક દોઢ કલાક અગાસી ઉપર જઈને બેસતો. આમ પણ મને પહેલા રોજ સાંજે અગાસી પર જવાની આદત હતી. અગાસી મને મારા રૂમ કરતા પણ વધુ જીવંત લાગતી. સવારમાં અગાસી પર કુમળા તડકે શેકાવું બહુ ગમતું. સૂર્યના કિરણો જાણે શરીરમાં નવી ઉર્જા ભરતા હોઈ એવું લાગતું. સાંજે અગાસી પર ઘણા પક્ષીઓ જોવા મળે. એમ થાય કાશ હું પણ આ પક્ષીઓની જેમ કોઈને ઈનફેક્ટ કર્યા વગર મુક્ત આકાશમાં ઉડીને એક ચક્કર મારી આવું. પંખીઓ મારા સાથીઓ લાગતા.

અગાસી -




12 દિવસ પછી ફરી રિપોર્ટ કરાવ્યા અને બધા નોર્મલ આવ્યા. મારો કોરન્ટાઇન પિરિયડ પૂરો કરીને જાણે હું આઝાદ થયો. પરંતુ એક બે દિવસ કોઈની પાસે બેસવામાં કે કોઈને અડવામાં ડર લાગતો. સાવ નોર્મલ થતા 2-3 દિવસ લાગ્યા. આ એક અલગ જ અનુભવ હતો જે હું ઈચ્છું કે કોઈને કરવો ના પડે.

છેલ્લો દિવસ -

માણસ એક સામાજિક પ્રાણી છે, સાવ એકલા માણસ રહી જ ના શકે અને રહે તો પણ માનસિક રીતે એમનામાં ઘણો બદલાવ થઈ જાય. જો કે મને એકલા રહેવું ગમે એટલે મને એટલો વાંધો ના આવ્યો કે એકલા રહેવું સાવ અસહ્ય થઈ જાય. કોરોન્ટાઇન પિરિયડ પૂરો કરીને મેં નવી લીધેલી કારની પ્રથમ વાર ચક્કર મારી.પરિવાર સાથે જમવા બેઠો. નીચે ફળિયામાં બેઠો. બહાર થોડું વોક કરી આંટો માર્યો જે બધું થોડું અજીબ લાગતું હતું !!

આ બ્લોગ પસંદ હોય તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
મને સોસીયલ મીડિયા પર ફોલો કરવા માટે -
ટવીટર => https://twitter.com/Er_ASP
ઇન્સ્તાગ્રામ => https://www.instagram.com/ankit_sadariya/




ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.