2020 - શું નવું આવ્યું, શું બદલાયું ?

આમ તો દર વર્ષે આ લખું છું પરંતુ આ વર્ષ તો સાવ અલગ જ છે જેટલું લખીએ એટલું ઓછું. 2020 એક એવું વરસ છે જે દુનિયાભરની જનરેશનને આજીવન યાદ રહેશે. 

2020માં સૌથી બોલાયેલો, લખાયેલો અને સંભળાયેલો  શબ્દ હશે "કોરોના" કે  "કોવીડ".  આ વર્ષે આવેલા (ટેક્નિકલી ગયા વર્ષે) કોરોના વાઇરસે  દુનિયાને 360 ડિગ્રી બદલાવી નાખી છે.  એક ચામાચીડિયા કે ચીનની લેબોરેટરીમાંથી જન્મેલા માઈક્રો વિષાણુએ આખી દુનિયાના દેશોને ઘુંટણિયાભેર કરી દીધા છે. અત્યારે આ લખી રહ્યો છું ત્યાં સુધીમાં વિશ્વભરમાં  80.2 મિલિયન લોકો ઈન્ફેક્ટેડ થઇ ચુક્યા છે અને 1.75 મિલિયન જેટલા લોકોએ દમ તોડ્યો છે. અમેરિકા, ભારત, બ્રાઝીલ, યુરોપની હાલત ખરેખર ગંભીર છે. આ વર્ષમાં મોટાભાગના દેશોએ સંપૂર્ણ યા પાર્શીયલ લોકડાઉં જોયું. જેમાં એક બીમારીથી બચવા લોકોને ઘરમાં કેદ રહેવું પડ્યું. અમુક અઠવાડિયાથી માંડીને મહિનાઓ સુધી લોકો ઘરમાં રહ્યા. માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ સામાન્ય બન્યો. આ સમય દરમિયાન આ જ બ્લોગ પર જે તે સમયની હાલત મુજબ આર્ટિકલ્સ લખ્યા છે. 

2020



 2020ની મહત્વની ઘટનાઓ  - 

- વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ માટે આ વર્ષ ખરાબ રહ્યું છે, લોકડાઉનના લીધે મોટા મોટા દેશોના અર્થતંત્ર મરણપથારીએ છે. ઘણા લોકોએ નોકરીઓ ગુમાવી છે કે પગારમાં ઘટાડો થયો છે. 
- સરપ્રાઇઝિંગલી શરૂઆતમાં મંદી  પછી સેન્સેક્સ સારું પરફોર્મ કરી રહ્યો છે. 
- સતત ઘટી રહેલો જીડીપી લોકડાઉનને લીધે માઇનસ 8%ની આસપાસ રહ્યો. 
- વર્ષની શરૂઆતમાં જ ઓસ્ટ્રલિયાના જંગલોમાં લાગેલી આગમાં ઘણા પશુઓ ગુમાવ્યા. 
- અમેરિકન પોલીસે  એક બ્લેક માણસની હત્યા કરી અને આખા અમેરિકામાં વિરોધ પ્રગટ્યો. " બ્લેક લીવ્સ મેટર" માટે આંદોલનો અને દેખાવો થયા. 
- અમેરિકાની ચૂંટણીઓમાં ટ્રમ્પનો પરાજય થયો. 
- ભારતમાં શરૂઆતમાં દિલ્લીમાં ncr bill માટે દેખાઓ થયા. દેખાઓએ થોડા સમય પછી ઉગ્ર રૂપ ધારણ કર્યું અને દિલ્લીમાં દંગા થયા.
- લોકડાઉંન  સમયે મજૂરોને વતનમાં ઘરે પહોંચાડવાનો પ્રશ્ન ઉભો થયો.   
- ભારતની ચૂંટણીઓમાં બિહાર ઇલેક્શનમાં એનડીએનો ફરીથી વિજય થયો. 
- ઈરાનમાં ભૂલથી એક પેસેન્જર વિમાન તોડી પડાયું અને 190 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો તો પાકિસ્તાનમાં પણ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને 100 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો.
- બૈરાટ માં ભેદી બ્લાસ્ટ થયો. 200 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો. 
- ફ્રાંસમા  મહમદ પૈગંબરના કાર્ટૂનને લઈને વિવાદ થયો. યુરોપમાં મુસ્લિમોએ ઠેર ઠેર દેખાવો કર્યા. 
- મોટાભાગના દેશોમાં લોકડાઉનના લીધે વાહનો અને માણસો ઠપ્પ થયા. જેના લીધે પર્યાવરણમાં સુધારો આવ્યો. અમુક જવલ્લે જ જોવા મળતા પ્રાણીઓ જોવા મળ્યા. 
- આ વર્ષ ટેક્નોલોજી માટે સામાન્ય રહ્યું. 5જી ફોન લોન્ચ થયા. આઈફોને ખાસ કાંઈ ચર્ચા જગાવી નહીં. 
- વર્ષના અંતમાં ખેડૂતોએ કૃષીબીલના વિરોધમાં ફરીથી દિલ્લી બાનમાં લીધું. 


ફિલ્મો અને સીરીઝો 
- આ વર્ષે મોટાભાગના થિએટરો બંધ રહ્યા. માર્ચથી બધા મલ્ટીપ્લેક્સ અલમોસ્ટ બંધ જ છે. 
- મોટાભાગની ફિલ્મોની રિલીઝ પાછી ઠેલવાણી, અમુક ફિલ્મો ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ થઇ. ગુલાબો સીતાબો, લૂંટકેસ, છલાંગ જેવી ફિલ્મો થોડી સારી લાગી. 
- વેબ સિરીઝમાં સ્કેમ 1992, હર્ષદ મહેતાની સ્ટોરી આવી જે ખુબ જ સફળ રહી. મને બંદિશ બેન્ડિટ પણ ગમેલી. 
- 2020માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ  ઈરફાન ખાન , શુશાંતસિંહ રાજપૂત અને ઋષિ કપૂર જેવા દિગ્ગ્જ એકટર  ગુમાવ્યા. 

ક્રિકેટ 
- ફિલ્મોની જેમ જ ક્રિકેટ અને બીજા સ્પોર્ટ્સ પણ લગભગ આખું વર્ષ બંધ જ રહ્યા. માર્ચ-એપ્રિલમાં યોજાનાર આઇપીએલ કેન્સલ થઇ. ભારત સાઉથ આફ્રિકાની યોજાનાર શ્રેણી પણ કેન્સલ રહી. 
- નવેમ્બરમાં દુબઇ અને આરબમાં આઇપીએલનું આયોજન થયું. આ આઇપીએલ ત્રણ ગ્રાઉન્ડમાં કોરોનાના  નિયમો સાથે રમાડવામાં આવ્યો. દિલ્લી, મુંબઈ, બેંગ્લોર અને હૈદ્રાબાદની ટિમોએ સારું પરફોર્મ કર્યું. ટી નટરાજન, સુર્યકુમાર યાદવ, દેવદત્ત પેડિકલ, બિશ્નોઇ વગેરે પ્લેયર્સ ચર્ચામાં રહ્યા. આખરે મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલ 2020 જીત્યું. 
- નવેમ્બરથી ધીમે ધીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝ ફરીથી ચાલુ થઇ. 

મારા માટે 2020 - 
- 2020માં મેં સાત વર્ષ પછી બેંગ્લોર છોડ્યું અને વડોદરા શિફ્ટ થયો. 
- આઇબીએમમાં પાંચ વર્ષ જોબ કરી , નવી કંપની ક્લિક જોઈન કરી જે સ્વીડન બેઇઝડ ડેટા  એનાલિટિક્સ કંપની છે. 
- માર્ચ 16, 2020થી એક દિવસ પણ ઓફિસ ગયા વગર વર્ક ફ્રોમ હોમ કરું છું. આટલું લાંબુ વર્ક ફ્રોમ હોમ ફ્યુચરમાં કદાચ ક્યારેય નહિ મળે. આટલા સમયના ઘરેથી કામ કરવાના અનુભવો પર એક પોસ્ટ લખેલ છે. 
- ઘરેથી કામની સાથે સાથે નિયમિત કસરત કરવી અઘરી છે, નિયમિત થોડું ચાલવા સિવાય હેલ્થ માટે વધુ કાંઈ નથી કર્યું. એટલે કદાચ વજનમાં 2-3 કિલોનો વધારો થયો. 
- બેંગ્લોરથી આવ્યા પહેલા, ફરવામાં ચિકમંગલુર ટ્રેકિંગ માટે ગયેલા. પહાડો પર આશરે 15કિમીનું ટ્રકિંગ કર્યું જે અનુભવ ખુબ સરસ રહ્યો.
- આખરે ડિસેમ્બરમાં ચાઈનીઝ વાઇરસ મારા શરીરમાં પ્રવેશી જ ગયો અને 14 દિવસ કોરોનટાઇ રહ્યો (એ એક્સપિરિયન્સ પર પોસ્ટ ફરી ક્યારેક ). 
- ઘણા બધા પુસ્તકો વાંચ્યા.  યંગ શેલડ઼ન, ટુ  એન્ડ હાફ મેન, બિગ બેંગ થીઅરી વગેરે વેબ સિરીઝ જોઈ. બાકી નિયમિત કામ ચાલુ જ હતું. 
- વર્ક ફ્રોમ હોમના લીધે લગભગ છ મહિના ઉપર ઘરે પરિવાર સાથે રહેવા મળ્યું.  

બ્લોગ માટે 2020 - 
- હજુ આ બ્લોગ ફોલો ના કર્યો હોય તો પહેલા એ કરો. 
- આ વર્ષે બ્લોગમાં લગભગ એક લાખ જેટલા વ્યુ આવ્યા. "એ ધાબાની ઊંઘ અને યાદો..." પોસ્ટ સૌથી વધુ વંચાણી. ટોટલ 20 જેટલી નવી પોસ્ટ્સ કરી. 
- ફેસબુક પેજ "આ સાલી જીંદગી" પર પ્રમાણમાં ઓછી પોસ્ટ્સ કરી શક્યો. ટોટલ લાઇક્સ 51,459 પર પહોંચ્યા. (લાઈક કરો )
- ઇન્સ્ટાગ્રામ પેજ પર નવા ફોલોર્સ આવતા ઓછા થયા, તો પણ વધીને 4700+ ફોલોવર્સ થયા. (ફોલો કરો)
- પ્રતિલિપિ અને માતૃભારતી પર "ખાલીપો" કરીને શ્રેણી વાર્તા લખવાની શરૂ કરી જેના 12 ભાગ આવી ચુક્યા છે જે ક્રમશઃ ચાલુ જ છે.

આ વર્ષે એક જ અલગ જ વર્ષ તરીકે યાદ રહશે. કુદરતે માણસને એમની ઔકાત બતાવી છે, માણસ ભલે મંગળ સુધી પહોંચ્યો હોય પરંતુ એના હાથમાં હજુ કાંઈ જ નથી એ સાબિત થઇ ચૂક્યું છે. હજુ દુનિયા "ભગવાન ભરોસે" જ ચાલે છે અને ચાલતી રહેશે.

 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.