ડેન્ગ્યુ - પહેલી વખત હોસ્પિટલાઇઝ થયો
આ વખતે જન્માષ્ટમીની રજાઓમાંથી પાછા ફર્યા ત્યારે સ્મિતા અને ક્રિયાંશને થોડી શરદી થઈ ગઈ હતી. સ્મિતાને તાવ પણ આવતો હતો, જોકે મને વિશેષ કોઈ તકલીફ નહોતી. એકાદ અઠવાડિયામાં બંને સ્વસ્થ થઈ ગયા. મને પણ એકાદ-બે દિવસ શરદી જેવું લાગ્યું, પરંતુ કોઈ ગંભીર સમસ્યા ન જણાઈ. ત્યારબાદ ત્રણ દિવસની રજાઓ હતી. સોમવારે 14 સેપ્ટેબરે, સોસાયટીમાં ગણેશજીનું આગમન થયું ત્યાં સુધીમાં બધાની તબિયત એકદમ સારી થઈ ગઈ હતી.
નિયમ મુજબ મંગળવારે મારે ઓફિસ જવાનું હતું. તબિયત સારી હોવાથી મેં ઓફિસ જઈને જ કામ કરવાનું વિચાર્યું, વળી એક ઉદ્ઘાટન પ્રસંગમાં પણ હાજરી આપવાની હતી. પરંતુ સવારે નહાઈને તૈયાર થતો હતો ત્યાં જ અચાનક નબળાઈ અનુભવાવા લાગી. તૈયાર થઈને હું સોફા પર જ સૂઈ ગયો અને મને તાવ આવી ગયો. પરિણામે મારે રજા લેવી પડી.
સાંજે ઠંડી સાથે વધુ તાવ આવ્યો અને શરીરમાં ધ્રુજારી છૂટવા લાગી. નજીકના ડોક્ટર પાસેથી હું દવા લઈ આવ્યો. દવા લેવાથી તાવ ઉતરી જતો અને રાહત થતી. આમ બે દિવસ ચાલ્યું. ત્રીજા દિવસે તાવ ન આવતાં મેં બ્લડ રિપોર્ટ કરાવવાનો વિચાર પડતો મૂક્યો, એમ વિચારીને કે હવે સારું થઈ ગયું છે. પરંતુ એના પછીના દિવસે ફરીથી તાવ અને અશક્તિ આવી ગયા.
આખરે મેં બ્લડ રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ આવે તે પહેલાં જ ડોક્ટરે લક્ષણો પરથી ડેન્ગ્યુ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સાંજે રિપોર્ટમાં ડેન્ગ્યુ કન્ફર્મ થયો અને બ્લડમાં પ્લેટલેટ કાઉન્ટ પણ નોંધપાત્ર રીતે ઘટી ગયા હતા. હું અગાઉ ક્યારેય હોસ્પિટલમાં દાખલ થયો ન હોવાથી, મેં ઘરે રહીને જ સારવાર લેવાનો આગ્રહ રાખ્યો. પરંતુ ડોક્ટર અને સ્મિતાએ સમજાવીને આખરે મને હોસ્પિટલમાં એડમિટ કર્યો.
શરૂઆતમાં હોસ્પિટલમાં એડમિટ થયા પહેલા કોઈ ખાસ તકલીફ ન હતી, પણ તાવ આવે ત્યારે જમવાનું બિલકુલ ન ભાવતું. ચા પીવાની પણ ઈચ્છા મરી ગઈ હતી; માત્ર ફળો જ ભાવતા. મેં સફરજન અને કીવી પુષ્કળ ખાધાં. એડમિટ થયા પછી હોસ્પિટલમાંથી આવતું જમવાનું સારું હોવાથી હું થોડું જમી શકતો હતો. મને શુક્રવારે સાંજે એડમિટ કરવામાં આવ્યો હતો. શુક્રવારે હું એકલો જ હતો, પણ સાંજે પાડોશી કેવલભાઈ રોકાવા આવ્યા એટલે સારું લાગ્યું.
બીજા દિવસે પપ્પા અને સાળો પણ મારી દેખરેખ માટે આવી ગયા, જેથી મને ઘણી નિરાંત થઈ. શનિ-રવિની રજાઓ હોવાથી જૂની સોસાયટીના મિત્રો, હાલના પાડોશીઓ અને શહેરમાં રહેતા અન્ય મિત્રો પણ હોસ્પિટલે મળવા આવ્યા. જેટલા લોકો મળવા આવ્યા અને ફોનમાં વાત થઇ એ બધાએ પપૈયાનો રસ પીવાની સલાહ અચૂક આપેલી. જો કે હું પપૈયાના પાનની આયુર્વેદિક દવા લેતો હતો જે ડોકટરે જ સજેસ્ટ કરેલી. આ રીતે મારું વીકએન્ડ આસાનીથી પસાર થઈ ગયું. મિત્રો, મારો અંગત અનુભવ છે કે જો બીમારી ચેપી ન હોય, તો દર્દીની મુલાકાતે અચૂક જવું જોઈએ; એનાથી દર્દીને માનસિક હૂંફ મળે છે. કારણ કે નબળાઈને લીધે મોબાઈલ જોવો, ટીવી જોવું કે પુસ્તક વાંચવું ગમતું નહોતું, અને સતત બાટલા તો ચાલુ જ હોય.
બીજા દિવસે મારા પ્લેટલેટ કાઉન્ટ ખૂબ ઘટી ગયા. ડોક્ટરે બહારથી પ્લેટલેટ્સ લાવીને ચડાવવાનું સૂચન કર્યું. એ જ વખતે પાડોશી વિશાલભાઈ અને તેમનાં પત્ની મળવા આવેલાં. તેમણે તરત જ મદદ કરી અને માત્ર એક કલાકમાં પ્લેટલેટ્સની વ્યવસ્થા કરી આપી. પ્લેટલેટ્સ ચડાવ્યા પછી મારા કાઉન્ટ સ્થિર થયા અને બીજા દિવસથી વધવા લાગ્યા. ત્યારબાદ મને તબિયતમાં સુધારો જણાવા લાગ્યો.
સોમવારે મને એકદમ સ્વસ્થ લાગતું હતું, પણ ડોક્ટરે હજુ નબળાઈ હોવાથી અને પ્લેટલેટ કાઉન્ટ પૂરતા પ્રમાણમાં ન વધ્યા હોવાથી ડિસ્ચાર્જ આપવાની ના પાડી. સોમવારનો દિવસ થોડો કંટાળાજનક રહ્યો કારણ કે બધા પોતપોતાના કામે ગયા હતા. અંતે સાંજે મેં મારા નજીકના મિત્રો, મિલિનભાઈ અને ઋચાબેનને બોલાવ્યા, ત્યારે જઈને મારો સમય સારો પસાર થયો.
મંગળવારે 22 સપ્ટેબરે, મને રજા (ડિસ્ચાર્જ) આપવાનું નક્કી થયું હતું, એટલે હું સવારથી જ ઘરે જવા માટે તૈયાર હતો. સવારે ઉઠીને બેઠો ત્યાં જ લાઈટ ગઈ. મેં બહાર જઈને જોયું તો ધુમાડાની વાસ આવતી હતી. તપાસ કરતાં ખબર પડી કે નીચે મીટર રૂમમાં આગ લાગી છે. સદભાગ્યે, ફાયર બ્રિગેડનું સ્ટેશન બરાબર સામે જ હોવાથી તેઓ તાત્કાલિક પહોંચી ગયા. એક ક્ષણ માટે તો મનમાં ડર પેસી ગયો કે માંડ સાજા થયા છીએ ત્યાં કોઈ નવી મુસીબત ન આવે! આ બધી વ્યવસ્થા વચ્ચે હોસ્પિટલની ડિસ્ચાર્જ પ્રક્રિયા પૂરી થતાં સાંજ પડી ગઈ. મને પણ ઘરે પહોંચવાની ખૂબ ઉતાવળ હતી.
ઘરે આવ્યા પછીના બીજા દિવસથી જ મેં મારું કામ શરૂ કર્યું, પરંતુ અશક્તિને કારણે કામમાં ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નહોતું. થોડું ચાલું તો પણ થાક લાગતો અને સૂઈ જવાની ઈચ્છા થતી. જોકે, ધીમે ધીમે બે-ત્રણ દિવસમાં તબિયત એકદમ સુધરી ગઈ અને એક અઠવાડિયા પછી તો મેં ફરીથી સાયકલિંગ પણ શરૂ કરી દીધું છે.
મારી સાયકલિંગ અને કુદરતી દ્રશ્યોની સુંદર રીલ્સ તેમજ ફોટા જોવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર ચોક્કસથી ફોલો કરજો. (અહીં ક્લિક કરો)

ટિપ્પણીઓ નથી: