આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

ક્યા યહી પ્યાર હૈ ? – ડૉ. શરદ ઠાકર

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagramસતત સાત દિવસના મુશળધાર વરસાદ પછીનો ઉઘાડવાળો દિવસ હતો. હું બહારગામથી ગાડીમાં બેસીને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. એકલો જ હતો. સ્ટિયરિંગ મારા હાથમાં જ હતું. હું એકલો હતો એનો અફસોસ હતો, કારણકે મારા સિવાય બાકીનું બધું જ દ્વંદ્વમય હતું. કારના કેસેટ પ્લેયરમાં વાગી રહેલું ફિલ્મી ગીત પણ ડ્યુએટ હતું. હું મારી જાતને એક સવાલ પૂછી રહ્યો હતો : ક્યા યહી પ્યાર હૈ ?

ગીતમાં પડઘાતા પ્રશ્નનો જવાબ આપવા જ જાણે પ્રગટ્યા હોય, એવાં બે જુવાન સ્ત્રી-પુરુષ એક મોટરબાઈક ઉપર સવાર થઈને મારી સફરમાં જોડયાં. સતત હૉર્ન વગાડતાં, મને બાજુએ હડસેલતાં ગતિની મજા લૂંટતા એ કામદેવ અને રતિ મને ઓવરટેક કરીને આગળ ધપી ગયાં. મારી હેડલાઈટના પ્રકાશધોધમાં હું એમની પ્રવૃત્તિ જોઈ રહ્યો. ……યુવતીનું નામ ઋતા હોવું જોઈએ અને યુવાનનું નામ ઋત્વિજ. મને કેવી રીતે ખબર પડી ? જવાબ બહુ સાદો, પણ રોમેન્ટિક છે. મોટરબાઈકની પાછળ, સીટની નીચે, નંબર પ્લેટની ઉપર એક સમચોરસ પતરાની રંગીન તકતી બેસાડેલી હતી. એની ઉપર ગુલાબી રંગના બેકગ્રાઉન્ડમાં ગુટરગૂં કરી રહેલાં કબૂતરોની એક જોડી ચીતરેલી હતી. નર કબૂતરની પાંખ ઉપર ઋત્વિજ લખેલું હતું અને નમણી માદાનું નામ હતું ઋતા.

ઋતા રીતસરની ઋત્વિજને વળગી પડી હતી. બેસવા ઉપરાંતની અન્ય પ્રેમચેષ્ટાઓ પણ ચાલુ જ હતી. હું કારમાં એકલો હતો એ વાતનો વસવસો વધી રહ્યો હતો. ગીતામાંથી ઊઠતા સવાલનો જવાબ મને પણ સંભળાઈ રહ્યો હતો…..સમજાઈ રહ્યો હતો…. હાં, યહી પ્યાર હૈ…. ! ત્યાં જ અચાનક કોણ જાણે શું થયું તે બાઈક ઊથલી પડી. એ પહેલાં એકાદ ક્ષણ પૂર્વે બ્રેક લાગવાનો મોટો ચિત્કાર સંભળાયો, પછી વાહન એક ઝાટકા સાથે ફેંકાઈ ગયું. સારું થયું કે ઊથલીને હાઈવેની એક તરફ જ્યાં માટીની સમાંતર કેડી હોય છે ત્યાં જઈ પડ્યું, નહીંતર અવશ્ય એ બંને જણાં મારી કારની નીચે ચગદાઈ મર્યા હોત ! મેં બ્રેક મારીને ગાડી થોભાવી દીધી. પછી ધીમેથી એક તરફ લઈને ઊભી રાખી. એન્જિન બંધ કર્યું. કારનો દરવાજો ખોલીને હું બહાર નીકળ્યો. ચોપાસ માત્ર અંધારું અને અંધારું જ છવાયેલું હતું. છતાં ઊંહકારાનું પગેરું પકડીને હું દોડ્યો. બંને જણાં સલામત હતાં. સામાન્ય મૂઢ માર વાગ્યો હતો.

અરે, ભાઈ ! આટલી બધી ઝડપ તે રખાતી હશે ? અને એમાં પાછી આમ અચાનક બ્રેક પણ મરાતી હશે ?’ મેં ઋત્વિજને ટેકો આપ્યો એની સાથે હળવો શાબ્દિક ઠપકો પણ આપ્યો. પછી મેં ઋતાને બેઠી કરી.

થેન્ક યૂ, સર ! પણ શું કરું ? અચાનક મારી નજર સાપ ઉપર પડી. બાઈકની હેડલાઈટના પ્રકાશમાં મેં જોયું કે રસ્તાની ડાબી બાજુએથી નીકળીને એ સરકતો સરકતો જમણી તરફ રસ્તાની વચ્ચેના ડિવાઈડર તરફ જઈ રહ્યો હતો. ભયાનક ઝેરી, પાંચ સાડા પાંચ ફીટ લાંબો, કાળોતરો હતો. બ્રેક માર્યા વગર છૂટકો નહોતો. કાં તો એ ચગદાઈ જાય અને મરી જાય. કાં તો….’ ઋત્વિજ અટક્યો, પછી એની અંદરની આશંકા એણે જાહેર કરી, ‘એની પૂંછડી ચગદાઈ જાય અને કદાચ એ વીજળીવેગે અમારા બંનેમાંથી કોઈને પણ દંશ મારી બેસે…. ! તો…..?
સારું ! જે થયું તે થયું. હાઈવે ઉપર વાહન ચલાવતાં ધ્યાન રાખવું. પ્રેમ કરવા માટે માણસે ચાર બંધ દીવાલોનું સર્જન કરેલું જ છે એનો ખ્યાલ રાખવો. તારાથી બાઈક ચલાવી શકાશે ને ? નહીંતર મારી કારમાં…..’

ના, અંકલ ! વાંધો નહી આવે.કહીને ઋત્વિજે મોટરબાઈક ઊભી કરી. કિક મારીને એને ચાલુ કરી જોઈ. પછી એણે કાંડાઘડિયાળ તપાસી લીધી. ખિસ્સામાં પાકીટ સલામત છે કે નહીં એ ચકાસી લીધું. ત્યાં અચાનક એને યાદ આવ્યું, શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન મૂકેલો હતો એ ક્યાં ગયો ?!

અંકલ, મારો સેલફોન પડી ગયો લાગે છે. કીમતી હતો અને નવો પણ. શોધવો જ પડશે. તમારી પાસે ટોર્ચ હશે?’
મેં કહ્યું, ‘સોરી ! નથી. પણ એક કામ કર. તારો સેલ નંબર મને જણાવ. મારા સેલફોનથી હું એ નંબર ડાયલ કરું. જો સામેથી રિંગ સંભળાશે તો તારા ખોવાયેલા ઈન્સ્ટ્રુમેન્ટનું સરનામું પણ જડી આવશે.

ઋત્વિજે નંબર જણાવ્યો. મેં એ નંબર લગાડ્યો. સુંદર હિન્દી ફિલ્મ ગીતનું સંગીત રણકી ઊઠયું. અમે અવાજની દિશા પકડીને દોડી ગયા. મોબાઈલ ફોન રસ્તાના ડિવાઈડર પાસે ક્યાંક પડ્યો હતો. નજીક ગયા તો ખબર પડી કે બરાબર માર્ગની વચ્ચોવચ ડિવાઈડર પાસે ઊગેલા ઊંચા, ભીના ઘાસની મધ્યમાં જઈ પડ્યો હતો. ત્યાં વિશાળ ઊંડો ખાડો હતો. ઘાસ એટલું તો ગીચ હતું કે અંદર હાથ નાખીને આમતેમ ફંફોસીએ તો જ સાધન હાથમાં આવે. ચોક્કસ જગ્યા વિશે માહિતી મળવાનું કારણ એ હતું કે રિંગટોન વાગતી વખતે એ ઈન્સ્ટ્રુમેન્ટ ઝાંખો પ્રકાશ પણ રેલાવી રહ્યું હતું. ઋતા ઝડપથી ખાડામાં હાથ નાખવા ગઈ, પણ ઋત્વિજે એને ખેંચી લીધી, ‘ખબરદાર ! ગાંડી થઈ ગઈ છે કે શું ?’
કેમ એમ પૂછે છે ?’
મને યાદ છે. સાપ બરાબર એ ખાડા તરફ જ ગયો છે…..!!’ ઋત્વિજે ધડાકો કર્યો.
હું પણ સડક થઈ ગયો. જો એણે સમયસર ઋતાને ન રોકી હોત, તો કેવો મોટો અનર્થ સર્જાઈ જાત ! ઋત્વિજે પ્રેમિકા ખાતર મોંઘા ભાવનો ફોન જતો કરી દીધો ! ક્યા યહી પ્યાર હૈ….. ? હું પ્રેમથી વ્યાખ્યાને સમજવા મથી રહ્યો. …..પણ ઋત્વિજે ફોન પરત મેળવવાના અન્ય રસ્તાઓ ફંફોસવાનું તો ચાલુ જ રાખ્યું. ત્યાં એની નજર હાઈવેની એક તરફ દસેક ફીટ દૂર એક ઝૂંપડીમાંથી ચળાઈને આવતા પ્રકાશબિંદુ ઉપર પડી. એણે કેડી તરફ ધસી જતાં કહ્યું : એક મિનિટ, સર ! ત્યાં કોઈક રહેતું હોય એવું લાગે છે. હમણાં પાછો આવું છું….’

એ થોડી જ વારમાં પાછો આવ્યો. સાથે એક ચાલીસેક વરસનો હાડપિંજર જેવો દેખાતો પુરુષ હતો. ઋત્વિજ સીધો જ એ ગરીબ માણસને ખાડા પાસે લઈ આવ્યો. પછી માત્ર એટલું જ કહ્યું, ‘આ ખાડામાં મારો ફોન પડી ગયો છે. આ સાહેબ રિંગ વગાડે એટલે તેનો આવજ પણ સંભળાશે અને પ્રકાશ પણ દેખાશે. તારે ખાડામાં હાથ નાખીને મારો ફોન કાઢી આપવાનો છે. હું તને દસ રૂપિયા આપીશ.

પેલો તત્ક્ષણ તૈયાર થઈ ગયો પણ મેં એને રોક્યો. ઋત્વિજની લુચ્ચાઈ પ્રત્યે મને નફરત છૂટી. મેં પેલાને જણાવી દીધું : ભાઈ, દસ રૂપિયામાં મોતને ભેટવા શા માટે તૈયાર થાય છે ? એ તો વિચાર કે આ જુવાન પોતે શા માટે ખાડામાં હાથ નથી નાખતો ? તને જણાવી દઉં છું કે અંદર લાંબો, ઝેરી સાપ છુપાયેલો છે. પછી તારે જે કરવું હોય તે કર !

ગાઢ અંધારું હતું, પણ આટલી વારમાં અમે ટેવાઈ ગયા હતા. થોડું થોડું જોઈ શક્તા હતા. હું એ ગામડિયા માણસના ચહેરા ઉપર પલટાતા ભાવોને જોઈ શકતો હતો. આંચકો, આઘાત, ભય, મૂંઝવણ, મજબૂરી અને છેલ્લે નિર્ધાર ! એ માણસ મોતના મુખમાં હાથ નાખવા તૈયાર થઈ ગયો. કારણ મને ન સમજાયું, પણ મારી જવાબદારી પૂરી થઈ હતી. મેં ફરીથી નંબર રિડાયલ કર્યો. અંદરથી અવાજ અને પ્રકાશ બંને એકસાથે બહાર આવ્યા. પેલાએ ચાબુકના વિંઝાતા ફટકાની જેમ ખાડામાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં ફોન પકડીને હાથ પાછો ખેંચી લીધો. બીજી જ ક્ષણે ખાડામાંથી ભયંકર ફૂંફાડો સંભળાયો, પણ અમે એનાથી દૂર દોડી ગયા હતા.

ઋત્વિજ પેલાના હાથમાં દસની નોટ પકડાવીને બાઈક ઉપર બેસી ગયો. છાતી સાથે ફોન અને પીઠ સાથે પ્રેમિકાને ચિપકાવીને એ ઊડી ગયો. મેં પેલા ગરીબ પુરુષના ખભા પર હાથ મૂક્યો, ‘ભાઈ, ગાંડો થઈ ગયો છે શું ? એક ક્ષણ માટે તું બચી ગયો. માત્ર દસ રૂપિયા માટે તેં આવું શા માટે કર્યું ? આટલો તે લોભ રખાય ?’

આ લોભ નથી, સાહેબ ! લાચારી છે. ચોમાસું છે એટલે એક અઠવાડિયાથી મજૂરીનું કામ મળ્યું નથી. ઝૂંપડીમાં ઘરવાળી બીમાર પડી છે. દાગતર પાસે જવાના પૈસા નહોતા. મારી પાસે બે જ રસ્તા હતા કાં હું મરું, કાં મારી ઘરવાળી મરે ! મેં જાતે મરવાનું જોખમ ખેડ્યું, એ એટલા માટે કે કદાચ હું બચી જાઉંતો મારી ઘરવાળી પણ બચી જાય…. !’

મેં ખિસ્સામાંથી પાકીટ બહાર કાઢયું. મારી આંખોમાં આંસુ હતાં અને મનમાં સવાલ : ક્યા યહી પ્યાર હૈ…… ? રાત્રિના ગાઢ અંધકારમાં વાદળછાયા આસમાન નીચે ઝેરી સાપની સાક્ષીમાં આ સવાલનો જીવતો-જાગતો જવાબ મારી સામે ઊભો હતો : હાં, યહી પ્યાર હૈ !

Comment with Facebook