સફળતા - એ શું વળી ?

નાનપણથી જ પ્રાઈમરીમાં  પેલો સુવિચાર બધાને ગોખવી દીધો હોઈ છે "મહેનત એ સફળતાની ચાવી છે". ક્યારેય વિચાર્યું કે આ સાલી સફળતા શું છે  ? અહી બધાને સફળ થવું છે . બધા સફળતાની પાછળ ભાગે છે. પણ આ સાલી સફળતા / સક્સેસ છે શું ??

નાનપણમાં જયારે સ્કુલમાં આવ્યા ત્યારે ફર્સ્ટ રેન્ક આવે એ સફળ અને બાકી બધા નિષ્ફળ!! ત્યારથી જ એ નાના બાળકને "સફળ" થવા માટે "ગધ્ધામજુરી" કરવાની ટેવ પાડી દેવામાં આવે છે . જે બાળક બહાર રમવા નાં જાય , ટીવી નાં જોવે ,વિડીયો ગેમ્સ નાં રમે સતત ભણવામાં રચ્યો પચ્યો રહે એને હોશિયાર ગણવામાં આવે, વાહ વાહ કરવામાં આવે. એનો ફર્સ્ટ રેન્ક આવે તો એને સફળ ગણવામાં આવે. ફર્સ્ટ રેન્ક લાવવો એ જ જીંદગી છે? એ લાવવા માટે એને એક વર્ષ બાગાડ્યું, ખુશીઓ ને દબાવી એનું શું? સાચો સફળ અને હોશિયાર બાળક એ છે જે રમતા રમતા  સારા માર્ક્સ લાવી પાસ થાય પછી ભલે ને એનો રેન્ક એવરેજ હોઈ ! 

આ જ વાત જીવનમાં પણ લાગુ પડે છે . કેટલાક લોકો "કહેવાતી સફળત" માટે જીંદગી વેડફી નાખતા હોઈ છે. અમુક લોકો માટે સફળતા એટલે - એના ફ્રેન્ડ્સ કે રીલેટીવથી વધુ કમાવું  અને એ માટે  દુનિયાને શું ગમશે એ વિચારીને પોતાના નિર્ણયો લેવા .અરે ભાઈ! એ એમની જીંદગી છે એમને એને ગમ્યું એમ કર્યું અને એ "સફળ" થયો. એનો મતલબ એ નથી કે એને કર્યું એ જ તારે કરવું. હા માર્ગદર્શન ચોક્કસ લઇ શકાય.  હજુ પ્રશ્ન તો એ જ છે આ સફળતા શું છે ? મારે એન્જીનીયર બનવું છે અને હું એન્જીનીયર બની ગયો એટલે હું સફળ?
એક સીધી વાત છે, સમજાય એવી વાત છે, થોડી વિચારી શકાય એવી વાત છે કે સફળતા એ મૃગજળ જેવું છે . જ્યાં તમે ક્યારેય નાં પહોચી શકો.  એક ઉદાહરણ લઈએ . તમે નાના હોઈ એટલે ફર્સ્ટ આવવું એને જ સફળતા માનતા હો. એનાં માટે તનતોડ મહેનત કરીને તમે ફર્સ્ટ આવો, પછી તમને લાગે આતો હજુ કાઈ નથી ૧૦/૧૨ માં બોર્ડમાં નંબર લાવો તો સફળ ગણાવ. એના માટે મહેનત કરો પછી કોલેજમાં જાવ. ત્યાં સાચી હકીકત સમજાય કે સારી જોબ મળે એને સફળતા ગણાય . જોબ ચાલુ કરો ત્યારે એમ લાગે આમાં કઈ નથી રાખ્યું બિઝનેસ કરો તો સફળ થાવ..... આનો ક્યાય અંત જ નથી . સફળતા એ માનસિક ભ્રમણા છે જે ક્યારેય મળતી નથી, મળે છે તો પણ ક્ષણિક હોઈ છે. 

એક સરસ મજાની નાની વાર્તા છે. એક નાનું માછીમારનું ગામ હોઈ છે. એ લોકો રોજ સવારે ૩-૪ કલાક મચ્છીમારી કરે , થોડી વેંચી રૂપિયા કમાય અને  ખાવા પીવાનું થઇ જાય . બાકીનાં સમયમાં એકબીજાને મળે, રમતો રમે, પત્ની બાળકો સાથે સમય પસાર કરે. એવામાં એક દિવસ ત્યાં કોઈ મોટો બિઝનેસમેન આવી ચડ્યો . એને જોયું કે આ લોકો કેટલો સમય વેડફે છે . એને લોકોને ભેગા કર્યા અને સમજાવ્યું " તમે લોકો રોજ ૩ જ કલાક કામ કરો છો એના બદલે તમે ૭-૮ કલાક કામ કરી ત્રણ ગણી માછલીઓ પકડી શકો.  એટલે તમે ત્રણ ગણું કમાય શકો. અત્યારે તમારા પાસે છે એનાથી ત્રણ ગણા રૂપિયા મળે. તમે મોટા મકાન બંધાવી શકો, સારું સારું ખાઈ શકો. વધુ મહેનતા કરો તો હજુ વધુ મળે અને તમે સફળ થાઓ. તમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકો." ત્યારે ગામવાળાઓએ મસ્ત જવાબ આપ્યો " એના માટે આટલું બધું કરવાની શું જરૂર . અમે અત્યારે પણ ખૂશ જ છીએ. સારું સારું ખાઈએ  છીએ . અમારી બધી ઈચ્છાઓ પૂરી પણ થઇ જાય છે તો વધુ કામ કરવાની શું જરૂર ?"  

સાચી સફળતા એ જ કે તમેં જીંદગીનાં મેક્સિમમ સમય ખૂશ રહી શકો. તમને ગમતું કામ કરી શકો, તમને ગમતા નિર્ણયો લઇ શકો ( હા તમને ગમતું કામ કરવા માં અનેક મુશ્કેલીઓ હોઈ છે કારણ કે જે તમને ગમે છે એ સામાન્ય રીતે લોકોને  શરૂઆત માં ગમતું હોતું નથી). તમને ગમતા લોકોને મળી શકો, સાથે સમય પસાર કરી શકો, તમને ગમતા સ્થળોની મુલાકાત લઇ શકો ત્યાં ટાઈમ સ્પેન્ટ કરી શકો એ જ સફળતા .

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.