ફેસબુક ના પાપ અને પુણ્ય !!

કોઈ પણ ધર્મમાં જોશો તો ક્યાંકને ક્યાંક પાપ અને પુણ્યનો ઉલ્લેખ છે. સારા કર્મો, કોઈકને ખુશી આપવી વગેરે પુણ્યનાં કામ છે જયારે કોઈને હેરાન કરવા, ખરાબ કર્મો વગેરે પાપ છે. આ જ સિધ્ધાંત ફેસબુકમાં પણ લાગુ પડે છે , ફેસબુકમાં પણ અમુક એવા કાર્યો  કરો તો પાપ લાગે અને અમુક એવું કરો તો પુણ્ય મળે.

ફેસબુક


તમને ખબર નહિ હોઈ પણ ફેસબુક શાસ્ત્રમાં લખ્યું છે કે ફેસબુક પર કોઈક ફ્રેન્ડ પ્રોફાઈલ પીક ચેન્જ કરે અને તમે જોઈને લાઈક કર્યા  વગર જતા રહો તો તમને કોઈકની હત્યા કરવા જેટલું પાપ લાગે છે. આ જ શાસ્ત્રનાં  ભાગ બે નાં ચોથા પ્રકરણનાં પહેલા ફકરા માં લખ્યું છે કે , કોઈ ને ગુડમોર્નિંગનાં મેસેજમાં કે પોતાના પ્રોફાઈલ પીકમાં ટેગ કરવાથી  કે કોઈની પોસ્ટ ચોરી કરવાથી ચોરી કે લુંટફાટ  કરવા જેટલુ જ પાપ લાગે છે.  આજ પ્રમાણે ગ્રુપમાં જબરદસ્તી કોઈ ને એડ કરવા એ કોઈને માર મારવાથી ઓછું પાપ નથી ! 

ફેસબુક પર સૌથી મોટું પાપ હોઈ તો એ છે છોકરીનાં નામનું ફેક આઈડી બનાવીને બિચારા "નિર્દોષ " છોકરાઓને હેરાન કરવા. આ પાપ સાત જન્મો સુધી ધોવાતું નથી. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે આવા પાપ કરવાવાળાઓને નર્કમાં ઈન્ટરનેટ કે સ્માર્ટફોન આપ્યા વગર વર્ષો સુધી એક કમરમાં બંધ કરી રાખવામાં આવે છે. આ પાપમાંથી ત્યારે જ મુક્તિ મળે છે જો તમે 10 હોટ  સુંદર  છોકરીઓને  બહેન બનાવો અને ફેસબુક પર તમારા ઓરીજીનલ આઈડી પર કન્ફેસ કરો કે "પ્રિયા ફલાણી " વાળું આઈડી  બીજા કોઈનું નહિ પણ મારું જ છે !!

બાકી ફેસબુક મેસેજ બોક્ષમાં કામ વગર મેસેજ કરીને લોકોને હેરાન કરવા , કોઈની સરસ મજાની પોસ્ટ વાચ્યા પછી પણ લાઈક નાં કરવી. કોઈ પોસ્ટ નાં ગમી હોવા છતાં "વાટકી વહેવાર " નાં લીધે લાઈક કરવી વગેરે નાના મોટા પાપ જ છે. જો ભૂલથી પણ આવું પાપ થઇ ગયું હોઈ તો "ઓમ માર્ક ઝુકાર્બર્ગાય નમ: " નાં હજાર જાપ કરવાથીં પાપમાંથી મુક્તિ મળે છે.

તમે જો સજજન વ્યક્તિ હોય તો ફેસબુક પર પુણ્યનાં કામ પણ કરી શકો છો.  ફેસબુક શાસ્ત્રમાં પુણ્ય કમાવા ની હજારો રીતો દર્શાવી છે. તમે જ વિચારો કોઈકે પોતાનો પ્રોફાઈલ પીક નવો મુક્યો હોઈ અને  20-30 મિનીટથી કોઈએ લાઈક નાં કર્યો હોય  ત્યારે એને કેવું થતું હશે !! ત્યાં જ તમે જઈ ને લાઈક નું બટન દબાવી નીચે "નાઈસ પીક " ની કમેન્ટ કરો તો  તરસ્યાને પાણી પાવાથી પણ હજાર ગણું પુણ્ય મળે છે. આજ વાત કોઈક સારી પોસ્ટ માટે પણ લાગુ પડે છે.

આ ઉપરાંત કોઈકનાં સારા પેજનાં ઇન્વીટેશનનો સ્વીકાર કરી તમે પુણ્ય કમાઈ શકો છો. કોઈની જૂની પોસ્ટ શોધી એને લાઈક કરી પાછી ટાઈમ લાઈન પર લાવવી એ પણ કોઈ મરેલાને જીવતો કરવાથી ઓછું પુણ્ય નથી ! કોઈનાં મેસેજનો સરખો  જવાબ આપવો, સારી પોસ્ટને શેર કરવી વગેરે પુણ્યનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલો છે. કોઈનાં કોપી કરેલ સ્ટેટસમાં નીચે એમને ક્રેડીટ આપવાથી શ્રાદ્ધમાં કાગડાને ખીર ખવડાવવા જેટલું પુણ્ય મળે છે.   

તમે પણ આ પોસ્ટને નીચેના કોઈ બટન પર ક્લિક કરી લાઈક કે શેર કરી થોડું ઘણું પુણ્ય કમાઈ શકો છો. બાકી વાંચીને હસી ને એમનમ નીકળી જાવા વાળાઓ ને આવતા જન્મ માં કોઈ છોકરી (કે છોકરો) ભાવ નહિ આપે એવું પાપ લાગી શકે !!  

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.