શું ગુજરાતી ભાષા ખરેખર ખતરામાં છે ?

જેમ નેતાઓએ પોતાની ગાડી ચલાવે રાખવા ક્યાંકથી ને ક્યાંકથી સમસ્યા શોધવી પડે છે એવું જ કહેવાતા અમુક સાહિત્યકારોનું છે. જેવો માતૃભાષા દિવસ નજીક આવે કે વિલાપ ચાલુ થઇ જાય "આપણી માતા, ગુજરાતી ભાષા ખતરામાં છે !" શું ખરેખર આપણી માતૃભાષા ખતરામાં છે ? 

શું ગુજરાતી ભાષાને ખરેખર ખતરામાં છે ?
ચાઈ અને ગુજરાતી બુક. અહા ! 

વિકિપીડિયાનું માનીએ તો વિશ્વમાં લગભગ સાડા છ  થી સાત કરોડ લોકો ગુજરાતી બોલે છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં  ૨૫માં નંબરે આવે છે. (પહેલા નંબરે ચાઇનીઝ છે , હિન્દી ચોથા નંબરે છે). ગુજરાતી છાપાઓનું વિતરણ દુનિયાના ઘણા છાપાઓ કરતા વધુ છે. ગુજરાતી ભાષમાં લાખો પુસ્તક લખાઈ ચુક્યા છે અને હજુ લખાઈ રહ્યા છે.  500 ઉપર લેખકોના પેજ તો ખાલી વિકિપીડિયા પર જ છે.

આજે આપણા આ બ્લોગનો જન્મદિવસ પણ છે. આ બ્લોગની જ વાત કરીએ તો દરેક પોસ્ટમાં ઓછામાં ઓછી ૫૦૦ હિટ્સ આવે છે. (હું કોઈ પોપ્યુલર લેખક નથી, સરખું સમયસર લખતો પણ નથી !).  આપણા જ આ બ્લોગના ફેસબુક પેજ "આ સાલી જીંદગી" ને ૫૦૦૦૦ ઉપર લોકો લાઈક અને ફોલો કરે છે. આમાંથી મોટા ભાગના લોકો ૧૮ થી ૩૦ વર્ષની વચ્ચેના છે. આ બધું એક સોફ્ટવેર એન્જીનીયર લખી રહ્યો છે જેને સાહિત્ય સાથે દુર દુર સુધી કાઈ લેવા દેવા નથી,એમાંથી એને કાઈ આર્થિક લાભની જરૂર નથી અને તો પણ ગુજરાતી પુસ્તકો વાંચવાનો ગાંડો શોખ છે. બીજા ઘણાબધા ફેસબુક કે ઇન્સ્તાગ્રામ પર લાખો ફોલોવર્સવાળા પણ ઘણા ગુજરાતી પેજીસ છે. તો આજના મોટાભાગના યુવાઓ ગુજરાતી લખે અને વાંચે જ છે. આજકાલ ગુજરાતી  ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પાછી ઉભી થઇ રહી  છે. 

સમસ્યા હોઈ તો એજ્યુકેશનમાં કહી શકાય. આજકાલ ઘણા બધા કારણોથી લોકો પોતાના સંતાનો માટે ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમ પ્રીફર કરે છે. આમાં એક કારણ છે "દેખાદેખી કે સ્ટેટ્સ સિમ્બોલ", બીજું કારણ છે ગુજરાતી માધ્યમની શાળાઓ અને સિલેબસ ! (યસ સિલેબસ). સીબીઈસીની સરખામણીમાં ગુજરાત બોર્ડનો સિલેબસ ઘણો નબળો છે. બીજા પણ ઘણા કારણો છે એની ચર્ચા અહી નથી કરવી. પણ મેં જોયું છે મોટા ભાગના ગુજરાતી વિદ્યાર્થીઓ સેકન્ડરી લેન્ગ્વેજમાં ગુજરાતી જ લ્યે છે. પણ અહી હું સહમત થઈશ કે બીજા દેશની જેમ આપને પણ એટલીસ્ટ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. 

આજકાલ એક નવું ગતકડું કોઈકે કાઢ્યું છે કે " નિબંધ લેખન કે આર્ટીકલ લેખનને સાહિત્ય ના કહેવાય". મારા મતે જે કઈ પણ છપાઈ છે, ક્યાંક ને ક્યાંક સચવાય છે, લોકો વાંચે છે, લોકોને ગમે છે, લોકોને એ વાંચીને મજા આવે છે કે શીખવા મળે છે એ બધું જ સાહિત્ય છે". આ ઉપરાંત એવો દાવો હતો કે ગુજરાતી ભાષાના આર્ટીકલમાં  અંગ્રેજી શબ્દો વધુ ઉપયોગમાં લેવાય છે. ખુદ અંગ્રેજી ભાષાને જ જોઈએ તો એનો પોતાનો ઓરીજનલ શબ્દકોશ સાવ નાનો છે. એમને મોટાભાગના શબ્દો ગ્રીક, લેટીન , સ્પેનીશ, સંસ્કૃત વગેરે ભાષાઓમાંથી જ અપનાવ્યા છે અને એટલે જ એ સમૃદ્ધ બનતી જાય છે. ( બાકી એમી પાસે ટોટલ મૂળાક્ષરો ૨૬ છે અને આપણી ગુજરાતીમાં કુલ ૪૨ બેતાલીસ મૂળાક્ષરો છે. એમાં આઠ સ્વરો અને બાકીના ૩૪ વ્યંજનો છે.).

સોસીયલ મીડિયા આવવાથી ગુજરાતીમાં લખવાવાળા લોકો વધી રહ્યા છે અને સોસીયલ મીડિયા થકી પોતાનું લખાણ વધુથી વધુ લોકો સુધી પહોચાડતા જાય છે.  હા ક્યાંક ક્યાંક  વ્યાકરણમાં ભૂલો છે, પણ મોટી વાત છે કે લોકો લખતા થયા છે. જે લોકો દશમાં ધોરણમાં "માં તે માં"  પરના નિબંધમાં ૨૦૦ શબ્દો લાખો નહોતા  શક્યા એ આજે ગુજરાતી બ્લોગમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે , ફેસબુક પર લાંબી લાંબી પોસ્ટ્સ લખી રહ્યા છે, ઇન્સ્તાગ્રામ, ટવીટરમાં ૨-૪ આડી આવડી લાઈનની કવિતાઓ લખી રહ્યા છે, અરે જોક્સ પણ ગુજરાતીમાં બનાવી રહ્યા છે. તો મહત્વનું છે કે લોકો લખી રહ્યા છે. આ બેસ્ટ ટાઈમ છે કે આપણે જેટલું ગુજરાતી  પ્રત્યે આપણું યોગદાન આપી શકીએ એટલું આપીએ. 



(ગુજરાતીમાં ટાઈપ કરવા માટે લેપટોપમાં તમે ગુગલ ગુજરાતી ઈનપુટ ટુલ ઉપયોગ કરી શકો,  એન્ડ્રોઈડ માટે ગુગલ ઈન્ડીક કીબોર્ડ વાપરી શકો)   

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.