Quarantine Life - આઠ દિવસ વર્ક ફ્રોમ હોમ

ગયા સોમવારે ૧૬ માર્ચે ઉઠીને જોયું તો મેઈલ હતો કે "આજથી ફરજીયાત ઘરેથી જ કામ કરવાનું છે". મારા લેપટોપનું ચાર્જર ના હોય, ચાર્જર લેવા માટે ઓફીસ ગયો. ઘણા કલીગ્સ ઓફીસ આવ્યા હતા. મેનેજરે બધાને જરૂરી સમાન લઈને આજથી જ વર્ક ફ્રોમ હોમ કરવા કહ્યું. તો સોમવારથી જ ઘરેથી કામ કરવાનું ચાલુ થયું. હજુ ગુજરાતમાં ત્યારે કોરોનાના ઝીરો કેસ હતા અને ભારતમાં પણ આકડો કદાચ હજુ ૧૦૦ની નીચે હતો.

Quarantine Life - આઠ  દિવસ વર્ક ફ્રોમ હોમ


આજે ૨૪ માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ખબર નહિ કેટલા દિવસ હજુ ઘરેથી કામ કરવું પડશે !  જો કે મને ઘરેથી કામ કરવાની આદત છે. પહેલા બેંગલોર હતો ત્યારે અઠવાડીએ એકાદ વખત કે ક્રિકેટ મેચ હોય ત્યારે ઘરેથી કામ કરી જ લેતો. મને જો કામ આવડતું હોય તો ઓફીસ કરતા ઘરેથી વધુ ઝડપી કામ કરી લવ. અહી હજુ કંપની, કામ , શહેર બધું નવું હોય અને અહી બીજા કલીગ્સને ઘરેથી કામની આદત નાં હોય થયું થોડું અઘરું પડશે, પણ અત્યાર સુધી તો સરસ ચાલે છે. મારે વાત કરવી છે આ આઠ દિવસ કેવા રહ્યા ( અને આગળ પણ કોરોનાનું ચાલશે ત્યાં સુધી લખતો રહીશ). 

શરૂઆતમાં હજુ અહી વડોદરામાં અમારા સિવાય કોઈને વર્ક ફ્રોમ હતું નહિ , ઓફીસથી માંડી દુકાનોને બધું ચાલુ હતું એટલે કામ પૂરું કરીને સાંજે લાંબુ વોક કરી આવતા. અહી મારા ઘરથી આગળ ખેતરો શરુ થઇ જાય છે એટલે પક્ષીઓના કલરવમાં, આથમતા કેસરી સુરજને જોતજોતા કેટલું  ચાલી જઈએ એ ખબર જ નાં પડે. એક બે દિવસ પછી જ ગુજરાતમાં સુરત અને રાજકોટમાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા. અને થોડા જ સમયમાં અમદાવાદ અને વડોદરામાં પણ કેસ સામે આવ્યા. ત્યારથી લોકો થોડા જાગૃત બન્યા અમે પણ બહાર નીકળવાનું બંધ કયું. 

૧૯ તારીખે એટલે કે ગુરુવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધન કર્યું અને લોકોને રવિવારના દિવસે "જનતા કરફ્યું" રાખવા માટે કહ્યું. અમે તો આમે ય મંગળવારથી જ કરફ્યું પાડતા હતા એટલે ઘરે સમાન ખૂટી ગયો હતો. શનિવારે રજા હોય નક્કી કર્યું સવારમાં જ બધું જ્યાં નજીકથી મળે ત્યાંથી લઇ આવીએ. એક- દોઢ અઠવાડિયું ચાલે એટલું શાકભાજીને બીજી વસ્તુઓ લઈને ઘરે આવી ગયા. 

રવિવારનો જનતા કરફ્યું સફળ રહ્યો. મોદીજીએ પાંચ વાગે થાળી કે તાળી વગાડી કોરોના માટે કામ કરતા લોકોનું અભિવાદન કરવાનું કહ્યું હોય, લોકોએ અતિ ઉત્સાહથી આ ઉત્સવમાં ભાગ લીધો. ઘણા "અતિઉત્સાહીઓ" ટોળે વળ્યા અને પોતાની મૂર્ખાઈ આખી દુનિયા સમક્ષ પહોચાડી. તે જ દિવસે મોદીએ રાજ્ય સરકારોને આકરા પગલા લેવાનું કહ્યું, ગુજરાતમાં કોરોના કેસ વધ્યા હોય બોર્ડર સીલ કરી દેવાનું નક્કી કર્યું. રેલ્વે, બસસેવા વગેરે બંધ થયું, પોલીસે બિનજરૂરી રોડ પર ફરી રહેલા લોકોને દંડાથી ઘરે પહોચાડવાનું ચાલુ કર્યું. 

    
ઘરેથી આઠ દિવસ સુધી કામ કરવાનો પહેલો અનુભવ હતો. શરૂઆતમાં મજા આવે પછી ધીમે ધીમે માનસિક રીતે કૈક એકલું લાગે  અમુક કામ જે બીજાની મદદથી પાંચ મીનીટમાં પુરા થઇ જાય એમ હોય એમાં કલાકો લાગે. એક દિવસના વર્ક ફ્રોમ હોમમાં ઓપ્શન હોય કે જો તમારાથી કૈક નથી થતું તો બીજે દિવસે ઓફીસ જઈને કરી શકો, અહી તો નક્કી જ નથી હવે ઓફીસ ક્યારે જશું. (કદાચ આ બર્થ ડે પર ! ) એટલે ગમે એટલું મથીને કામ કરવું જ પડે. આ ઉપરાંત તમારું રોજનું શેડ્યુલ વિખાઈ જાય, નહાવાથી માંડીને જમવાના ઠેકાણા નાં રહે. કામમાંથી ધ્યાન પણ બીજી પ્રવૃતિઓમાં જતું રહે.

લાંબા સમય સુધી વર્ક ફ્રોમ હોમ માટેની  સામાન્ય ટીપ્સ 
  • જે તે સમયે કામ શરુ કરવું અને જે તે સમયે કામ પૂરું કરી દેવું. 
  • સવારે અગત્યના કામનું લીસ્ટ બનાવી લેવું 
  • મીટીંગના રીમાઈન્ડર રાખવા 
  • કઈ નાનો પણ ઈન્ટરનેટ, સિસ્ટમ, વિપીએનનો ઇસ્યુ હોય તો જે તે વ્યક્તિને રીપોર્ટ કરતા હોય એને જાણ કરવો. 
  • ઓફીસના કામ પહેલા નહી ધોઈને તૈયાર થઇ જવું કે નહાવા માટે ફ્રી સમય નક્કી કરી લેવો (બાકી સાંજ સુધી સમય જ નહિ મળે ) 
  • મીટીંગ વગરેમાં બોલતી વખતે સરખું બેસીને ક્લીયર બોલવું. સુતા સુતા કે આરામ ખુરસી પર બેઠા બેઠા નાં બોલવું.
આટલા દિવસ ઘરે સમય પસાર કરવા સાંજે ટુ એન્ડ હાફ મેન કે યંગ શેલ્ડન જેવી રિફ્રેશિંગ સીરીઝ જોઈએ છીએ. આ ઉપરાંત ક્યારેક પતે રમીએ. વધુ સમય હોય તો મુવી જોઈએ. બાલ્કનીમાં બેસીએ, બુક્સ વાંચીએ, થોડું આ બ્લોગમાં અને ફેસબુક પર લખું અને રસોઈ બનાવીને  જમીએ. (ઘરે ટાઈમ પાસ માટે શું કરવું વાંચવા માટે અહી ક્લિક કરો )

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.