ખુશીઓનું સરનામું – ૪
શહેરની એકદમ નજીકમાં જ પોતાના આનંદમાં
જીવતું સાવ નાનકડું ગામ છે. અત્યાર સુધી નાનકડું ગણાતું આ ગામ શહેરની હદમાં આવી
રહ્યું છે. અથવા એમ કહીએ કે શહેરનો અજગર આ ગામને ધીમે ધીમે ગળી રહ્યો છે. આ
ગામડામાં જન્મેલ ગણેશ ઉર્ફે ગણો ગામથી થોડું બહાર શહેરના રસ્તા તરફ એક નાનકડું ઝુંપડું બાંધીને રહે છે. હવે એ ઝુંપડાની ફરતે આલીશાન મકાનો બનવા લાગ્યા છે. આ ગણાનો જન્મ આ જ નાનકડા ગામમાં
જ થયેલો, એના માં-બાપે ઘણી માનતાઓ રાખેલી ત્યારે ઉમર જતા
ભગવાને એમને આ બાળક આપ્યું. ગણપતિ ભગવાનની કૃપા સમજીને એનું નામ ગણેશ રાખી દીધું.
આજે ગણો અહી બાજુની બિલ્ડીંગના બિલ્ડર મિહિરની ઓફિસમાં ચા આપી ત્યાં
બહાર બેઠો બેઠો ફાંકા ઠોકતો હતો. બધા સરકારની પોલીસીની અને રસ્તાની વાતો કરતા હતા.
કોઈએ વળી ગણાને પૂછ્યું – તારું શું કહેવું છે ગણા? ગણો હસતા હસતા બોલ્યો - મારે તો રસ્તો ખરાબ હોઈ તો
લોકો ગાડી ધીમી હાંકે અને ચાની દુકાન દેખાઈ જાય. હા પણ ધૂળ ઉડે હો, કહીને સામેવાળાને તાળી આપી. બધાને ગણો બહુ ગમતો, નવરા પડે એટલે બધા ગણાની દુકાનના
ઓટલે આવી જ જાય. ગણા સાથે અડધો કલાક વાતો કરીને લોકોનું મેડીટેશન થઇ જતું !
મિહિર અહીનો બિલ્ડર હતો ૧૦ માળિયાના ચાર અદ્યતન ફ્લેટ બનાવ્યા હતા, ત્યાં નીચે એની ઓફીસ હતી. અમુક ફ્લેટ વેંચાયા નાં હોઈ બહુ ટેન્શન હતું. સરકારની અમુક પોલીસીને લીધે બિલ્ડીંગમાં ફરીથી ફાયર સેફ્ટીનું કામ કરવું પડ્યું હતું ઉપરથી લોનના નિયમોમાં ફેરફાર અને ટેક્સના લીધે મિડલ ક્લાસના લોકોને આ ફ્લેટ લેવા પોસાતા નહોતા. મિહિર વિચારતો હતો આ ગણો કેટલો ખુશ છે એ અને એની બાઈડી, દુનિયામાં એના માટે બીજું કાઈ જ નથી. કાઈ ગુમાવવાની ચિંતા નહિ. આખો દિવસ બંને ભેગા, ત્રણ ટાઈમ સાથે જમે, ક્યારેય કોઈ ચિંતા મેં એના મોઢા પર જોઈ નથી. અરે હજુ એના વાળ પણ એકદમ કાળા અને પુરા છે. હા પોતે હેર ટ્રીટમેન્ટ કરાવતો હતો.
મિહિરે ગણાને બોલાવ્યો – “એ ગણા...”
ગણાએ એ જ લહેકામાં જવાબ આપ્યો – “ બોલને
મોટા ..”
મિહિરે ગણા સાથે થોડી આડીઅવળી વાત કરી, સીધો
પોઈન્ટ પર આવ્યો.. “ગણા સાચી સરખાઈ તો તારે છે, આયા ઘર પાસે જ રેવાનું, ખોટી મગજમારી
નહિ, કોઈ જાજુ રોકાણ નહિ, સરકારની કોઈ કનડગત નહિ. રોજ સવારે ઉઠવાનું કામ કરવાનું
અને સૂઈ જવાનું.. જો કે તું આ બંગલાઓ વચ્ચે ઝુપડામાં રહે છે તો ય મેં તને કોઈ દિવસ
નિરાશ નથી જોયો. આટલો ખુશ કઈ રીતે રહી શકે ?“
ગણાએ મિહિરનું દુઃખ એની આખોમાં જોઈ લીધું.
પછી એકદમ ગંભીરતાથી કહ્યું “સાહેબ આ તમે બનાવેલી દુકાનોમાં જ એક દુકાન રાખીને
કરીયાણાનું કરો સારું ચાલશે ..” અને ત્યાંથી નીકળી ગયો.
બહાર નીકળીને ગણો અતીતમાં ખોવાઈ ગયો. ગણો
હજુ સાતમું આઠમું ભણતો હશે ત્યારે એક દિવસ બહુ જ વરસાદ પડતો હતો. ગણાના માં-બાપ
હમેશાની જેમ નવા બની રહેલ બહુમાળી ઈમારતોમાં મજુરી કરવા ગયા હતા. ગણો નિશાળેથી
આવીને જે ઘરે પડ્યું હતું એ ખાઈને સૂઈ ગયો. સાંજે પાંચેક વાગે ઉઠીને માસ્તરે
આપેલું ઘરકામ કરવા બેઠો. છ વાગ્યા સુધીમાં તો બધું પતાવીને નવરો થઇ ગયો. ૬ કલાકથી
પડી રહેલ વરસાદ પણ પોરો ખાવા બંધ થઇ ગયો હતો. દેડકાનું ડ્રાઉંડ્રાઉં ચાલુ થઇ ગયું
હતું. કુતરાઓ ગણાના ઘરના છાપરા નીચે ઉંબરા પાસે જ બેઠા હતા.
હવે માં-બાપુ કામ પૂરું કરીને કદાચ આવતા જ
હશે. ગણો કુતરાઓને વધેલ રોટલીઓના બટકા નાખતો ઉંબરે બેઠો.અંધારું ધીરે ધીરે વધી
રહ્યું હતું, રસ્તે આવતા એકેય વાહન ગણાના ઘર પાસે ઉભું રહેતું નહોતું. અચાનક એક
ટેમ્પો આવ્યો, ગણાની ડેલીની એકદમ સામે ઉભો રહ્યો. ટેમ્પાના ઠાઠામાં એના કાકા અને
બીજા ગામના અમુક લોકો ઉભા હતા. પાછળથી જોયું તો એના માંબાપની એકસાથે અર્થીઓ હતી,
આટલું સમજે એવડો મોટો તો ગણો થઇ ગયો હતો ! વરસાદને લીધે ગણાનાં માંબાપ જ્યાં કામ કરતા હતા
એ બિલ્ડીંગની લીફ્ટ તૂટી હતી અને પાંચ મજુરોના મુત્યુ થયા હતા. કદાચ બીજા દિવશે
છાપામાં ક્યાંક નાના અક્ષરે આવ્યું હતું.
ગણાને એના માંબાપના શેઠ તરફથી
ઇન્સ્યોરન્સના કૈક ૩-૪ લાખ મળ્યા હતા. એ એમના કાકાએ રાખી લીધા હતા અને એના બદલામાં
એમના કાકા એને ૩ ટાઈમ જમવાનું અને ભણવાનો ખર્ચો ઉપાડતા. જો કે પછી ગણો વધુ ભણી
શક્યો નહિ અને એના ઘરની બહાર જ રોડ ઉપર ચાની લારી ખોલી. ગણાને મળવા સગાવહાલામાં એના કાકા સિવાય કોઈ નાં આવતું. શહેરથી દુર આ બહારના રોડ તરફ ચા પીવા પણ ખાસ કોઈ નાં આવતું, ગામની પણ થોડે બહાર હતું. ગામથી શહેર જતા લોકો ક્યારેક ઉભા રહેતા તો ક્યારેક શહેરથી લોંગ ડ્રાઈવ પર નીકળેલ યુગલો આવી ચડતા. બાકીના સમયમાં ગણો એકલા એકલા રેડિયો સંભાળ્યા રાખતો. કુતરાઓને બિસ્કીટ નાખતો, એમની સાથે વાતો ય કરતો. સાવ એકલા પડી ગયેલ ગણાના
જીવનમાં મફતમાં ચા પીવા આવતા બે ચાર મિત્રો સિવાય કોઈ નહોતું. ધીમે ધીમે ગણાને એકલા રહીને અંદરથી જ કૈક જ્ઞાન થવા લાગ્યું. અમુક
વર્ષો પછી આસપાસ બિલ્ડીંગો બનવા લાગી અને ચાનું કામ ચાલવા લાગ્યું તો એમાં વ્યસ્ત
રહેવા લાગ્યો. ત્યાં બાજુની બિલ્ડીંગમાં કામ કરતા મજુરો ચા પીવા આવતા એમાંથી
રાજસ્થાની રૂપા સાથે સેટિંગ કર્યું હતું અને ૬ મહિનામાં જ બંને એ લગ્ન કરી લીધા.
હવે રૂપા ચા બનાવતી અને ગણો આસપાસના બિલ્ડરોની ઓફિસમાં ચા આપવા જતો. નાનપણથી જ
ગણાને રૂપિયા કરતા માણસોનું મહત્વ સમજાઈ ગયું હતું. આટલું ખુશ રહેવા માટે એ આ
જીંદગીની પાઠશાળામાં “સાવ એકલો” ૧૦-૧૨ વર્ષ સુધી ભણ્યો હતો ! આટલા વર્ષ પછી ગણો કદાચ "સાંસારિક સંત" બની ગયો હતો.
ઘણી વખત જીંદગી જીવવાનો અભિગમ "આ સાલી જીંદગી"ની પાઠશાળામાંથી જ મળે છે. એક સમય પછી જીંદગી તમને કંઈ જ ખાસ કારણ વગર પણ ખુશ રહેતા શીખવી દ્યે છે. કદાચ એ જ માણસ સંસારમાં હોય કે અલગ, પણ સંત બની જાય છે !
તમને આગળના ખુશીઓના સરનામાંના ભાગ વાંચવા પણ ગમશે -
ટિપ્પણીઓ નથી: