અમારા ગામની ભૂતની વાતો - ૧
અમારા ગામની ભૂતની વાતો - ૧
અમારા ગામની ભૂતની વાતો - ૧ |
નોરતાનો સમય હતો.
ત્યારે અમે લગભગ પાંચમાં ધોરણમાં ભણતા હતા. એ જ વર્ષે કદાચ ભૂકંપ
પણ આવ્યો હતો. નોરતાના સમયે ગામના ચોરે ગરબી માટે એક મંડપ બંધાતો. અમે મિત્રો
સાંજે જ ત્યાં પહોચી જતા અને રમતો રમતા. મંડપના ચાર થાંભલા હોય, ચારેય થાંભલે એક
એક જણો ઉભો રહે અને પાંચમો જણો દાવ આપે. દાવ આપનારનું ધ્યાન નાં હોય એમ બે જણા
દોડીને થાંભલો બદલાવી નાખે. જયારે આ થાંભલો બદલાવતા હોય ત્યારે જો દાવ આપનાર કોઈને
પકડી લે તો જે પકડાય જાય એને દાવ આપવાનો. જો કે આ રમતનું કાઈ નામ યાદ નથી.
ગામના ચોકથી આગળ
પાદર છે. પાદરે થોડે આગળ એક ઘેઘુર વડલો છે જેના ફરતે ઓટો છે. ત્યાં આખો દિવસ ગામના
વડીલો બેઠા હોય. એ વડલાની સામે એક નદી છે જેમાં ક્યારેય ૪૮ કલાકથી વધુ પાણી રહેતું
નથી. એ નદી ઉપર ત્યારે એક ખખડધજ નાનકડો પુલ હતો એ પુલની પેલી બાજુ
એક નાનકડો રસ્તો છે. એ રસ્તાની જમણી બાજુએ દરગાહ છે. દરગાહ અને નદી
વચ્ચે કબ્રસ્તાન છે. તે વખતે ગામમાં અફવા ફેલાણી હતી કે રોજ રાત્રે ગામના
કબ્રસ્તાનમાં કોઈ નાનું બાળક રડે છે. થોડા જ દિવસ પહેલા ગામના જુમાભાઈના છોકરાનો
નાનો છોકરો કૈક બીમારીથી ગુજરી પણ ગયેલો. બધા એવું માનતા કે રાત્રે એ જ ભૂત બનીને
કબર ઉપર બેઠો બેઠો રોવે છે.
તે દિવસે લગભગ
પાંચમું નોરતું હતું. અમે હંમેશની જેમ સાંજે ચોરે પહોચી ગયેલા અને અમારી થાંભલાની
રમતો રમતા હતા. ત્યારે ત્યાં ગરબીનું સ્પીકર સરખું કરી રહેલા ઉસ્માન અને ભીખાકાકા
કબ્રસ્તાનમાં રાત્રે બાળક રડે છે એની વાતો કરતા હતા. અમે સાંભળવા માટે નજીક ગયા.
અમે આખી વાત સાંભળી, મેં કાકાને કહ્યું આવું ભૂત જેવું કાઈ નાં હોય અફવા છે. ભીખા
કાકા ગામના આદરણીય પુરુષોમાં આવતા. એકદમ ગંભીર અને સમજદાર માણસ, જ્ઞાની પણ ખરા.
ગામના બધા પ્રશ્નોમાં, મહત્વના નિર્ણયોમાં એમની હાજરી અચૂક હોય જ.
કાકાએ કહ્યું “બે
દિ પેલા વાડીની લાઈટ રાતપાળી હતી તો હું
વાડીયે કપાસમાં પાણી વાળવા ગયો હતો. અમારું પડું (ખેતર) દરગાહના રસ્તે જ છે. હું
રાત્રે (ઇગીયાર)અગિયાર વાય્ગે નીકળો હતો, ચાંદો હજુ ઇદનો હોય એવો હતો. બોવ ટાઇઢ નો’તી. ગયો તયે તો
બધું સુમસાન હતું તમરાં અને સીબરીઓ બોલતી તી, શિયાળિયા રોતા તા. રાતે બારેક
વાય્ગે લાઈટ આવી. અઢીક કલાક પાણી વાયરું ત્યાં ટાઇઢ વધવા માંડી. મને નિદર ય બોવ
આવતી તી એટલે મોટર બંધ કરીને હું ઘરે આવવા નીકળ્યો. જેવો હું દરગાહને વટીને પુલ પર
આવ્યો તયે મેં નાના છોકરાનો રોવાનો આવાજ
સંભાળ્યો. હું તો અલ્હાનું નામ લઈને પાછળ જોયા વગર કઈ સાંભળ્યું જ નો હોય એમ ચાલતો
ચાલતો એક જ હાં(શ્વાસે) એ વડલે પોચી ગયો. બસ સ્ટેન્ડની બતી જોય તયે હાં મા હાં
આવ્યો.(શ્વાસમાં શ્વાસ આવ્યો)”
અમને ય વાત સાચી
લાગી. હવે તો કન્ફોર્મ થઇ ગયું કે સાચે ત્યાં બાળક રડે છે. ગામના બીજા એક બે
જુવાનોએ પણ બાળકના રડવાને કન્ફોર્મ કર્યું. ગામડામાં કોઈ વાત ફેલાતા વાર નો લાગે. વાત
આગળ વધતા વધીને મોટી થતી ગઈ. કોઈ કહેતું મેં છોકરાને કબર પર બેસીને રડતા જોયો છે.
કોઈ કહેતું ઈ કબર ઉપર બેસીને ઠંડીમાં ઠુંઠવાતો હોઈ છે એટલે રડે છે તો જુમા ભાઈએ
કબરને ચાદર ઓઢાળવી જોઈ. તો કોઈ વળી વાતને આગળના લેવલ પર જ લઇ ગયું કે એ ભૂખ લાગે
એટલે રડે છે અને જે ત્યાંથી નીકળે એની પાસેથી ખાવાનું માંગે છે.
અમારી ટીમમાં મને અને બીજા એક મિત્ર જસ્મીનને આ બધું વાર્તા જ લાગતું. બાકી જાદવ, ઈશુ અને રોનક તો ભૂતમાં બહુ માનતા અને એમને રાતે સપના પણ આવતા.જ્સમીને કહ્યું કે અડધા ગામે ભૂત જોયું છે તો આપણે પણ જોવા જઈએ. મેં કાઈ વિચાર્યા વગર સપોર્ટ પાર્ટીની જેમ હા પડી દીધી. પેલા ત્રણેય વિરોધ પક્ષની જેમ તરત જ વિરોધમાં આવી ગયા કે મરવું છે કે શું ?
ઈશુએ સૌથી પહેલા લોજીકલ પ્રશ્ન કર્યો – “જો એ બાળક ઉભું થઈને આપણી પાસે આવશે અને ખાવાનું માગશે તો ? “
હજુ હું કાઈ જવાબ આપું એ પહેલા જ જાદવે જવાબ આપ્યો – “ અને જો ખાવાનું નહિ આપીએ તો આપણને ખાઈ જશે “.
ત્યાં જસ્મીન સોલ્યુશન લઈને આવ્યો. જો ખાવાનું માંગે તો આપણે પાર્લેજી બિસ્કીટના પડીકા લઇ જાય. ખવડાવી દેશું બિચારાને. ઓલા ત્રણેય પાસે નાં આવવાનું બીજું કાઈ બહાનું નાં હોય એવું મને લાગ્યું.
ત્યાં રોનક બોલ્યો
– “ પણ ઈ તો રાતે બાર વાગા પછી રોવે, એટલી રાતે આપણને ઘરેથી થોડા નીકળવા દેશે ?”.
જો કે રોનકની વાત
સાચી હતી. હજુ અમે પાંચમું ભણતા હતા. મેં કહ્યું હું તો ઘરે કહી દઈશ કે “ આજ નોરતા
પછી બા ના ઘરે સુઈ જઈશ”. બા નું ઘર એટલે મારા દાદીમાંનું ઘર જે ૨૪ કલાક ખૂલું
રહેતું.
જસ્મીનને તો ભૂત
જોવું જ હતું એટલે એ ક્યે મારે કાઈ પ્રોબ્લેમ નથી. હું નોરતા પછી જાવ ત્યાં બધા
ઘરે સુઈ ગયા હોઈ છે. એટલે મોડો જાવ તો કોઈને ખબર નહિ પડે. ઈશુ અને જાદવ ઘણી વખત
જસ્મીના ઘરે સુઈ જતા એટલે નક્કી થયું કે તમે ઘરે કહી દેજો. રોનક માન્યો જ નહિ.
કદાચ એના ભાગ્યમાં ભૂત જોવાનું નહિ લખાયું હોય.
તો નવરાત્રીના
છેલ્લા નોરતે જયારે ૧૨ વાગે આરતી પૂરી થાય પછી કબ્રસ્તાનમાં ભૂત જોવા જવાનું નક્કી
થયું. જસ્મીને બધા પાસેથી પાંચ પાંચ રૂપિયા ઉઘરાવ્યા અને ચાર પેકેટ બિસ્કીટ લઇ
આવ્યો. કદાચ ભૂતને ઠંડી લાગતી હોય તો એને ઓઢાડવા એક તૂટેલો ધાબળો પણ ગોતી આવ્યો
હતો. એ એની પૂરી તૈયારી સાથે આવ્યો હતો. ઈશુ અને જાદવ પોતાનો કૈક પ્લાન બનાવીને
આવ્યા હતા. ક્યારના એકબીજાના કાનમાં કૈક બડબડ કરતા હતા. હું મારા પ્લાનમાં હનુમાન
ચાલીસા ગોખીને આવ્યો હતો. ઈશુ પણ ભૂત ભગાડવા માટેનું તાવીજ ક્યાંકથી શોધી આવ્યો
હતો. ગરબી પૂરી થઇ. આરતી ચાલુ થઇ. મનોમન પ્રાર્થના કરી કે “હે માતાજી એવું કાઈ થાય
તો બચાવી લેજે”. આરતી પછી પ્રસાદ ખાઈને અમે નીકળ્યા.
જસ્મીન ક્યાંકથી
જાસુસ જેવી ટોપી લઇ આવ્યો હતો એ પહેરી અને ફાટેલ ધુસો ઓઢ્યો. જાદવ લાકડી લઈને
આવ્યો હતો ખબર નહિ એ લાકડીથી ભૂત સામે કેવી રીતે લડશે. ઈશુને મેં પૂછ્યું “તું
તાવીજથી જ કામ ચલાવીશ કે ?”. એને ધીમેથી ખિસ્સામાંથી નાનકડું કટાઈ ગયેલું ચપ્પુ
કાઢ્યું. બધા એ મારા સામે જોયું કે તું શું લાવ્યો છે, મેં હનુમાનજીના ફોટા અને હનુંમાન
ચાલીસા બતાવી. જસ્મીન હસ્યો.
અમે પાદર પહોચ્યા.
ઉપરથી થોડું ચંદ્રનું અજવાળું હતું. કુતરાઓ અમને જોઇને ભસતા હતા, કદાચ જસ્મીનનો
વિચિત્ર પહેરવેશ જોઇને. પાદર સાવ સુમસામ હતું. મહારાજની ચાની દુકાન પ્લાસ્ટિકનું
કાળું કપડું ઢાંકીને ઉપર ઇંટો ભરાવી બંધ કરી હતી. બસ સ્ટેન્ડનો ૧૦૦વોલ્ટનો પીળો
બલ્બ ચાલુ હતો, શેરીના થાંભલાની ટ્યુબ લાઈટ ચાલુ બંધ થતી હતી. પવન સુસવાટા મારતો
હતો. હજુ એટલી ઠંડી નહોતી ચાલુ થઇ પણ રાત્રે થોડો ઠાર લાગતો. પાદરથી અમે વડલા પાસે
પહોચ્યા. રોજ દિવસે વાતો કરતો વડલો અત્યારે સુતો હોય એવું લાગ્યું. અમે નીચે
બેઠેલા ભાભાઓ વગરનો વડલો પહેલી વખત જોયો.આટલું ખાલી બસ સ્ટેશન પણ પહેલી વખત જોયું.
અમે વડલાના ઓટા ઉપર નદી તરફ મોઢું રાખીને બેઠા. સામે થોડે દુર નદી હતી અને એની
પાછળ દરગાહ.
જસ્મીને આગળનો
પ્લાન (મારા તરફ આંગળી ચીંધીને) બતાવતા કહ્યું – “ તું સૌથી આગળ રહેજે, હું તારી
પાછળ બિસ્કીટ અને ધાબળો લઈને ચાલીશ. મારી
પાછળ ઈશુ અને જાદવ ચાલશે.” હું પ્લાન જાણીને થોડો નિરાશ થયો. એક તો પ્લાનમાં કાઈ
માલ નહોતો અને બીજું કે પ્લાન પ્રમાણે મારે આગળ રહેવાનું હતું.
અમે આગળ ચાલવાનું
શરુ કર્યું. હું આગળથી વારંવાર જોતો હતો કે પેલા પાછળ આવે છે કે નહિ ! અમે પેલા
જર્જરિત પુલ પાસે પહોચ્યા. ત્યાં જ અમને નાના બાળકનો રડવાનો અવાજ આવવા માંડ્યો. પાછળ
જોયું તો ઈશુ વડલા તરફ ભાગી રહ્યો હતો. જસ્મીને જાદવને પકડી રાખ્યો હતો. અમે
ત્રણેય થોડા આગળ વધ્યા, અવાજ વધુ મોટો થવા લાગ્યો. જસ્મીન ભૂત જોવાના એકસાઈટમેન્ટમાં
મારાથી પણ આગળ જતો રહ્યો. જાદવને વચ્ચે રાખ્યો. અમે જેવા કબ્રસ્તાન પાસે પહોચ્યા,
બાળકનો અવાજ બંધ થઇ ગયો.
જાદવ જેટલું
ધીમેથી બોલી શકાય એટલું ધીમેથી બોલ્યો કે કદાચ મનમાં જ બોલ્યો- “ ચાલો આપણને જોઇને
ભૂત ભાગી ગયું, આપણે પણ ભાગી જઈએ”. અમે ડરના માર્યા ત્યાં જ ઉભા હતા. શું કરવું
ખબર નહોતી પડતી.
જસ્મીન બોલ્યો – “
લાગે છે ભૂત આપણને જોઈ ગયું છે હવે એ ગમે ત્યાંથી આપણા પર એટેક કરી શકે છે, ધ્યાન
રાખજો”
ત્યાં પાછળથી
દોડતા આવીને કોઈએ મારા ખંભે હાથ મુક્યો. મેં જેટલી જોરથી રાડ પાડી શકું એટલા જોરથી
રાડ પાડી “ ભૂત ....”. અને ઠેકડા મારવા માંડ્યો. જસ્મીન પાળી ટપીને કબ્રસ્તાનમાં
જતો રહ્યો. જાદવ એ જ રોડ પર સીધે સીધો દરગાહ પાસે જતો રહ્યો. મેં જોયું તો ઈશુ હતો.
ઈશુને વડલે જઈને એકલા બીક લાગી એટલે દોડતો પાછો આવ્યો.
મેં કહ્યું “ ઈશુ
છે, સાલા પોતાની તો ફાટે છે બીજાને પણ ડરાવે છે”
ત્યાં જસ્મીને અને
જાદવ પાછા આવ્યા. ઠંડી થોડી વધી રહી હતી. નવમીનો ચંદ્ર હતો તો આછું અજવાળું હતું.
અમારા સિવાય કોઈનો અવાજ આવતો નહોતો. ક્યારેક ક્યારેક દુર શિયાળો રડતા હતા અને એથી
વધુ ડર લાગતો હતો. અમે પાછા જવાનું વિચારતા હતા ત્યાં જ પાછો રડવાનો અવાજ શરુ થયો.
ઇશુની ચડ્ડી ભીની થઇ ગઈ હોય એવું લાગ્યું.
જસ્મીન કબ્રસ્તાનની
પાળી પર ચડ્યો. અમે પૂછ્યું “ભૂત દેખાણું ? “ એને ખાલી ડોકું હલાવ્યું. એ બધી કબર
ઉપર નજર કરી રહ્યો હતો. અમે બધા અંદર ગયા, અવાજ હજુ ચાલુ જ હતો. હજુ અમે
કબ્રસ્તાનમાં નજર નાખીએ એ પહેલા જ કબર પાછળથી કૈક દોડતું દોડતું અમારા પાસે આવ્યું.
બધાની સાથે રાડ નીકળી ગઈ. જાદવ અને જસ્મીન પાછા દીવાલ પર ચડી ગયા. હું થોડો જાડો
હોઈ અને ઈશુની હાઈટ નાની હોય નો ચડી શકયા. જોયું તો એક કુતરું હતું, ભૂખ્યું હતું
એટલે ખાવાની લાલચે આવ્યું. અમારી સામે ઉભું ઉભું પૂછડી પટપટાવતું હતું, ખબર નહિ કેમ પણ કુતરાને
જોઇને અમારો ડર થોડો ઓછો થઇ ગયો. કોઈ સાથી મળ્યું હોય એવું લાગ્યું.
હજુ પણ થોડી થોડીવારે બાળક રડતું હતું અમારું
ધ્યાન પાછુ એ તરફ ગયું. મારા રુવાડા ઉભા થઇ ગયા હતા, મોઢામાંથી કઈ અવાજ નીકળતો
નહોતો. પાછુ કેમ નીકળવું એનું બહાનું શોધતો હતો. અંદર હનુમાન ચાલીસા પણ ચાલુ થઇ ગઈ
હતી. અમે જોયું કે અવાજ કબ્રસ્તાનમાંથી નહિ પણ દરગાહ બાજુથી આવતો હતો. દરગાહ તો
બંધ હતી. અમે તો ય ઝાંપા સુધી ગયા. અવાજ સાવ નજીકથી આવતો હોય એવું લાગ્યું.
જસ્મીને જાણકારની
જેમ કાન એ દિશામાં રાખ્યો. અને અમને ઈશારો કરી એની પાછળ પાછળ આવવા કહ્યું. એ દરગાહની
ડાબી બાજુની દીવાલ તરફ વધ્યો, અમે એની પાછળ પાછળ ચાલતા હતા. મારા મગજમાં કઈ એટલે
કઈ જ વિચારો ન હતા. એક અજીબ ડર હતો જે કદાચ છાતીમાં વધુ હોય એવું લાગતું હતું. પાછળ
જોયું તો ઈશુ અને જાદવને મેં પુલ તરફ ભાગતા જોયા. હું કાઈ નાં બોલ્યો, જસ્મીનની પાછળ
પાછળ દરગાહની પાછળ પહોચ્યા. જસ્મીને ખૂણેથી દરગાહ પાછળ જોયું અને હસ્યો. બોલ્યો “
બધા આવી જાવ”. બધામાં હું એક જ હતો, ઓલું કુતરું પણ હતું જો કે.
ત્યાં જોયું તો
ખેતરમાં કામ માટે ગોધરા બાજુથી આવેલ મજુરોના બે ઝુપડા હતા. એમાંના એક ઝુપડામાં
બાળક રોતું હતું. જસ્મીન ત્યાં ગયો અને બહાર બિસ્કીટના પેકેટ અને ધાબળો રાખી આવ્યો.
અમે પાછા ગયા, ત્યાં ઈશુ અને જાદવ એક દુકાનના ઓટે લાઈટ નીચે બેઠા હતા.
અમે અમારા નાનપણનો
સૌથી મોટો કેસ સોલ્વ કર્યો હતો. જસ્મીન ખુશ નહોતો કારણ કે એને ભૂત જોવું હતું. હું
ખુશ હતો કારણ કે ભૂત જેવું કાઈ નાં હોય એ મારી માન્યતા હજુ અડગ હતી. ઈશુ અને જાદવ
હજુ માનતા નહોતા અને એને ભીખાકાકા અને ગામની વાતો પર ભરોસો હતો. એમના મત મુજબ અમે
ભૂતને બદલે બીજું જોઈ આવ્યા. બીજા દિવસે ભીખાકાકાને વાત કરી તો એને પણ એ સાચું
લાગ્યું. અને ગામમાં બધા ને પૂછ્યું ત્યારે ભૂત વિશે કોઈ સરખો જવાબ નાં આપી શક્યું
અને અમારી વાત સાથે બધા સહમત થઇ ગયા. સૌથી વધુ શાંતિ કદાચ જુમાભાઈને હતી !
----
તમને બીજી વાર્તાઓ પણ ગમશે-
શોર્ટ સ્ટોરી - અક્ષરની મનોવ્યથા, પ્રેમ અને કેરિયર !પાર્ટ 1- જન્નતની હુર !
ટિપ્પણીઓ નથી: