શોર્ટ સ્ટોરી - અક્ષરની મનોવ્યથા, પ્રેમ અને કેરિયર !


શહેરથી થોડે દુરવાહનના ધુમાડા અને ઘોંઘાટ પહોચે નહિ એટલે દુર અક્ષરની કોલેજ  હતી. વૃક્ષોની વચ્ચે એકદમ નાનું તળાવ, તળાવના કિનારે રમવાનું મેદાન, મેદાન પાસે નાનકડો બગીચો, બગીચામાં ખીલેલું ગુલાબનું ફૂલ, ફૂલની બાજુમાં રાતે ૨ વાગે એને તાકીને બેઠેલો અક્ષર !  ઉપર આઠમનો અડધો ચંદ્ર જાણે દાંતિયા કાઢતો હતો તારોડીયાઓ લબકઝબક થતા જાણે આંખ મારતા હતા. બાજુમાંથી આવતો તમરાનો અને ચીબરીઓનો  અવાજ એને એકલતામાં સાથ આપતો હતો.

દેખાવમાં એક નોર્મલ ઓવર વેઇટ, અન્ડર કોન્ફીડન્ટ લાગતો છોકરો અર્જુનને ટક્કર મારે એવો  તેજસ્વી વિદ્યાર્થી હતો. ક્લાસમાં જ લગભગ બધું શીખી લેતો એટલે જ આખા ઇન્ડીયામાં ટોપ કરીને અહી મુબઈમાં માસ્ટર ડીગ્રી કરવા આવ્યો હતો. હજુ તો માસ્ટર ડીગ્રી શરુ થાય એ પહેલા જ એની લવ લાઈફની આશા પણ પૂરી થઇ ગમતી હતી. એને ગમતી છોકરીએ પહેલા જ એને કેરિયર પર ધ્યાન આપવાનું કહી ફ્રેન્ડ બનાવી દીધો હતો અને અહી આવ્યાના ૨ અઠવાડિયામાં જ બ્લોક હતો.

આજે જ અક્ષરનું પ્લેસમેન્ટ સારી એવી કંપનીમાં સૌથી ઉચા પેકેજ સાથે થયું હતું. ઇન્ટર્નશીપ ચાલુ હતી. આજે શુક્રવાર હતો, શનિ રવી રજા હતી.  અક્ષર સાંજે ઓફિસથી આવીને સ્કોચ લેવા ગયો હતો. સ્કોચની બોટેલને કેમ્પસમાં પહોચાડવી કેવી રીતે ? એમ તો ઘણા બુટલેગરો સીધી હોસ્ટેલના રૂમમાં આપી જતા હતા પણ આજે એ ખુદ જ લેવા ગયો હતો. સ્કોચની બોટલ પાળીએથી બગીચામાં ઘા કરીને પોતે ગેટથી અંદર આવી ગયો. આજે સ્કોચ એકલા જ પીવાનું અને માણવાનું નક્કી કર્યું હતું. સ્કોચ પીવાનું રૂમમાં જ ચાલુ કર્યું હતું પણ અહી બગીચામાં કેમ પહોચી ગયો એ યાદ નહોતું. 

અક્ષર ગુલાબને કહી રહ્યો હતો. 
" હું અહી આવ્યો ને ત્યારે એ મને બહુ જ યાદ આવતી હતી. એ પણ મારી જેમ જ એમના ઘરથી દુર હતી. જયારે સમય મળે મારી સાથે વાત કરતી. હું એનો દોસ્ત હતો એ મારી પ્રિયતમા હતી. થોડા દિવસોમાં એમની કોલેજમાં નવરાત્રી ફંક્શન હતું. એને ફોટા પણ મોકલ્યા હતા. એ પીળી ચોળીમાં, ખુલ્લાવાળ, મેચિંગ ઈયરરિંગ્સ, હાથમાં ડીઝાઈનર બ્રેસલેટ, હળવો મેકઅપ અને મોટી સ્માઈલ સાથે મસ્ત લાગતી હતી. એમના ગ્રુપમાં ૩ છોકરા અને ૩ છોકરીઓ હતી. તે દિવસે ફરીથી મેં એને પ્રપોઝ કર્યું હતું અને બ્લોક થયો હતો.  કદાચ એ ત્રણમાંથી જ કોઈ છોકરો એને ગમતો હશે. મને શું ખબર? "

ક્યારેક ક્યારેક એ કૈક બબડતો હતો, ગુલાબ એ જ સ્માઈલ સાથે સાંભળતું હતું. જાણે ઉપરથી ચંદ્ર અને તારાઓ પણ જોડાયા હતા. તમરાઓ પણ બંધ થઇ ગયા હતા કદાચ ગુલાબ અને અક્ષરની વાતો સંભાળતા હશે ! 
"હા તો પછી એક મહિનો દારૂ પીધો, સેડ સોંગ સાંભળ્યા પછી કેટલુક! અહી ભણવાનું પણ હતું. માસ્ટર ડીગ્રી પૂરી કરી સારી કંપનીમાં પ્લેસમેન્ટ માટે આ બે વરસ બહુ જ અગત્યના હતા. કલાસીસ ચાલુ થઈ ગયા હતા. હું રોજ ક્લાસમાં જતો, એક પણ દિવસ મીસ કર્યા વગર. અહી હાજરી જરૂરી નાં હતી, કોઈ હાજરી પુરતું જ નહિ તો પણ એકેય ક્લાસ બંક નહોતો કરતો.  ક્લાસમાં હું છેલ્લેથી બીજી લાઈનમાં એકદમ વચ્ચે બેસતો. મારી જમણી બાજુ સામેની હરોળમાં પેલેથી બીજી લાઈનમાં એ બેસતી. અરે "એ" એટલે "પેલી" નહિ. " 

શું આ "એ" અને "પેલી" લગાવી રાખ્યું છે ? સરખું બોલ. 
કોણ બોલ્યું ? ગુલાબ ? ચાંદો ? સુરજ ? તારા ? કે તમરા ? બીજું તો રાતે ૨ વાગે એ બગીચામાં કોણ હોય ? કદાચ એ સ્કોચની બોટલ બોલતી હતી. 

" અરે એ એટલે માસ્ટર ડીગ્રીમાં સાથે આવેલી એ રાજસ્થાની છોકરી અને પેલી એટલે એ બ્લોકવાળી.   થઇ ગયું ક્લીયર ? " અક્ષર ગુસ્સામાં બબડ્યો. 

" હા સમજાણું હવે. પણ પેલીએ બ્લોક કરી અને અઠવાડિયામાં "એ" ગમવા મંડી? આ જ તારો પ્રેમ ? " ફરીથી ગુલાબ બોલ્યું. ના સ્કોચ બોલી ! ચાંદો હજુ ઉપરથી અક્ષરના ચાળા પાડતો પાડતો આગળ જતો હતો. 

" નાં યાર સાવ એવું નાં હતું. એ છોકરી પેલીની કાર્બન કોપી હતી. નહિ, દેખાવમાં નહિ પણ પર્સનાલીટી, નેચર, કપડાની સ્ટાઈલ બધું સરખું. બંને જીન્સ પર કુર્તિ પહેરીને જ કોલેજ આવતી, બંને પાસે લીલા રંગનું સ્વેટર હતું અરે એક રાખોડી કલરની કુર્તિ સાવ જ સરખી હતી બોલ. બંને કોલેજમાં એની બેસ્ટ ફ્રેન્ડ સિવાય કોઈ સાથે વાત કરતી નહિ. ક્લાસ ચાલતો હોય ત્યારે બંનેનું ધ્યાન પૂરેપૂરું ભણવામાં જ હોય અને નોટ્સ લેતી હોય. તું નહિ માને યાર પણ ઘણી વાર તો મને "એ" ને બદલે "પેલી" જ બેઠી હોય એવું લાગતું. અરે યાર કદાચ એટલે જ થોડા જ દિવસોમાં  મને બહુ જ ગમવા માંડી.  હું વારે વારે ત્યાં જ જોયા કરતો. ઘણી વાર એ પણ પાછળ જોતી, હું સ્માઈલ કરતો, એ નાં કરતી, આગળ જોઇને પાછી નોટ્સ લેવા માંડતી".

"પછી શું થયું? અને આ "એ" નું નામ શું છે ? વાત કરી કે નહિ ? " આ કોણે પૂછ્યુંઅક્ષરે જોયું કે ગુલાબ હજુ એ જ સ્મિત સાથે સાંભળી રહ્યું હતું. ચાંદો થોડો આગળ ગયો હતો. તારોડીયાઓ બદલાઈ ગયા હતા.તમરાઓ વચ્ચે વચ્ચે ક્યારેક બોલતા હતા. વૃક્ષો હવાની લહેર આવતા જ શાંતિ ભંગ કરતા હતા. ત્યાં સ્કોચની ખાલી થયેલ બોટલ દુર પડી હતી. સાથે સાથે દુરથી ઉડીને એક ચીબરી પણ પાસેના વૃક્ષ પાસે આવીને બેઠી. કૈક ઉંદર કે છછુંદર ત્યાંથી દોડતું દોડતું નજીકની મહેંદીની વાડમાં ક્યાંક લપાઈ ગયું. 

"એનું નામ કામાક્ષી, કેવું અજીબ નામ!  ક્લાસ પૂરો થતા જ એ એની હોસ્ટેલમાં જતી રહેતી. મેં એને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલેલી એ એને એક્સેપ્ટ કરી. એક્સેપ્ટ થતા જ હું એવો નાચ્યો હતો જાણે પહેલા વરસાદમાં મોર નાચે, જેમ કબુતરીને ઈમ્પ્રેસ કરવા જેમ પારેવડું ગોળ ગોળ ફરે, જેમ માંડમાંડ જેના લગ્ન ફિક્સ થયા હોય એના ફુલેકામાં એના ભાઈબંધો નાચે, જેમ તપ કરતા ઋષિઓનું તપ ભંગ કરવા સ્વર્ગની સુંદર અપ્સરાઓ નાચે. મેં એને મેસેજ કર્યો. એનો રીપ્લાય આવ્યો. વાત ચાલી, દિલથી મગજ સુધી વાત ચાલી. એમના માટે સામાન્ય બેઝીક પરિચય પૂરો થયો મારા માટે જિંદગીનો એ અડધો કલાક હું ગોલ્ડન પીરીયડમાં જીવ્યો.”

“ફેસબુકમાં ફ્રેન્ડરીક્વેસ્ટ એક્સેપ્ટ કરી એમાં શું ધાડ મારી લીધી?” ચીબરીએ ચિચિયારી કરી. અક્ષરે ઉપર જોયું.

“અરે તને નથી ખબર બેન, પેલીએ ફેસબુક રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં રાહ જોવડાવી હતી એટલી રાહ તો ગવર્નમેન્ટ એક્ઝામ ક્લીયર કર્યા પછી ઓફર લેટર મળવામાં પણ નથી જોવી પડતી. મેં એને રીક્વેસ્ટ મોકલીને ૩ વર્ષ રાહ જોય હતી. ઉપરથી રોજ રીક્વેસ્ટ પણ કરતો કે એક્સેપ્ટ કરી લે હું તારો જ સહાધ્યાયી છું. મેં ઘણા અસાઈમેન્ટ અને બીજી ઘણી રીતે એને મદદ કરેલી પણ એને ફેસબુક રીક્વેસ્ટ એક્સેપ્ટ કોલેજના છેલ્લા સેમેસ્ટર સુધી નાં કરી તે નાં જ કરી”
    
“આ ચીબરીએ વાત આડા પાટે ચડાવી દીધી, પછી કામાંક્ષીનું શું થયું ? રૂબરૂ વાત થઇ કે નહિ?” ગુલાબ બોલ્યું. સ્કોચની બોટેલ હસી. ચાંદો ઘણો આગળ જતો રહ્યો હતો. એક વાદળી આવી રહી હતી. ઠંડો અને છેલ્લો પહોર ચાલુ થઇ ગયો હતો.

“એક દિવસ વહેલી સવારમાં નાસ્તો કરવા ગયો હતો ત્યારે એ આવી. અમે એક જ ટેબલ પર બેસીને નાસ્તો કરતા હતા. થોડા અલગોરિધમની પરીક્ષા ઉપર વાત કરી. એ ટોપર હતી અને મેં માંડ ક્લીયર કરી હતી. એ હસીને સારી રીતે વાત કરી રહી હતી. તે દિવસ ખુબ જ મસ્ત ગયો. એક અલગ તાજગી હતી એ દિવસમાં, હવામાં જાણે સુગંધ ભળી હતી, સુરજના કિરણોમાં એનર્જી ભરી હતી. મેં સૌથી અઘરા કોડીગ પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા,  ક્રિકેટમાં ઓપનીંગમાં ઉતરીને છેલ્લે સુધી અણનમ રહી મેચ જીતાવ્યો. હા એ રવિવારનો દિવસ હતો. બીજે દિવસે હજુ એક ક્લાસ ટેસ્ટ હતી. એના માટે રાતે જાગતો હતો. ભૂખ પણ એવી લાગી હતી. ચા અને નાસ્તો કરવા કેન્ટીન ગયો, ત્યારે રસ્તામાં જ એ મળી ગઈ. કેન્ટીન પહોચીએ એ પહેલા જ મેં પૂછ્યું હવે આપણે બેસ્ટ ફ્રેન્ડ બની જવું જોઈએ”

“ખાલી બેસ્ટ ફ્રેન્ડ જ ? તને છોકરીઓના બેસ્ટફ્રેન્ડ કેટેગરીમાં બેસવાની મજા આવતી લાગે ...” આ તો કોઈ અનુભવી બોલ્યો હોય એવું લાગ્યું. અક્ષરે આજુબાજુમાં જોયું. કોઈ નહોતું. શું આ વૃક્ષ બોલ્યું ? સ્કોચની બોટેલ હસી રહી હતી. ચાંદો એટલો દુર ચાલ્યો ગયો હતો કે એને કદાચ હવે નહિ સંભળાતું હોય. વાદળી વધુ મોટી થઇ રહી હતી.

“મારા જેવા એવરેજ લુકિંગ છોકરાઓ માટે જ એ કેટેગરી બની છે. પહેલા થયું ફ્રેન્ડ તો બનું. પણ એને એક લુક આપી સીધું જ કહ્યું કે આપણે અહી માસ્ટર્સ કરવા આવ્યા છીએ. આ બે વર્ષ કેરિયર માટે બહુ જ મહત્વના છે પ્લીઝ આ બધું રહેવા દે. અને એ ચા પીધા વગર જ જતી રહી. મેં બે ચા, એક કોફી, એક બ્લેક ટી અને સાથે ૨ પ્લેટ મેગી ખાધી ! “

ત્યાંથી સિક્યુરીટી ગાર્ડ નીકળ્યો, સ્કોચની ખાલી બોટલ એના પગમાં આવી. હા પાસેના રસ્તા સુધી એ ગળગળીને પહોચી ગઈ હતી. ગાર્ડે બોટેલ ઉઠાવી પૂછ્યું “કિસકી હે એ ? “
અક્ષર એ ગાર્ડ સામે જોયું – “ એ ગુલાબ પી રહા થા, મેં તો યહાં ઇસે રોકને આયા”
ગાર્ડ ઓળખી ગયો. રોજ સાંજે  સાથે ક્રિકેટ રમવા આવતો.
 “ ક્યાં સાબ હમારે લિયે કુછ બચાના થા ના..” અને જતો રહ્યો.

 “તો પછી આગળ શું થયું ? “ ગુલાબે જ પૂછ્યું. અક્ષરને કૈક અજીબ લાગ્યું, ખિસ્સામાં રાખેલ ક્વાર્ટરની બોટેલ કાઢી અને આખેઆખી નીટ પી ગયો. પછી હસ્યો થોડીવાર. પછી રડ્યો. પછી બોલ્યો

“ એ હજુ ક્લાસમાં પાછળ ફરી ફરીને મારી સામે જોતી. જયારે જયારે જોતી ત્યારે મારું હ્રદય ધડકવાનું ચુકી જતું. પણ હવે એ સ્માઈલ કરતી નહોતી. બસ એમ જ પાછળ વળીને જોઈને ફરીથી નોટ્સ લેવા માંડતી.”

“તો એ પાછળ ફરીને કેમ જોતી ? “ ગુલાબે નિર્દોષતા થી પૂછ્યું. ચીબરી ઉડી ગઈ હતી. સ્કોચની બોટેલ ગાર્ડ સાથે લઇ ગયો હતો. તારોડિયાઓ બદલી ગયા હતા.

અક્ષર થોડી વાર હસ્યો, હસતા હસતા આંખોમાં પાણી આવી ગયા.
“ એ પાછળ ફરી ફરીને પાછળની દીવાલમાં ટાંગેલી ઘડિયળમાં સમય જોતી હતી, મને નહિ ! (થોડો સમય શાંતિ હતી) બસ પછી સીધી કાલે મારી જોબ લાગી ત્યારે એની સાથે વાત થઇ. એને મને અભિનંદન આપ્યા. એનું પ્લેસમેન્ટતો સૌથી પહેલા થઇ ગયું હતું. એ મારા પ્લેસમેન્ટથી ખુશ દેખાતી હતી. જેવી ગેઇટની પરીક્ષામાં સારો રેન્ક આવેલો ત્યારે “પેલી” ખુશ થઇ હતી એવી જ આજે “આ” ખુશ હતી. આખરે કેરિયર જો બન્યું હતું ! કેરિયર તો બની ગયું પણ સાલો પ્રેમ નાં બન્યો. આ સાલો જેને પ્રેમ મળતો હશે એનું કેરિયર નહિ બનતું હોય? પ્રેમ ..કેરિયર..પ્રેમ ...કામાક્ષી..એ ...પેલી .. અફકોર્સ કેરિયર એક બહાનું હતું, બંન્નુંનું “ 
 
ચંદ્ર આથમવા બાજુ હતો , સૂર્ય ઉગવા બાજુ હતો. તારોડીયાઓ ઝાંખા પડી રહ્યા હતા. તમરાઓ સુઈ ગયા હતા, અમુક અમુક પક્ષીઓ જાગી રહ્યા હતા. અક્ષર પણ ત્યાં જ સુઈ ગયો હતો.

ત્યાં અક્ષરનો મિત્ર  ભરત એને શોધતો શોધતો આવ્યો. અક્ષરને સુતેલ જોય જગાડ્યો. સ્કોચની નાની બોટેલ જોઈ, થયું આટલું જ પીધું હશે. તો ય એકલા એકલા પી લીધું એ માટે ગાળો આપી. પછી કહ્યું ચલ નાસ્તો કરવા, પછી ક્રિકેટ મેચ છે. અક્ષર નાસ્તો કરી, રૂમ પર જઈને સુઈ ગયો. પહેલી વાર ક્રિકેટ મેચ મિસ કર્યો !!


----
તમને મારું લખાણ અને વાર્તા કેવી લાગી જરૂરથી પ્રતિભાવ આપજો. તમે મને ઇન્સ્તાગ્રામ , ફેસબુક અને ટવીટર પર મળી શકો છો.

તમને આ વાર્તાઓ પણ ગમશે. 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.