ખુશીઓનું સરનામું -૩


આજે વહેલી સવારમાં અક્ષરને નવા પ્રોજેક્ટ માટે શહેરથી થોડે દુર જમીન જોવા માટે જવાનું હતું. આ પ્રોજેક્ટ કંપની માટે ખૂબ જ મહત્વનો હતો. ડ્રાઈવર સમયસર આવી ગયો હતો, અક્ષર હજુ જોગીંગ કરી આવ્યો હતો તૈયાર થવાનું બાકી હતું. પોતે તૈયાર થાય ત્યાં સુધીમાં ડ્રાઈવરને નવી લીધેલી મર્સિડીઝ કાર ધોઈને ચકાચક કરીને રાખવા કહ્યું. પોતે જલ્દી જલ્દી નહાવાનું પતાવી, નવો જ સિવડાવેલ ઘાટો કથ્થાઈ સુટ પહેર્યો. ફ્રિજમાં રાખેલી  ઓરેન્જ જ્યુસની બોટલ લઈને જલ્દી જલ્દી નીકળી ગયો. 

અક્ષર એક મલ્ટીનેશનલ કંપનીનો માલિક હતો. ખુબ મહેનત અને સાહસથી એને એક ઔદ્યોગિક સામ્રાજ્ય ઉભું કર્યું હતું. પરિવારમાં એક સુંદર પત્ની અને  બે બાળકો હતા, માતા-પિતા પણ તેમની સાથે જ રહેતા હતા.

ગાડી નેશનલ હાઈવેથી ઉતરીને ગામડાની સડકો તરફ વળી. આજુબાજુમાં લીલાછમ ખેતરો હતા. બાજુના ખેતરોમાં ખેડૂતો ગામઠી ભાષામાં લોકગીતો ગાતા ગાતા હળ હાંકતા હતા, કોઈ વળી આખા પરિવાર સાથે ગાડામાં બેસીને હજુ ખેતર તરફ પ્રયાણ કરતા હતા, તો કોઈ વળી સાયકલ લઈને એકલા જતા હતા. કલાક જેવી ડ્રાઈવ કર્યા પછી ગાડી સાઈટ પાસે પહોચી.

સાઈટ જોતા જોતા અક્ષરની નજર બાજુના ખેતરમાં કામ કરતા ખેડૂત પર પડી. એ આનંદથી ભજનો ગાતો ગાતો ખેતરમાં જંતુનાશક દવા છાંટી રહ્યો હતો. શરીરથી એકદમ ખડતલ હતો, કદાચ બધી કસરત એને ખેતર પર જ થઇ જતી હશે. ખભેથી પંપ ઉતારીને  પાછી જંતુનાશક દવા પમ્પમાં ભરતો અને પાછો એ એના કામમાં પરોવાય જતો. એના હાથમાં મોબાઈલ નહોતો, હેડફોન ભરાવી ગીત સંભાળવાની જરૂર નહોતી, વારેઘડીએ ઈન્ટરનેટમાં અપડેટ જોવાની જરૂર નહોતી. એ ૧૦૦% એનાં કામમાં જ ફોકસ્ડ હતો.  

અક્ષરે વિચાર્યું, “અહા, કેવી સરસ જીંદગી છે, ખુલ્લી હવામાં કામ કરવાનું. પોતાના ખેતરમાં જ ઉગતા ફ્રેશ શાકભાજી ખાવાના. નાં રોજ માર્કેટ જાણવાની ઝંઝટ કે નાં ઈન્ટરનેટ પર અપડેટેડ રહેવાની માથાકૂટ, નાં ક્લાઈન્ટનું ટેન્શન કે નાં બ્રાન્ડનું ટેન્શન. નાં કોઈ પર્સનાલીટી ડેવલોપમેન્ટની ચિંતા કે નાં કોઈ સ્ટેટ્સ જાળવવાનું દબાણ. બસ પોતાનામાં જ મસ્ત રહેવાનું”. ત્યાં જ મોબાઈલ પર ક્લાઈન્ટનો નંબર બ્લીંક થવા લાગ્યો, ફોન ઉપાડી અક્ષર પોતાના ધંધામાં પાછો વ્યસ્ત થઇ ગયો.  

ખુશીઓનું સરનામું -૩


બપોર ટાઈમ થવા આવ્યો હતો, અક્ષરનું કામ લગભગ પૂરું થવા આવ્યું હતું. ત્યાં અચાનક પેલો ખેડૂત યાદ આવ્યો. ખેતર તરફ નજર દૌડાવી તો ખેડૂત પાણીની કુંડીએ બેઠો બેઠો હાથપગ ધોઈ રહ્યો હતો. ત્યાં જ થોડીવારમાં કોઈ સ્ત્રી આવી. સ્ત્રીએ ગામઠી ઢબમાં સાડલો પેર્યો હતો, ચોટલો કેડ સુધી લાંબો હતો. રંગ થોડો શ્યામ હતો પણ મુખ પર ચમક હતી. એ સ્ત્રીના માથાપર ભાથું હતું, બંને બાજુના વડલા નીચે ગયા અને ભાથું ખોલ્યું. થોડીવારમાં છોકરાઓ પણ નિશાળેથી સીધા ખેતરે આવીને સાથે જમવા બેસી ગયા. અક્ષર ભાથામાં શું છે એ જોવા થોડો નજીક ગયો. મોટા જાડા રોટલા, રસાવાળું શેનુક શાક, ખેતરના ક્યારેથી ઉખડેલી લીલી ડુંગળી, માટલામાં રાખેલી ઠંડી છાસ, અથાણું વગેરે હતું. બંને પતિ-પત્ની એક જ થાળીમાં ખાવા લાગ્યા. જમીને ખેડૂત વડલા નીચે જ લાંબો થયો પત્ની પાણીની કુંડી પાસે જઈને વાસણો ધોવા લાગી. બાળકો વડલા નીચે કઈક રમતા હતા.

અક્ષર પાછો વિચારવા લાગ્યો “ કેવો સુખી માણસ છે, રોજ પરિવાર સાથે બેસીને જમવાનું મળે છે. પોતાનો આખો પરિવાર સાથે હોવા છતાં એ પરિવાર સાથે બેસીને જમી શકતો નથી. ઘણીવાર સવારે વહેલું નીકળી જવાનું અને રાતે મોડું પહોચવાનું. બાળકો સાથે તો રવિવારે માંડ વાત થાય. એમાં પણ ફોરેન ટુર પર મહિનો મહિનો જવું પડે ત્યારે તો પરિવારથી સાવ દુર. આ ખેડૂત ખરેખર સુખી જીવન જીવે છે.”

ત્યાં જ ડ્રાઈવર આવ્યો, નીકળવાનો સમય થઇ ગયો હતો. પણ અક્ષરનું ધ્યાન હજુ પેલા ખેડૂત તરફ આકર્ષાતું હતું. પોતે ગાડી તરફ ગયો, ગાડીમાં રાખેલ ફ્રુટસ ડ્રાઈવર ખાવા માટે આપ્યા અને કહ્યું કે હજુ થોડીવાર અહી રોકાઈએ, ઘણા દિવસે ગામડાની ખુલ્લી હવા ખાવા મળી છે.

થોડીવાર પછી ખેડૂત ઉઠીને કામ કરવા લાગ્યો, એની પત્ની અને બાળકો પણ સાથે નાનામોટા કામ કરતા કરતા એને મદદ કરતા હતા. થોડીવાર પછી પત્નીને કઈક ઈશારો કર્યો. પત્ની પાછી વડલા નીચે ગઈ. ત્યાં ગોઠવેલા ત્રણ પાણા પર એક તપેલી મૂકી. અક્ષરે જોયું ચા બની રહી હતી,  અક્ષરને પણ ચા પીવાનું મન થઇ આવ્યું, પણ એમ સામેથી જવું યોગ્ય નાં લાગ્યું. થોડીવારમાં ખેડૂતે હાકલ મારી, આજુબાજુમાંથી એક બે ખેડૂત મિત્રો ચા પીવા આવ્યા. ખેડૂતનું ધ્યાન અક્ષર તરફ પડ્યું, એને જોરથી બુમ પાડી “ સાઇબ, સા પીવી હોઈ તો આ કોર હાલો”. અક્ષરને જોઈતું હતું ને વૈદે કીધું જેવું થયું. એને આમ પણ ખેડૂત સાથે વાત કરવાનું મન હતું.

અક્ષર એ બાજુ ગયો , ગાડીમાં રાખેલ ફ્રુટ્સ પણ બાળકો માટે લય ગયો. ખેડૂતે એક રકાબીમાં અક્ષરને ચા આપી પૂછ્યું “આયા કોઈ કારખાનું બને સે કે શું ? “
અક્ષર- “ ના હજુ તો સર્વે ચાલે છે, ગવર્મેન્ટની મંજુરી પણ બાકી છે ".
ખેડૂત – “ ઠીક ત્યારે ... તમારી ગાડી તો બોવ મોંઘી લાગે સે, બોવ મોટા માણહ લાગો સો.. ”
અક્ષર – “ના..ના, બાજુના શહેરમાં એક ફેક્ટરી છે..બસ. મોટા માણસ તમે કહેવાય આખી દુનિયા માટે અનાજ ઉગાડો છો, લોકોના પેટ ભરો છો.”
બીજો ખેડૂત- “ પણ સાઈબ, બધી કે’વાની વાતું સે, આ મોંઘવારીમાં બીજાના પેટ ભયરે થોડું પોયતા નું પેટ ભરાય ..”  
અક્ષર – “તમે લોકો કેટલા ખુશ છો, આવી તાજી શુદ્ધ હવામાં રહો છો. અહી મહેનત કરો છો એમાં કસરત થઈ જાય છે, શરીર પણ મજબુત અને તંદુરસ્ત રહે છે. રોજ પરિવાર સાથે તાજું જમો છો, ચોખ્ખા ઘી -દૂધ ખાવ છો.  મિત્રો સાથે ગોષ્ઠી કરી લ્યો છો લાઈફમાં બીજું જોઈએ શું? સાચી ખુશીઓ તમારી પાસે જ છે... ”
ખેડૂત – “ સાઈબ ઈ લાગે તમે, રૂપિયા વગર કાઈ નથી. કોઈ આયા સોકરાવને દીકરીયું ય નથી દેતું.. ”
બીજો ખેડૂત – “ અને સાઈબ કાઈ મોભો નથી હોતો, તમે મોટા મોટા માણસો જ્યાં ભાષણો દેતા હોવ ન્યા અમે તડકામાં ટોળામાં ક્યાંક ઉભા હોઈ.. ,
ખેડૂત – “અને વરસાદ હારો નો થાય તો દેવું સડી જાય સે.. તમે જેનું ખેતર જોવા આયવા સો ઈ મોહનને તો ૧૦ વરહથી દેણું ભરાણું નથી, એટલે જ જમી વેસવા મૂકી સે..”
અક્ષર – “ અમે ય રૂપિયા કમાયને કાઈ ખુશ નથી. રોજ કલાઈન્ટ અને ગ્રાહકોનું દબાણ, સરકારનું અને ગુંડાઓનું દબાણ. ઉપરથી આ શરીરમાં વજન વધતો જાય એના માટે ય ટાઈમ નો મળે. પરિવાર સાથે શાંતિથી બેસીને ક્યારે જમ્યો હોઈશ એ પણ યાદ નથી..”

આમ તો અક્ષર અને ખેડૂત બંને પોતપોતાની રીતે સાચા છે. બંને પાસે ખુશ થવાના હજારો કારણો છે અને સાથે દુખો પણ છે. પણ પોતાની ખુશી પોતાને જ દેખાતી નથી. ખેડૂતને અક્ષર  ખુશ લાગે છે, અક્ષરને એ ખેડૂત. આમ જોઈએ તો બંને પાસે પોતપોતાની ખુશીઓ છે પણ એ ખુશીઓનું સરનામું એકબીજા પાસે છે !!   

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.