એ ધાબાની ઊંઘ અને યાદો...

એ ધાબાની ઊંઘ...


ધાબા પરની ઊંઘ

નાળામાં સાંજ થતા થતા ગામડાનું વાતાવરણ પણ ઠંડુ થતું જતું. એક તરફ મંદિરોમાં ઝાલર વાગતી હોય, દિવસ હજુ આથમવાની અણી  ઉપર હોય ત્યારે જ અમે ધાબે પહોંચી જતા. ધાબા પર બધા કાકાબાપાના ભાઈ બહેનો  ભેગા થઈને કબડ્ડી, ક્રિકેટ, પકડું દાવ , કુંડાળા, ઈંડાચોર,  ગાંડીભેંસ  વગેરે રમતા. દિવસ આથમે એટલે વાળું કરીને ફરીથી અગાસીએ ! વાળું કરીને આવીએ ત્યાં બા એ ગોદડાં પાથરી રાખ્યા હોઈ, એકદમ ઠંડા થઇ ગયા હોય. સીધા પથારીએ બેસીએ. મોટા ભાઈઓ વળી અગાસીની પાળી  પર બેઠા હોય, અગાસીની પાળી  પર બેસવામાં ય  મોટા થઇ ગયાનો આનંદ આવે. 


સાંજે કોઈક વડીલ પોતાની વાતો કહેતા હોય, ક્યારેક સતાધારની વાતો, ક્યારેક સતની વાતો, રાજાઓની વાતો, ખેતીની વાતો વગેરે, ક્યારેક વળી એમ જ વાતોએ ચડી જઈએ. ઘણી વખત એમ જ તારોડિયા જોતા રહીએ. એકબીજાને કહેતા રહીએ જો આ સપ્તર્ષિ, આ હૈંણુ, આ શિકારી તારો, સૌથી ચમકતો ધ્રુવ તારો શોધ્યા કરીએ. દોડતી જતી વાદળીઓને જોઈએ, ચાંદો ચાલે  છે  કે વાદળો એ આંખો પટપટાવીને જોયા કરીએ. આ બ્રહ્માંડ કેવડું હશે, આ બધું કોણે બનાવ્યું હશે, તારોડિયા પર શું હશે,  એ વિચાર્યા કરીએ। આમ જ ક્યારે સુઈ જઈએ ખબર જ ના પડે. 


એકદમ ઠંડા વાતાવરણમાં એસીમાં પણ ના આવે એવી ઊંઘ આવી જાય, સીધી સૂરજદાદા ઉઠે પછી ઊંઘ ઉડે. સવારમાં ઉઠીએ ત્યાં આજુબાજુમાં ચકલાઓ બોલતા હોય, પારેવડાંઓ ચણતા હોય. બધા પોતપોતાના કામ માટે વહેલા ઉઠીને નીચે જતા રહ્યા હોય. ઘણી વખત તો તડકો થઇ જાય તો પણ ઓઢીને સુતા હોય. વળી ચોમાસુ આવવામાં હોય તો સવારમાં કે રાત્રે છાંટા ચાલુ થાય એટલે બધા પોતપોતાના ગોદડા  લઈને ભાગવું પડે . 


ગામડેથી રાજકોટ આવ્યા પછી પણ આ ક્રમ ચાલુ રહ્યો. શરૂઆતમાં ઘણા બધા લોકો અગાસી પર સુવા આવતા. સાંજે જાણે  અગાસી પાર પાર્ટી ચાલતી હોય એવું લાગે. મોડી  રાત્રે ક્યારેક ઘરનો બનાવેલ નાસ્તો ચેવડો, ચક્રી , ખાખરા વગેરે આવે તો ક્યારેક ગાંઠિયાપાર્ટી કે ચિપ્સપાર્ટી થઇ જાય. ક્યારેક કાળઝાળ ગરમીમાં રાત્રે અગાસી પર આઈસ્ક્રીમ કે ગોલા આવે તો  જાણે સ્વર્ગ મળી જાય. 


પણ ધીમે ધીમે AC-કુલર વધતા ધાબાપાર્ટીમાં  આવતા  લોકોમાં  સખત ઘટાડો થઇ ગયો અને ધીમે ધીમે અમારી શેરીમાં અગાસી  પર સુવા જવાવાળો હું એક જ  વધ્યો! હું 2013માં બેંગ્લોર ગયો ત્યાં સુધી ઉનાળામાં એકલો અગાસીએ જ સૂતો. આપણું  ગોદડું અને ઓશીકું ચાદર લઈને  જતું રહેવાનું, મોબાઈલમાં ઈરફોન લગાવીને એફએમ લગાવી દેવાનો, ત્યારે આશિકોના કાર્યક્રમો આવતા હોય અને આપણી ઉંમર પણ એજ ! ઉપરથી 200 એસએમએસ પુરા ના થાય ત્યાં સુધી દોસ્તારો બહેનપણીઓ સાથે વાતો ( અહા, એક સમયે 100 -200 મેસેજ લિમિટ પુરી થઈ  જતી અને 12 વાગ્યાની રાહ જોતા અને આજે 1.5 જીબી નેટની રાહ જોઈએ છીએ! ). 


હજુ  ઘણા લોકો હશે જે ઉનાળામાં  રેગ્યુલર ધાબે સુવા જતા હશે. ઘણા લોકો એ ધાબાને મિસ  કરતા હશે.  ઘણાને AC / કુલર નહીં ફાવતા હોય તો ઘણા માટે અગાસી સિવાય કોઈ વિકલ્પ જ નહિ હોય, તો  ઘણાએ મજબૂરીમાં ગરમી  કોઠે  પાડી દીધી હશે! લોકડાઉન અને ગરમીના પ્રતાપે મચ્છરો ઓછા થઇ ગયા છે ત્યારે જે વર્ષોથી એસી કુલરમાં પુરાઈ ગયા છે અને હજુ જેમની પાસે ધાબુ છે એમને ફરીથી આ અનુભવ કરવામાં ખોટું નહિ.     


ઘણા વરસો પછી અગાસી પર સુવા જવાનું શરૂ કર્યું અને બધી યાદો તાજી થઇ ગઈ. 


- અંકિત સાદરિયા. 

આ આર્ટિકલ ગમ્યો હોય તો કમેન્ટ કરજો. બ્લોગને ફોલો કરજો

આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.

2 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.