એક શામ મસ્તાની

એક શામ મસ્તાની -


aa sali jindgi

સાંજે વગડામાં નીકળીએ ત્યારે વગડો રોજ નવું કૈક બતાવે. નાના હતા ત્યારે ક્યારેક સંધ્યાકાળે ગાડામાં બેસીને ખેતરેથી આવતા હોય ત્યારે આપણી સાથે સાથે આખો વગડો ઘરે જતો હોય. આકાશમાં પોપટના ઝુંડો જતા હોય, બાજુમાં ક્યાંક દૂર નિલગાયો ચાલી જતી હોય, રસ્તા વચ્ચેથી સસલું કે નોળિયું ઝડપથી નીકળી જાય, પાછળ પાછળ ગાવલડી ચાલી આવતી હોય, ક્યાંક દૂર કોયલ બોલતી હોય, ક્યાંક લેલા કકળાટ કરતા હોય, ક્યારેક સાપ કે આંધળી સાયકલ પણ જોવા મળી જાય.


પછી ક્યારેક સાઇકલ લઈને સાંજે નીકળીએ બીજા પુલ સુધી ચક્કર મારવા. પાછા ફરીએ ત્યારે અંધારું થવા માંડે. ચિત્ર વિચિત્ર પક્ષીઓના અવાજો સંભળાય. સાઈકલની સ્પીડ વધી જાય. જેમ જેમ ગામ નજીક આવતા જાય એમ મંદિરની ઝાલર, નગારાંના અવાજો, મસ્જિદથી અઝાન સાંભળવા લાગે. ક્યારેક તો સીધા મંદિરે પ્રસાદ લેવા જતા રહીએ. અમુક મંદિરમાં શ્રીફળ આપે, ક્યાંક શ્રીફળ સાથે સાકર આપે તો રામ મંદિરે ચરણામૃત આપે.


રાજકોટ આવી ગયા પછી રોજ સાંજે અગાસીએ જવાનો ક્રમ. સાંજે અગાસીએથી પણ ઘણા પંખીઓને ઘર જતા જોવ. વિચારું પંખીઓનું કેવું સાવ ભગવાન ભરોસે ! રોજ સવારે ખાવાનું શોધવા નીકળી પડે તે છેક સાંજે ઘરે આવે. સાંજે ઘરે આવે તો પણ બચ્ચાઓને ખવડાવવા પૂરતું જ લાવે. ક્યાંય પક્ષીઓના માળામાં સ્ટોર રૂમ જોયો છે! કદાચ એટલે જ એમને કોરોનાના લીધે ઘરે નહીં બેસવું પડતું હોય. ઘણા માણસો પણ પક્ષીઓ જ છેને રોજનું રોજ કમાઈ ને ખાવાવાળા!!


સાંજ પડે એટલે સાવ ઘરમાં બેસવું ના ગમે. ક્યાંય નહીં તો ગેલેરીમાં તો આવી જ જવ. બેંગ્લોર હતો ત્યારે રોજ સાંજે વોક પર નીકળી જ જાવ. જિમ કરીને આવ્યો હોય તો પણ આવીને અગાસીએ જઈને બેસું કે ચાલુ. પાછળની અગાસીએ સફેદ, કાળા, રાખોળી બધા કબુતરો સૂર્યાસ્ત જોવા છાપરે બેઠા હોય. જેવો સૂર્ય ઢળે એટલે આપોઆપ પિંજરા તરફ જતા રહે, માણસોની જેમ જ ! ક્યારેક કાગળાઓની જમાત કાં કાં કરી મૂકે પણ પરેવડાઓને ખાસ ફરક ના પડે.


સાંજ એક એવો સમય છે જે માણસને માણવો ગમે. સનસેટ પોઇન્ટ હોય કે ખેતરનો શેઢો, અગાસીએથી બે બિલ્ડીંગો વચ્ચે લાલ ગોળા જેવા સૂરજને ઢળતા જોતા હોય કે ગોવાના બીચ પર બેઠા બેઠા સમંદરમાં ડૂબકી મારવા જતા સૂરજને જોતા હોય, અંદરની લાગણીઓ કઈક અલગ જ હોય. દરરોજ આ સમયે આજુબાજુનું વાતાવરણ, પક્ષીઓના , પ્રાણીઓના અવાજો , આકાશનો ભગવો કલર, કદાચ દિવસનો થાક પણ કદાચ એક ઔલોકીક ઓરા બનાવે છે


- અંકિત સાદરિયા.


આ બ્લોગ પસંદ હોય તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.