Happy Earth Day - આમ તો હું જૈન ધર્મ જેટલી અહિંસામાં માનતો નથી...

 આમ તો હું જૈન ધર્મ જેટલી અહિંસામાં માનતો નથી તો પણ -

આપણે એમ જ રોડ પર ચાલ્યા જતા હોઇએ અને પાસેથી એમ્બ્યુલન્સ નીકળે તો પ્રાર્થના કરી લઈએ, સબવાહીની નીકળે તો ક્યારેક કમ્પારી તો ક્યારેક આંસુ ટપકી પડે. આપણે એ માણસને ઓળખતા પણ ના હોઈ તો પણ આપણી માનવતા જાગી ઉઠે. આ જ રીતે સોસીયલ મીડિયામાં કોઈ એક માણસને મજબૂરીમાં મરતો ફોટો વાઇરલ થાય એટલે હજારો લોકો ઓમ શાંતિ સાથે સાથે આંસુ પણ ટપકાવી લે કદાચ, કે ગમગીન થઈ જાય.

આ જ રીતે 2020માં જ કદાચ કેરેલાની ગર્ભવતી હાથણીના મોઢામાં કોઈએ સ્ફોટક પદાર્થ ખવડાવીને તડપાવીને મારેલી ત્યારે હજારો કાર્ટૂન બન્યા હતા, લાખો લોકોએ વેદના પોતાના શબ્દોમાં કહી હતી, કદાચ હજારો લોકોએ એ અનુભવી પણ હશે. આવી જ કોઈ ઘટના વાંદરાને ફાંસીએ લટકાવવાની પણ સામે આવી હતી. આવી જ કંપારી કદાચ કોઈક કૂતરા માટે કે કોઈક ગાય માટે ય થઈ આવે. માણસો ગાયો માટે ફાળો કરે, કીડીયારું પૂરવા જાય, પક્ષીઓ માટે ચબૂતરા ય કરે પરંતુ આ માનવતા અમુક પ્રાણીઓ કે કિસ્સાઓને બાદ કરતાં અટકી જાય.

હવે હજારો વર્ષ પાછળ જાવ તો રાજા મહારાજાઓએ મોજશોખ કરવામાં જ કરોડો પ્રાણીઓનો કચ્ચડ ઘાણ વાળી દીધો છે અમુક તો નામશેષ કરી નાખ્યા તો અમૂકના અભ્યારણ્યો બનાવવા પડ્યા. હજુ ય અમેરિકાનો આફ્રિકામાં ટ્રોફી હન્ટિંગ માટે જાય જ છે. આ ઉપરાંત આડેધડ જંગલો કાપીને કે સુંદર પંખીઓનો શિકાર કરીને પંખીઓની જાતો જ પૃથ્વી પરથી મિટાવી દીધી. માણસ પ્રગતિ કરતો ગયો, હથિયારો પાકા મકાનો સાથે સુરક્ષિત થતો ગયો પરંતુ પ્રાણીઓ પરનો જુલમ ચાલુ જ રહ્યો. શેરીના કુતરાઓ પર એસિડ છાંટવું, વાહન નીચે કૂતરા બિલાડીને કચડી નાખવા, નિલગાયોનો શિકાર કરવો કે કરન્ટથી મારી નાખવી વગેરે સામાન્ય છે. કીડીના રાફડા પર ઘર બનાવી પછી ઘરમાં કીડીઓ થાય એટલે ડિડીટી, વંદાઓના સ્પ્રે, ઉંદર મારવાની દવાઓ, કિટનાશકો વર્ષે કેટલાનો જીવ લેતા હશે !

Happy earth day
Image from Google Imageહવે બધા માણસો કાંઈ પ્રાણીઓ પક્ષીઓ કે અન્ય જીવો પર અત્યાચાર કરતા નથી. અમુક સજીવોની સંખ્યા કાબુમાં રાખવા કે ખોરાક માટે કે ખોરાક બચાવવા માટે કે જાત રક્ષણ માટે કરવું ય પડે. પરંતુ જે આડેધડ મોજશોખ માટે કે વિચાર્યા વગર પ્રાણીઓને મારીએ છીએ એના પર હજુ વિચારવા જેવું છે. શું કીડી કે ઉંદરને ખબર પડે છે કે આ માણસનું ઘર છે એમાં ના જવાય? શુ કૂતરા કે બિલાડીને ખબર પડે છે કે આ હાઈ વે છે અહીં વાહનો પુરપાટ આવતા હોય છે? 

હવે વાત છે અનુકમ્પાની, જે આપણને સ્મશાન યાત્રા કે અમુક તસવીરો જોઇને માણસ માટે થાય છે. હું હમણાં એક દિવસ વોકિંગ કરવા જતો હતો. ત્યાં રસ્તામાં ગાય ઉકરડામાં એઠવાદની સાથે સાથે  પ્લાસ્ટિક ખાતી હતી. મારી આગળ ઘણા લોકો એમ જ નીકળી ગયા. મેં ગાયને ત્યાંથી હટાવી. પરંતુ આગળ જતાં જતાં થયું થોડીવારમાં એ ગાય ફરીથી ભૂખી થશે એ પ્લાસ્ટિક ખાશે જ કોણ તગેડવા જશે? કોણ એને ખાવા આપશે? આજ રીતે જ્યારે એક્સિડન્ટમાં કૂતરાને મરેલું જોવ કે ડરતા ડરતા રસ્તો ઓળંગતું જોવ ત્યારે થાય કે આપણે આ ટેકનોલોજી સાથે કદમ નથી મિલાવી શકતા તો આ પ્રાણીઓને આપણી માયા કેમ સમજાય ?  

બધા માણસો ક્રૂર નથી, પણ માનવજાતને અમુક પ્રાણીઓની જાત, અમુક પક્ષીઓની જાત, જીવજંતુઓ કે અમુક વૃક્ષોની જાતો ક્રૂર કહી જ શકે. બસ આજ ક્રૂરતા માટે કર્મનો સિદ્ધાંત કહો, કે ઉપરવાળાની માયા કહો 10,100, 200, 500 વર્ષે એવી ઘટનાઓ ઘટતી રહે છે  જે કોઈક અદ્રશ્ય શક્તિની યાદ અપાવી દયે છે. કુદરતની માયા આપણને પણ કેમ સમજાય !!


Happy Earth Day ||

-  અંકિત સાદરિયા.

પોસ્ટ ગમે તો જરૂરથી આ બ્લોગ ફોલો કરજો અને શેર કરજો.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.