ફાધર્સ ડે - પિતાનો જન્મ !!

ફાધર્સ ડે - પિતાનો જન્મ !!

આપણો જન્મ થાય ત્યારથી જ પાપા આપણા માટે પાપા હોય છે. આપણે નાના હોય ત્યારથી આપણને ખ્યાલ પણ ના હોય કે આપણા આવ્યા પહેલા એ એક પોતાના મોજશોખ, પોતાની મરજી, પોતાના માટે જીવતો એક યુવાન હશે !  એ યુવાન એમના પરિવારમાં આપણને લાવ્યો અને એ પાપા બન્યો. બસ પછીથી એના મોજશોખ, એના જીવનમાં આપણું મહત્વ એના પોતાના કરતા પણ વધી ગયું. એ યુવાન વધુ જવાબદાર બન્યો, પોતાની અને પત્નીની સાથે સાથે હવે એક વધુ જીવને સંસારની બધી ખુશીઓ આપવા મંડી પડ્યો.

જેમ માં બનવા માટે બાળકને નવ મહિના કોખમાં રાખવું પડે છે એમ મોટા ભાગના પાપાઓ માટે પણ પાપા બનવું એ એકાએક બનતી ઘટના નથી પણ લગભગ એટલી જ લાંબી સફર છે. પ્રેગ્નન્સી પછી પત્નીનું ધ્યાન રાખવું, એના બદલાતા મૂડને સમજવું, સારા ડોક્ટરને બતાવવા જવું, જ્યારે ડોકટર પેટમાં રહેલા બાળકના વિકાસ વિશે સમજાવે ત્યારે ધ્યાનથી સાંભળવું અને સમજવું. બાળકના વિકાસમાં કઈ અવરોધ હોય તો ડોકટર એકલા બોલાવે ત્યારે સમગ્ર જવાબદારી માથે લઈને નિર્ણય લેવો, બાળકને સોનોગ્રાફી સ્ક્રીન પર જોવું, પેટમાં રહેલા બાળક સાથે વાતો કરવી આ બધું પ્રોસેસનો એક ભાગ બનતું જાય છે જે એક યુવાનમાં રહેલા પિતાને ધીમે ધીમે  જગાડે છે !

જ્યારે  ડીલેવરીનો સમય આવે છે ત્યારે સમયસર હોસ્પિટલ પહોંચવા ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થવું, ડોકટર કહે તે સાંભળવું, પત્નીને મોટીવેટ રાખવી, અમુક મહત્વના નિર્ણયો લેવા વગેરે એ યુવાન પર આવી જતું હોય છે જેના અત્યાર સુધીના આ બધા નિર્ણયો એના પાપાએ લીધા હતા ! જ્યારે દવાખાને જાવ ત્યારથી જ ડૉક્ટર કે નર્સ તમને બાળકના પિતા તરીકે જ  સંબોધન કરવા માંડે છે અને તમારામાં જવાબદારીઓ ઉમેરાતી જાય છે. જ્યારે બર્થ સર્ટિફિકેટમાં ઉમેરવા માટે પિતાનું નામ પૂછે ત્યારે તમને અનુભવ થાય છે કે હવે તમારા પિતાનું નહિ પણ તમારું નામ લખવાનું છે. યસ યુ આર ઓફિશિયલી ફાધર નાવ !

આ તો શરૂઆતની વાત છે, પિતાની જવાબદારી અહીંથી શરૂ થાય છે. આ ફક્ત જવાબદારી જ નથી પણ જિંદગીની મજા પણ છે. તમે આ દુનિયામાં એક નવા જીવને લાવો છો એની માવજત કરો છો, એને આનંદ આપો છો, એની સાથે રમો છો, એને દુનિયા સામે ઉભો રાખો છો, લડતા શીખવો છો આ બધી પ્રોસેસમાં તમે પણ "ગ્રોન"મેન બનતા જાવ છો. આ ગ્રોન મેન ડેડા, ડેડી, પાપા માંથી તમને બાપ બનાવે છે !!! 

હેપી ફાધર્સ ડે.

મારો પાપા સાથેનો પહેલો ફોટો અને દિકરા #ક્રિયાંશ સાથેની પહેલી સેલ્ફી !! 😊


આ બ્લોગની પોસ્ટ નિયમિત વાંચવા માટે બ્લોગ જરૂરથી ફોલો કરજો. 😊


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.