કોરોના - સેકન્ડ વેવ - આ વખતે ઊંઘતા ઝડપાયા

ઓગસ્ટ 2020માં એક જ દિવસના એક લાખ કેસ નોંધાયા પછી ભારતમાં કોરોનાના કેસનો આંકડો સતત ઘટી રહ્યો હતો. નવેમ્બર ડિસેમ્બરમાં થોડાક કેસ વધ્યા પછી 2021માં કેસ ધીમે ધીમે સાવ ઘટી રહ્યા હતા. ફેબ્રુઆરી આવતા રોજના આખા ભારતમાં રોજના 12-15000 કેસ માંડ આવતા. ઉપરથી ભારતમાં કોવીશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી મળી ગઈ હતી. સાથે સાથે ભારત દેશ પોતાની વેક્સીન સાથી દેશોને વહેંચી રહ્યો હતો. હવે કોરોના ગયો જ એમ લાગતું હતું. એક બે હરખપદુડીયા નેતાઓએ ભારતને કોરોના મુક્ત જાહેર કરી દીધો હતો. ગુજરાતમાં પંચાયત ઈલેક્શન યોજાઈ ગયા હતા. ભારત ઇંગ્લેન્ડની ક્રિકેટ સિરીઝ સ્ટેડિયમમાં પ્રેક્ષકો સાથે રમાઈ રહી હતી, બીજી બાજુ સચિનની રોડસેફ્ટિ સિરીઝ પણ પુરા દર્શકો સાથે રમાઈ રહી હતી. કુમ્ભ મેળાનું આયોજન થઈ રહ્યું હતું, લોકોએ ધીમે ધીમે ટોળે  મળવાનું શરુ કરી દીધું હતું. ડોકટરો, શિક્ષકો, સરકારી કર્મચારીઓને કોરોનની રસી આપવાનું શરૂ થઇ ગયું હતું. શાળાઓ અને કોલેજો ધીમે ધીમે ખુલી રહી હતી. ગુજરાતમાં અમુક હોસ્પિટલો પણ કોરોનાનાં  ખાલી બેડ સંકેલવા માંડી હતી. દેશને આવનારી આફત વિશે થોડીક પણ ભનક નહોતી. 

 કોરોના - સેકન્ડ વેવ (ફોટો - ગુગલ સર્ચ રિઝલ્ટ)

જયારે આપણે "કોરોનાને હરાવી દીધો હતો" ત્યારે યુનાઇટેડ કિંગ્ડમ, આફ્રિકા વગેરે દેશો અલગ અલગ કોરોનાના વેરિયન્ટ  સામે લડી રહ્યા હતા. ફેબ્રુઆરી સુધીમાં કદાચ ભારતમાં પણ આ વેરિયન્ટ પહોંચી ગયો હતો. 2020માં પહેલા વેવ વખતે તો આપણે દેશભરમાં લોકડાઉન  કરીને  બચી ગયા હતા (2020માં મેં કોરોનાની સ્થિતિ વિષે આ બ્લોગ પર  રેગ્યુલર આર્ટિકલ લખ્યા છે ) પરંતુ આ વખતે ઊંઘતા ઝડપાયા છીએ. જયારે કોરોના બીજા વેવની તૈયારી કરી રહ્યો હતો ત્યારે આપણે બંગાળ, તામિલનાડુ, આસામ, કેરેલા, પોન્ડિચેરીની ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા હતા. વડાપ્રધાન સહીતના નેતાઓ ચૂંટણીમાં બીઝી હતા. આ વધતા આંકડાઓ સામે આંખ આડાં  કાન  થઇ રહ્યા હતા રખેને ચૂંટણીના પરિણામો પર અસર થાય !  આપણે કોરોના સામે જંગ જીત્યાનો કેફ ચઢાવેલ રાખવાનો હતો. 

કોરોના કાળ વખતે ચૂંટણી રેલીઓ 

એપ્રિલની શરૂઆતથી જ "ફરીથી" મહારાષ્ટ્રમાં સ્થિતિ વણસી રહી હતી. ધીમે ધીમે છત્તીસગઢ અને ગુજરાતમાં પણ પગ પેસારો થઇ ગયો હતો. છત્તીસગઢના રાયપુરમાં તો 9 એપ્રિલથી 19 એપ્રિલનું લોકડાઉન જાહેર થયું હતું. આ આંકડો સતત વધી રહ્યો હતો. રોજના લાખ કેસમાંથી રોજના 3 લાખ ક્યારે થઇ ગયા ખબર જ ના પડી. મેં મહિનામાં રોજના 3.5 લાખની  આસપાસ  કેસ આવવા માંડ્યા. ગુજરાતમાં રોજના 16000 સુધી આ આંકડો પહોંચ્યો હતો. ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં સૌથી પહેલા સ્થિતિ વણસી હતી પછી આખું ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું. દેશમાં અત્યારે રોજના 4 લાખની ઉપર કેસ આવી રહ્યા છે આમાં  અત્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્લી, કેરળ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહીત મોટાભાગના મોટા રાજ્યોની સ્થતિ ખરાબ છે. અમુક રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન  તો અમુકમાં આંશિક લોકડાઉન  છે. 

નીચેના ફોટામાં 8 મે સવારના 8 વાગ્યા સુધીના ટોપ 15 રાજ્યોના આંકડા છે. 

Image via covid19india.org

 

આ કોરોનાનો વેરિયન્ટ પહેલા  કરતા ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોટા ભાગે એક વ્યક્તિને ચેપ લાગે અને શરૂઆતમાં કાંઈ પગલાં ના લે તો આખા ઘરને થઇ જાય છે. શરીરમાં પણ ખુબ ઝડપથી પ્રસરે છે. લક્ષણો હોય અને ટ્રીટમેન્ટ કરવામાં વાર લાગે તો ફેફસામાં ઇન્ફેક્શન પણ ઝડપથી થઈ  જાય છે. આના લીધે ડેથ રેટ પણ વધારે છે. કોરોનાના  લક્ષણો જણાય તો તરત આઇસોલેટ થઈ  જાવ અને જલ્દીથી રિપોર્ટ કરવો. જો કે વેક્સિનના બંને ડોઝ લીધેલા લોકોને એટલો વાંધો આવતો નથી. લોકડાઉન ઓપન થયું ત્યારે જે સ્થિતિ વિષે મેં લખ્યું હતું એ ત્યારે તો ના થયું પણ અત્યારે થયું.  (લોકડાઉન 5.0 - અનલોક અનલોક અનલોક !) હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા માંડી, શરૂઆતમાં કોરોનાના  બેડ ખૂટ્યા, પછી વેન્ટિલેટર ખૂટ્યા, પછી ઓક્સિજન ખૂટ્યો, પછી માણસોનો શ્વાસ ખૂટ્યો, પછી સ્મશાનો અને કબ્રસ્તાનો ખૂટ્યા !

સેકન્ડ વેવમાં કોરોના ગામડાઓ સુધી પહોંચ્યો. ગામડાઓમાં શરૂઆતમાં ટેસ્ટિંગ સુવિધાનો અભાવ, મેડિકલ ફેસીલિટીનો અભાવ અને કોરોના વિશે જાગૃતિનો અભાવ હોઈ શરૂઆતમાં ઘણા મૃત્યુ થયા.  સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી, 24 કલાક લાઈનમાં રહો પછી વારો આવે ! કોરોનાની દવામાં વપરાતા ઇન્જેક્શનો ખૂટ્યા , આપણી લાલચુ પ્રજાની આદત પ્રમાણે કાળા બજાર થયું ડુપ્લીકેટ ઇન્જેક્શનો બન્યા, મોટાભાગની હોસ્પિટાલોએ ઇન્જેક્શન માટે હાથ ઊંચા કરી દીધા, દર્દીઓના સગાઓ આ ઇન્જેક્શન શોધવા મદદ માટે કલેકટર કચેરીથી માંડીને  સોસીયલ મીડિયા સુધી દોડ્યા. લીલા નાળિયેર 100 રૂપિયા સુધી વેંચાણા, લીંબુ 150-200ના કિલો થયા, મોસંબી પણ  મોંઘી થઇ. આ બાજુ ઓક્સિજનની પણ શોર્ટેજ ઉભી થઈ. ઓક્સિજનના બાટલાઓનો મેડ કરવા અને રીફીલ કરાવવા લાઈનો લાગી. એક બાજુ ક્રિટિકલ દર્દીઓની સંખ્યા વધતી જતી હતી બીજી બાજુ દેશની આરોગ્ય સિસ્ટમ અને કોરોના માટે કરેલી  તૈયારી નાગી થતી જતી હતી.


સેવાભાવી લોકો આગળ આવ્યા, સરકારે પણ આગ લાગી ત્યારે ખાડો ખોદવાના પ્રયત્ન કર્યા, બીજા દેશો પણ મદદે આવ્યા. હજુ રોજના 4 લાખ ઉપર કેસ આવી રહ્યા છે પણ સ્થિતિ થોડેઘણે અંશે સ્ટેબલ બની રહી  છે. ભગવાન કરે ધીમે ધીમે સ્થિતિ થાળે પડે અને આપણે સૌ સહીસલામત આ આફતમાંથી ઉગરી જાય એવી પ્રાર્થના. બાકી ગુમાવેલા સ્વજનોની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના, ૐ શાંતિ ! અત્યારે વેક્સીન એ જ ઉપાય લાગી રહ્યો છે પહેલી મેથી 18+ વર્ષના લોકો માટે વેક્સિનેશન શરુ થઈ  ગયું છે. જો કે અત્યારે માર્યાદિત ડોઝ જ આવતા હોય સ્લોટ બુક કરાવવો અઘરો છે. પરંતુ વહેલાથી વહેલા બધાને  વેક્સીન મળી જાય એવી આશા. 

આ બ્લોગ જરૂરથી ફોલો કરજો (તમે મોબાઈલમાં વાંચી રહ્યા હશો તો થોડું નીચે બ્લોગને ફોલો કરવા માટે દેખાશે. પીસી પર  જમણી બાજુ બ્લોગ ફોલો કરવાનું બટન હશે) .

આગળના વાંચવા જેવા લેખ - 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.