બુકરીવ્યું - દુખિયારાં - વિકટર હ્યુગો

ભાગ્યે જ એવો કોઈ અનુભવી ગુજરાતી વાંચક હશે કે  જેને આ દુખિયારાં નવલકથાનું નામ ના સાંભળ્યું હોય. વિકટર હ્યુગો પ્રખ્યાત ફ્રેન્ચ લેખક છે જેમની કૃતિ Les Miserableનું અનુવાદન મૂળશંકર મોં. ભટ્ટ એ કરેલું છે. આ પુસ્તક પ્રખ્યાત ફ્રેન્ચ કવિ વિકટર હ્યુગોએ 1851 થી 1870 સુધી પોતાના લોકશાહી વિચારોને કારણે દેશવટો ભોગવતી વખતે આ વાર્તા લખેલી. આ વાર્તા જુદી જુધી 10 ભાષાઓમાં પ્રકાશિત થયેલી, તે દિવસથી વિકટ હ્યુગોની બેસ્ટ રચનામાં પહેલા નંબરે છે. આ મૂળ નવલકથા ફ્રેન્ચમાં 1900 પેઇજની છે જેનું ઈંગ્લીશ ટ્રાન્સલેશન 1400 પેજનું થયેલું પરંતુ આપણા મૂળશંકર દાદાએ બે ભાગમાં, ટોટલ 459 પાનાનું ટ્રાન્સલેશન કર્યું. આજ સુધી મેં વાંચેલી બધી અનુવાદક વાર્તાઓમાં આ સૌથી શ્રેષ્ઠ અનુવાદન કહી શકાય.
મેં આ પુસ્તક ડિસેમ્બરમાં જ વાંચવાનું શરુ કરેલું. આ વાર્તા 1815ના ઓક્ટોમ્બર માસથી શરુ થાય છે, આ વાર્તા 18મી સદીની હોવા છતાં આજે પણ તમે કનેક્ટ કરી શકો છો અને જરાય જૂની લગતી નથી. વાર્તા ફ્રાન્સની, પેરિસ શહેર આસપાસની છે. આ પુસ્તકમાં પેરિસનું ત્યારનું નામ પારીસ છે. બીજા અમુક શહેરો "મ...શહેર" અને એવા નામો છે કદાચ ઉચ્ચારવામા અઘરા લાગતા શબ્દો ગુજરાતીમાં સરળ લાગ્યા છે. બીજી ભાષાઓમાં અનુવાદિત થયેલ વાર્તાના પાત્રોના નામ વાંચવા બહુ અઘરા હોય છે પરંતુ આમાં પાત્રોના નામ પણ આમ સરળ છે "જિન વાલજીન", "જેવર્ટ", "કોઝેટ", "મેરિયસ" વગેરે.

આ વાર્તા "જિન વાલજીન" નામના એક ચોરની છે જેને એક રોટલીનો ટુકડો ચોર્યો હોય છે અને પછી જેલ થઇ હોય છે. વાર્તાની શરૂઆત આમના છૂટવાથી થાય છે. શરૂઆત જ એટલી મજબૂત છે કે પુસ્તક મુકવાનું મન જ ના થાય. શરૂઆતમાં કદાચ ફ્રાન્સના લોકોની વાતચીત ગુજરાતીમાં ખૂંચે, વીશી જેવા શબ્દો નવા લાગે પરંતુ થોડીવારમાં જ તમે એમાં ગોઠવાય જાવ અને એ માહોલમાં જીવતા થઈ જાવ. સાથે એક કુંવારી માતા ફેન્ટાઈનની દીકરી "કોઝેટ"ની પણ વાર્તા છે. ફેન્ટાઈનને કુંવારી માતા બનાવી તરછોડી દેવામાં આવે છે અને એ પોતાનું જીવનનિર્વાહ કરવા માટે બીજા શહેરમાં આવે છે પરંતુ પોતાની દીકરીને સાથે રાખી શકતી નથી અને એ ઉછેરવા માટે બીજાને આપે છે. એનો ઉછેરવાનો ખર્ચો પૂરો કરવા માટે એ મરણીયા પ્રયાસો કરે છે આ બાજુ કોઝેટને પણ દુનિયાના સઘળા દુઃખો નાનપણમાં જ મળ્યા. પણ આ વાર્તા સાવ દુઃખોની જ નથી.

આ વાર્તામાં એ વખતનું ફ્રાન્સ, ત્યારના લોકોની માસિકતા, ત્યાંના શહેરો વગેરે સચોટ છે. બીજા ભાગમાં ફ્રેન્ચ ક્રાંતિ. રાજાશાહી, નેપોલિયન અને લોકશાહીના વિચારો ધરાવતા લોકો વચ્ચે ચકમક વગેરેનું પણ સુંદર રીતે સંકલન કરેલું છે. અમુક નાના નાના ભાગમાં લેખકના એમના ધર્મ વિશેની માન્યતા, એ સમય પ્રમાણે બોલ્ડ વિચારો પણ સમજવા જેવા છે. પુસ્તક શરૂઆતથી લઈને અંત સુધી તમને પકડી રાખે છે. એટલા બધા લાંબા લચક પાત્રો કે સ્થળના વર્ણનો નથી. આટલી મોટી નવલકથા હોવા છતાં એટલા બધા પાત્રો નથી કે એમના નામ ભૂલી જવાય. અમુક પાત્રો જસ્ટ કેમિયો કરીને જતા રહે છે પણ કાયમ માટે છાપ છોડતા જાય છે જેમ કે શરૂઆતમાં જ આવતો પાદરી, જેનો સિક્કો જિન વાળીને ચોર્યો હોય છે એ છોકરો.

પ્રસ્તાવનામાં જ ઉમાશંકર જોશીએ લખ્યું છે -
"લે મિઝરેબલ્સ એ આમ જગતના દીનદુખિયા, દબાયા - દુભાયાની કરુણ કથા લાગે છે, પણ જરીક જ ઊંડું જોતા દુનિયાના નિરઘૃણ સ્વાર્થપોપડાઓ નીચે કલકલ વહી રહેલા ચિરંતન માનવતાઝરણનું આપણને દર્શન અને પણ કરાવનારી એ એક મંગલકથા બની રહે છે. "

"ભાષાંતરની શૈલી સરળ, તળપદી અને રોચક છે. વચ્ચે આવતા બોલચાલના રૂઢીપ્રયોગો અને લહેકા ભાષાંતરને જીવતું કરી મુકવા માટે પૂરતા છે. કથારસિકો- ખાસ કરીને વિદ્યાર્થીઓ આ પુસ્તક હોંશે હોંશે વાંચશે એમાં શંકા નથી."

બે ભાગના આ પુસ્તકની કિંમત એમાં લખાયેલી વાર્તા પ્રમાણે ઘણી ઓછી છે!


ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.