મકરસંક્રાંતિ: કાપ્યો જ છે, ચગે તો કાપુ ને! ભાગ -૨

અમારી મકરસંક્રાતિ વિશે આગલો 2015નો આર્ટિકલ નાં  વાંચ્યો હોય તો અહીં ક્લિક કરીને વાંચી લો.  ઘણા સમય પછી ફરી રાજકોટમાં મકરસંક્રાતિ ઉજવવાનો ફરીથી મોકો મળ્યો.  હવે પહેલા કરતા પરિસ્થિતિ બદલી ગઈ છે, અમારી લઠ્ઠાગેંગ આખી પરણી ગઈ છે. એટલે હવે અમને હતું કે ફીરકી પકડવામાં કોઈ પ્રોબ્લેમ નહિ થાય. આગલે દિવસે જ કન્ફ્રર્મ કરી લીધું કે કોણ કોણ આવે છે. કોરોનાની થોડીઘણી બીક હોય ઓછામાં ઓછા લોકો ભેગા થાય એવી રીતે આયોજન કરવાનું હતું પરંતુ લગ્ન પછી સગાઓ પણ ડબલ થઇ જાય! (આ 2021ની મકરસંક્રાંતિના અનુભવો છે)

આગલી રાતે હું પતંગ દોરો લેવા ગયો. ફિરકીના ભાવ તો પહેલા કરતા લગભગ ડબલ થઇ ગયા છે અને પતંગના ભાવ તો પાંચ ગણા જ ગણી લો. રૂપિયાવાળી પતંગ ત્રીસનો પંજો! પર્યાવરણ અને ભાવના કારણોસર પ્લાસ્ટિકની પતંગ લેવાનું તો મોકૂફ જ રાખ્યું. દોરામાં તો આપણને વધુ ખબર ના પડે. છ તાર ને નવ તાર, હું હંમશા ઢીલમાં સારો ચાલે એવો જ દોરો લવ (કારણ કે ફાસમ ફાસ ખેંચતા ના ફાવે!).  વળી ખેંચમાં પતંગ કપાઈ તો બધો દોરો જલ્દી જલ્દી વીટવો  પણ પડે બાકી ગૂંચ થાય. ઊંડે ઊંડે પર્યાવરણની સદભાવના પણ ખરી કે ખેંચતા હોય તો પક્ષીઓને ઇજા થવાના ચાન્સીસ વધુ (અને આપણને પણ લાગવાના ચાન્સ વધુ). આ બધું કેલ્ક્યુલેશન કરીને થોડો સસ્તો ઢીલનો દોરો લીધો, વિચાર્યું કે પતંગ વધુ લઇ લેશું. બસ દોરો આપણને કે કોઈને લાગવો નો જોઈએ. 


આ વખતે રાતે અમે બે ભાઈ જ હોય કોઈએ પતંગમાં કિન્ના બાંધવાની જહેમત ઉઠાવી નહીં. સવારે અમે પતંગ, દોરા, ટોપીઓ, નાસ્તાના ડબ્બા વગેરે લઈને ઉપર ચડ્યા. પહેલી પતંગને જેમતેમ કિન્ના બાંધીને થોડી મહેનત કરીને ચગાવી, સરસ ચગી. પણ ઉત્તરાયણમાં આપણે ત્યાં પતંગ ચગાવવા કરતા કાપવાનું મહત્વ વધારે છે. આપણી પતંગ થોડે ઊંચે જાય એ કોઈ જોઈ શકતું નથી. આ જ રીતે અમારી પતંગને પણ કાપવાના પ્રયત્નો શરૂ થયા. અમારો ઢીલનો દોરો હોય અમે તો ઢીલ દીધે રાખીએ, 2-4 પતંગ ઓટોમેટિક કપાય ગઈ. એક બે વાર ખબર પડી ત્યારે અમે "કાઈપો જ છે"ની બૂમ પાડી. આ ખેલ થોડી વાર ચાલ્યો પછી અમારી પતંગ પણ કપાઈ ગઈ, ઢીલમાં ગયેલો બધો દોરો ફરી વીંટવો  પડ્યો! 


પછી ધીમે ધીમે કિન્ના બાંધવાની આળસ  અને ઉતાવળમાં સરખા કિન્ના ના બંધાવાને  કારણે  બધાની પતંગ કપાઈ જાય પછી જ કોઈક કિન્ના બાંધવાની જહેમત લે. તૈયાર કપાયેલી પતંગ મળી જાય તો એ જ બેસ્ટ. ક્યારેક માંડ પતંગ ચગી હોય ત્યાં ફીરકી પકડવાવાળીઓ તૈયાર ચગેલી પતંગ લઇ લે અને ફીરકી આપણને જ પકડવી પડે. કોઈના પેચ લાગે એટલે ઠેકડા મારવા માંડે "પેચ લાગ્યા પેચ લાગ્યા", એટલે વળી આપણે સિનિયર પાયલટની જેમ કમાન આપણા હાથમાં લઈએ. વળી પાંચ દશ  મિનિટમાં પતંગ કપાઈ જાય એટલે ઠેરના ઠેર. અડધી કલાક કીન્નાઓ બાંધવામા અને ચગાવવામાં લાગ્યા હોય એના પર પાણી ફરી વળે ત્યારે લાગે કે થોડો સારો દોરો લીધો હોત તો સારું રહેત. બપોર પછી તો ફક્ત ઉત્સાહીઓ જ ચગાવતા હોય, વળી સારો પવન આવે તો એકાદ ચગાવી લઈએ.    


હવે પતંગ સાથે ફુગ્ગા અને પપૂડાઓ નીકળ્યા છે. ફુગ્ગા તો ઠીક અગાસીની સુંદરતામાં વધારો કરે પણ પપૂડાઓ માથું પકવે. એમાં પણ ધાબા પર ચાર પાંચ ટેણિયાંઓ ભેગા થઇ જાય તો તો સાંજ સુધીમાં માથું પાકી જાય. ઉપરથી માંડ માંડ ચડેવેલ સાઉન્ડ સિસ્ટમના ગીતો પણ ના સાંભળવા દયે. એક વર્ગ આ બધી મોહ માયા છોડીને વધેલા નાસ્તાને પહેલો ન્યાય આપે. નાસ્તામાં મોટાભાગે ચીક્કી, બિસ્કિટ, બોર, શેરડી વગેરે જ હોય.  બીજો વર્ગ આસપાસની અગાસીઓની સુંદરતા જોવામાં પણ વ્યસ્ત હોય. આજકાલના જમાનામાં તો મકરસંક્રાતિના દિવસે ખબર પડે કે આપણી આસપાસ આવું બધું છે અને આપણને ખબર જ નથી! 


હવે એક નવો વર્ગ ઉમેરાયો છે ફોટા અને રીલ્સ બનાવવાવાળાનો. એકલાનો ફીરકી પકડેલ ફોટો, ટોપી સાથે, ટોપી વગર, સનગ્લાસિસ સાથે, સનગ્લાસિસ વગર, આ જ કોમ્બિનેશન પતંગ ચગાવતા હોય એવું. પછી પતંગ ચગાવતા હોય એવો વિડિઓ, ધાબા પર ડાન્સનો ટીકટોક  વિડિઓ, દોરી વીંટાતી  હોય એનો સ્લોમોશન વિડિઓ. પપુડી વગાડતા હોય એવું બૂમરેંગ, ફુગ્ગા સાથેના ફોટાઓ. પછી આવે મારા જેવા મોબાઈલીયા ફોટોગ્રાફર આકાશની પતંગોના ફોટા, સનસેટના પતંગો સાથેના ફોટા, પક્ષીઓના ફોટા, રાત્રે ફાનસના ફોટાઓ વગેરે. પછી આવે ફેમિલી ફોટા, એમાંય અલગ અલગ કોમ્બીનેશ.


બસ સાંજ પડે એટલે અમારે સંક્રાન્ત પુરી થઇ જાય. નીચે ઉતરતી વખતે અગાસી પર વધેલ ફીરકી, પતંગો, નાસ્તાના ડબ્બાઓ, કોઈના ટેણિયાંઓ વેગેરે ભુલાઈ નહિ એ જવાબદારી મકાનમાલિકની.


બ્લોગને ફોલો કરજો અને તમારા મિત્રોને પણ આ બ્લોગ વાંચવા સજેસ્ટ કરજો.ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.