બુકરીવ્યું - ક્રોસિંગ ગર્લ -1 - રવિ વિરપરિયા

હજુ દુખિયારા પુરી કરું ત્યાં જ આ પુસ્તક વાંચવા માટે રાહ જોતું હતું. ક્રોસિંગ ગર્લનું  કવર પેજ જ એટલું મોહક છે કે લગભગ ઘરમાં બધાએ બુક જોઈ લીધી.  આ પુસ્તક વિષે આમ તો થોડું ઘણું ફેસબુક પરના રીવ્યુના લીધે વાંચેલું. હજુ નવું જ પુસ્તક હોય વધુ અપેક્ષા નહોતી પરંતુ ખબર હતી કે પ્લોટ એકદમ અલગ અને ફ્યુચર ફિક્શન  છે. આ વાર્તા છે એક જુવાનીમાં પગલાં માંડતા છોકરાની, જે આ ફ્યુચર લેબના નવા વિશ્વમાં પ્રવેશે છે.  જે ગામડેથી અભ્યાસ માટે "ટેક્નોલોજીથી સજ્જ" મોડર્ન રાજકોટમાં આવે છે. આ શહેર ટેક્નોલોજીની દ્રષ્ટિએ બહુ આગળ વધી ગયેલું છે જેમાં એક સ્પેશિયલ સ્કૂલ છે "ફ્યુચર લેબ", જેમાં અત્યાધુનિક ટેક્નોલોજીની સાથે સાથે અલગ રીતે  શિક્ષણ આપે છે. રાજકોટ આવતા આવતા, એક ગામના બસસ્ટેન્ડ પાસે અવેડામાં પાણી ભરતી છોકરીઓ વચ્ચે ભૂરી આંખો  છોકરી સાથે આંખો મળે છે અને પછી છોકરી ખોવાય જાય છે. પણ આ લવ સ્ટોરી જ નથી! ક્રિષ્નાને રાજકોટમાં અલગ અલગ મિત્રો મળે છે સાગર, મીરા, રાહુલ , હેપ્પી વગેરે.  બીજા પાત્રો ક્રિષ્નાની બહેન ગીતા, મધુમાસી, ગબ્બર  વગેરેના પાત્રો અને તેમની વાર્તા પણ એકદમ મજેદાર છે. આ બધાની અલગ અલગ ખાસિયત છે અને દરેકનું વાર્તામાં મહત્વ છે. વધુ પડતા પાત્રો પણ નથી અને પાત્રોના સરળ નામોના લીધે કોઈ કન્ફ્યુઝન પણ નથી થતું. આ વાર્તા આ ઉંમરે થતી મૂંઝવણો, સમસ્યાઓ, ડર , ફેમિલી પ્રેસર, કેરિયર, પ્રેમ, ખાલીપો, ક્રાંતિ વગેરે દરેક પાસાને ક્યાંકને ક્યાંક ટચ કરે છે. સાગરનું રહસ્ય છે તો ગબબરનો ડર  છે , ક્રિષ્નાનું કન્ફ્યુઝન છે તો રાહુલનું ફેમિલી પ્રેશર છે. વાર્તા વિષે વધુ વાત કરીશ તો સ્પોઈલર થઇ જશે!  


હવે આમાં  "ફ્યુચર ફિક્શન" જેવું ક્યાં છે?  આ વાત  આખા મોર્ડન, ટેક્નોલોજીથી સજ્જ રાજકોટની આસપાસ આકાર લ્યે છે. રાજકોટમાં ઈન્ટરનેશલ એરપોર્ટ છે, ફ્યુચર લેબ ટેક્નોલોજીની દ્રષ્ટિએ અવ્વલ નંબરની શાળા છે. અહીં એક રોબોટ છે દેવી જે માણસની લાગણીઓ સમજવાની કોશિશ કરે છે (એની પાછળ પણ એક સ્ટોરી છે!), અહીં ટેક્નોલોજીની મદદથી અનોખી રીતે શિક્ષણ અપાય છે જેમાં અમુક કોન્સેપ્ટ ખુબ જ અનોખા છે. આ ઉપરાંત ગ્રાન્ડ એફ એમ પાર્ક અને ફ્રીડમ બોક્સના કોન્સેપ્ટ પણ એકદમ હટકે છે. સાથે સાથે રોબોવોરની ઇવેન્ટમાં અલગ ટાઈપના રોબોટ્સ સાથે રોબોટના કાઠિયાવાડી નામો અને કમેન્ટ્રી ફન્ની છે. ડેટા એનાલિટિક્સ અને અમુક મશીનથી કેરિયર પાથ  કેવી રીતે નક્કી કરવો એવો મજેદાર કોન્સ્પેટ છે.  અહીં હોલીવુડના મૂવીની જેમ " ફ્યુચર ફિક્શન"ના નામે ફક્ત ટેક્નોલોજી કે રોબોટ્સ જ નથી,  માણસાઈ છે, ક્લચર છે, સેવા છે, ગામડાઓ છે. 


વધુ એક વાત સરસ લાગી હોય તો ટેક્નોલોજીના હરણફાળ વચ્ચે વાર્તામાં ક્લચરને જાળવી રાખ્યું છે. જેમ કે ફ્યુચર લેબ નવા સેમેસ્ટરના પહેલા દિવસે લંચમાં લાપસી અને મગ આપે છે. ફાઈવ સ્ટાર હોટલના મેનુમાં કુલેર હોય છે. વધુમાં આપણા તહેવારો જન્માષ્ટમી, હોળી, રક્ષાબંધનની ઉજવણી અલગ રીતે ગ્રાન્ડ ઇવેન્ટની જેમ કરી છે જે સ્પેનના ટોમેટો ફેસ્ટિવલની જેમ વિશ્વભરમાં છવાઈ શકે. આ ઉપરાંત આ ભાગ સૌરાષ્ટ્રના પરંપરાગત મેળાઓ, ગીર, માધવપુર વગેરેને આવરી લે છે.  આ ઉપરાંત આ વાર્તમાં સારા કહી શકાય એવા મોટિવેશનલ  અને  સોશિયલ ક્વોટ્સ પણ છે જે યુવા વાંચકોને ખરેખર ગમશે. 


અમુક એમ જ પુસ્તકના ફરીથી પાનાં ફેરવતા મળેલા કવોટ્સ 

 • "કોઈ છોકરી સાથે તમે શબ્દો કરતા આંખો અને મૌનથી વધારે વાતો કરી શકતા હોય તો તમે એના પ્રેમમાં છો એમ માનવું"
 •  "શબ્દોને પૂરતી સ્વતંત્રતા અને સુરક્ષા આપો, કોઈપણ ક્રાંતિ શક્ય છે"
 • "ખુબ રખડો, લોકોને મળો. દુનિયામાં સમય સિવાય કશું અંતિમ સત્ય નથી"
 • "હિંમત દુનિયાની સહુથી મોંઘી અને રેર વસ્તુ છે,   જયારે ડર એ સહુથી સસ્તી અને કોમન વસ્તુ છે"
 • "સ્ત્રીનો સ્પર્શ પુરુષના ઈગો, સમજદારી, ગુસ્સો અને પુરુષાતન બધું ઓગાળી દ્યે છે" 
 • "લાઈફની સૌથી ખરાબ મોમેન્ટ્સમાં તમારી જાતને સ્વસ્થ અને સ્થિર રાખી શકશો તો દુનિયાનું કોઈ કામ અશક્ય નથી".

હજુ આવા ઘણા એક એક વાક્યો છે જે ખરેખર ગમી જાય એવા છે. આ ઉપરાંત સાગર (પાત્ર)ના પુસ્તક છોકરીઓના છપ્પાની અમુક વાતો મસ્ત છે તો અમુક પર ચર્ચા કરી શકાય. 

પુસ્તકમાં શું ગમ્યું? 
 • કવર પેજ 
 • નાના નાના ચેપ્ટર - જેના લીધે તમને પુસ્તક મુકવાનું મન જ ના થાય 
 • "ફ્યુચર ફિક્શન" વાર્તા જે ક્લચર સાથે કનેક્ટેડ હોય. આવું બહુ ઓછું જોવા મળે છે 
 • પાત્રોના સરળ નામો અને ઓછું કન્ફ્યુઝન. 
 • વાર્તાનાના સ્થળો, રાજકોટ તો આપણને ગમે જ સાથે સાથે છેલ્લે ગીર અને માધવપુર આવે એટલે બીજું શું જોઈએ! આ શહેરોની આસપાસ મેઘાણી પછી આખરે આ વાર્તામાં વાંચ્યું. 
શું ના ગમ્યું? 
 • પુસ્તકની લંબાઈ, 512 પાનાનું પુસ્તક છે. જો કે વાર્તામાં ક્યાંય વધુ પડતા જરૂર ના હોય એવા વર્ણનો નથી. હજુ બે ભાગ આવવાના બાકી છે. 
 • અમુક પાત્રોના પ્રવચનો, જે ખરેખર વૈચારિક છે પરંતુ વાર્તાને ધીમા પડતા હોય એવું લાગ્યું. 
આ પુસ્તક વાંચવાનું શરૂ કરો એટલે માનવું મુશ્કેલ થઇ જાય કે આ લેખક રવિ વિરપરિયાનું પહેલું પુસ્તક છે!!  કિશોરો, યુવાનો અને નવા વાંચકો માટે આ પુસ્તક બેસ્ટ છે.  આ પુસ્તક તમે અહીં ક્લિક કરી ખરીદી શકો છો. 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.