શોર્ટ સ્ટોરી - શ્વાન અને માનવ પરિવાર

એ નવો બનેલા રોડને જ મે મારું ઘર કરી લીધેલો. હું જનમ્યો ત્યારે તો ત્યાં એક કેડી હતી અને ફરતે ખેતરો. બાગાયત ખેતરો હોય આંબા અને સરગવા નીચે અમે બહુ રમ્યા. ધીમે ધીમે ખેતરો વેચાયા અને પ્લોટ પડ્યા એમાંથી વચ્ચેથી રસ્તો નીકળ્યો, માણસો આ બાજુ રહેવા આવ્યા. હજુ રસ્તો ક્યાંય જતો નથી એટલે આ બાજુ વાહનો ઓછા આવે. હજુ પણ આ જ મારું ઘર.

રોજ બાજુની સોસાયટીમાંથી માણસો આ રસ્તા પર ચાલવા નીકળે. છોકરાઓ રમવા આવે. અમે ય માણસો સાથે સાથે ચાલીએ. ઘણા માણસોને આ બહુ ગમે, અમારા માટે નાસ્તો પણ લાવે. ઘણાને થોડો ડર લાગે, પથ્થર ઊંચો કરે કે હડ બોલે એટલે અમે સમજી જઈએ કે આને ડર લાગે છે અને અમે દૂર જતા રહીએ.

આજે સાંજે તો આ નવું જ નાનકડું માનવ બાળક સાઇકલમાં બેસીને એના મમ્મી પપ્પા સાથે નીકળ્યું. બાળક રડતું હતું પરંતુ જેવો હું એની પાસે ગયો એ મને જોઈને કિકિયારા કરવા માંડ્યું. બાળકને રમતું જોય મને પણ આનંદ થયો, એના મમ્મી પપ્પાના મોઢા પર પણ સ્માઈલ આવી હોય એવું લાગ્યું. હું પણ પૂછડી પટપટાવતો એની સાથે ચાલ્યો જતો હતો. ઘડીક આગળ તો ઘડીક પાછળ, ઘડીક ડાબી બાજુ તો ઘડીક જમણી બાજુ જાણે બાળક સાથે સંતાકૂકડી રમતો હોઉં. એમના મમ્મીને થોડો મારો ડર લાગ્યો, એને બાળકનું ધ્યાન ભડકાવવા આજુબાજુમાં ઉડતા પક્ષીઓ, પવનમાં ઝૂલતા ઝાડવાઓ વગેરે બતાવ્યા પરંતુ એ તો મને જ જોઈએ કિકિયરા કરતું હતું.

આગળ જતાં મારો "ઇલાકો" પૂરો થઈ જતો હતો. હા અમારામાં પણ ઇલાકા હોય. જો બીજાના ઇલાકામાં જઈએ તો પહેલા તો એ ભસીને ના પડે પણ તો પણ આગળ વધે તો એ ઇલાકાવાળા બધા ભેગા થઈને હુમલો પણ કરી બેસે. વળી પાછું કેવું કે આ ઇલાકો અમારા નાતભાયુને જ લાગુ પડે, બીજા માણસો કે પ્રાણીઓ જાય તો બહુ કાઈ વાંધો ના આવે!

હવે પેલો માનવ પરિવાર મારો ઇલાકો છોડી આગળ ગયો, હું ત્યાં જ સીમાડે ઊભો ઊભો બાળકને જોઈ રહ્યો. બાળક ફરીથી રડી રહ્યું હતું. મને દયા આવી. ત્યાં એમના મમ્મી પપ્પાએ પણ પાછું વળીને મારી સામે જોયું. એમને દરેક પ્રાણીઓની આંખો પરથી જ કરુણા વંચાય જાય. મને થયું બાળકને ખુશ રાખવા માટે મારી એમને જરૂર છે પણ જવું કેવી રીતે, એ "ઇલાકો" બહુ ખતરનાક હતો. તો પણ મે હિમ્મત કરી!

હજુ થોડા જ આગળ વધ્યા ત્યાં જ સામેથી ભસવાનો અવાજ શરૂ થયો, મને કહે ભાગ અહીથી. મે પણ ભસીને કહ્યું આ બાળકને હું ગમુ છું, મને એમની સાથે ચાલવા દ્યો. એમની સાથે હું પાછો જતો રહીશ. પરંતુ હવે દિવસ આથમી રહ્યો હતો. જેમ સાંજ પડે એમ અમારા ઝગડા પણ વધતા જાય. અમારા ભસવાથી બાળક પણ ડરી રહ્યું હતું. મને હવે માહોલ થોડો ગંભીર લાગતો હતો. સામે 4-5 શ્વાનો ભેગા થઈ ગયા હતા. મને થયું કાઈ થશે તો આ માનવ પરિવાર સાથે જ છે. એમનો હું ફેવરિટ છું.
હું જેમ જેમ સાથે આગળ વધતો ગયો એમ ભસવાનાં અવાજો નજીક આવતા ગયા. હું કાઈ વિચારું ત્યાં જ એક શ્વાન ઘસી આવ્યો, બાળક બાજુ એ જાય નહિ એટલે મેં એને બીજી તરફ ભટકવ્યો, પણ હું ઘેરાય ગયો હતો. મે માનવ પરિવાર તરફ જોયું, એ બાળકને બચાવી જલદી જલદી ફરીને પાછા જઈ રહ્યા હતા. હું ઝગડો પૂરો કરી, લંગડાતો લંગડાતો ફરી મારા ઇલાકામાં આવ્યો. જોયું તો બાળક અને માનવ પરિવાર બહું દૂર નીકળી ગયા હતા. મે પાછળથી હાઉ હાઉ કરીને હાકલ મારી પણ એમને પાછું જોયા વગર જ ઝડપ વધારી દીધી! હું એ બાળક અદ્રશ્ય થાય ત્યાં સુધી જોતો રહ્યો...

- અંકિત સાદરિયા

તમને આ વાર્તા ગમી હોય તો જરૂરથી બ્લોગ ફોલો કરજો અને કમેન્ટમાં જણાવજો. શેર કરવાનું ના ભૂલતા. શોર્ટ સ્ટોરી - શ્વાન અને માનવ પરિવાર


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.