કેક ડે - તહેવારોમાં કોમન થતી જતી કેક

કેકનો ઇતિહાસ તપાસવો તો ખરેખર અઘરો છે પણ કેકની જે પ્રમાણેની રેસિપી છે એ પ્રમાણે કેક યુરોપમાંથી જ કાયક બેક થઈને અંગ્રેજો મારફતે આવી હશે. (કે પછી મુઘલો કેક ભારતમાં લાવ્યા? હા હા હા). ધીમે ધીમે આ કેક ભારતમાં આવી પછી મોટા શહેરોમાં આવી (અમુક પરિવારો પ્લેનમાં પણ કેક કાપતા જયારે સામાન્ય લોકોએ કેક શબ્દ પણ નહોતો સાંભળ્યો, ખેરે ..). ધીમે ધીમે કેક ગામડાઓ સુધી પહોંચી ગઈ છે.






આપણે જન્મદિવસ અને એનીવર્સરીએ તો કેક કાપવી કોમન કરી જ દીધી છે. આ ઉપરાંત હવે લગ્નમાં કેક ઘૂસી ગઇ છે. ક્રિશચન (કે જ્યાંથી કેક આવી હોવાનું મનાય છે) એમને લગ્નમાં ખાસ કાંઈ લાંબી વિધિ હોતી નથી એટલે વચ્ચે કેકે સેરેમની કરી નાખે. આપણે 5 કલાકના લગ્નમાં કેક ઘુસાડે, બધા કેક ખવાડવાના ફોટા પાડવા આવે એમાં 2 કલાક એમ જ વધી જાય. સગાઈમાં કેક લાવ્યા હોય અને બીજે જ દિવસે લગ્ન હોય તો પણ કેક તો હોય જ.

હવે ઓફિસની દરેક પાર્ટીમાં, કોઈ નવો જોઈન કરે કે કોઈ છોડીને જાય કેક હોય જ. ગવર્નમેન્ટ ઓફિસોમાં રિટાયરમેન્ટમાં પણ કેક કાપીને વિદાય આપવાનું શરુ થયું છે. આ બધી પાર્ટીઓમાં કેકના રૂપિયા કોણ આપશે એ માટે એક ખાસ કાયદાની જરૂર છે. અમુક જગ્યાએ સોલ્જરીમાં રૂપિયા આપવા પડતા હોય છે. ઉત્સાહી લોકોના વાત વાતમાં કેક કટિંગનું કન્ટ્રીબ્યુશનનો સરવાળો કરો તો નવા નવા જોઈન થયેલાઓનો અડધો પગાર તો એમાં જ જતો રહે.

આ ઉપરાંત આપણા તહેવારોમાં પણ કેક ધીમે ધીમે ઘૂસતી જાય છે. રક્ષાબંધનમાં કેક કાપીને મીઠું મોઢું કરતા જોયા છે અને જન્માષ્ટમીમાં કાનાના બર્થડે પર ઉત્સાહી મોર્ડન ભાવિકોને કેક કાપતા ફોટા જોયા છે. આ ઉપરાંત આજકાલ અલગ અલગ ડેમાં પણ કેક એડ થતી જાય છે વુમન ડે, મધર્સ ડે, વેલેન્ટાઇન ડે, અર્થ ડે, environment ડે બધાના સેલિબ્રેશનમાં ભેગા થયેલા લોકો કેક કાપીને દિવસ ઉજવે છે.

કેક કાપવી કાઈ ખરાબ વાત નથી. મને પોતાને કેક એટલી ભાવે છે કે ગમે એટલી ખાય શકું. આમેય એકદમ ચોકલેટી, સોફ્ટ, સ્વીટ કેક કોને ના ભાવે!! એમાં પણ હવે કેકના અવનવા વર્જન આવે છે. બૉમ્બ વળી કેક , હથોડાવાળી કેક. આજકાલ અલગ અલગ આકારની કેક પણ એટલી નીકળી છે, મોજડી જેવી, સાયકલ જેવી, ફોટા વળી, ઢીંગલી વાળી. હમણાં જ કોઈએ ટ્વીટ કરેલી કે કેકના આકાર એટલા કોમન થઇ જશે કે તમે ઘરે જઈને ઇમોશલ થઈને તમાંરી ઘરવાળીને હગ કરશો તો ખબર પડશે એ તો કેક છે! સરપ્રાઈઝ!!

આજકાલ કેક એટલી કોમન થઈ ગઈ છે અને વજન કે ડાયાબિટીઝના પ્રોબ્લેમના લીધે અડધા ખાલી મોઢે અડાડે છે. આ ઉપરાંત બગાડ પણ બહુ થાય છે. વાત એ છે કે આજકાલ આ કેક કાપીએ એટલે જ ઉજવણી એવું થઈ ગયું છે. જન્મ દિવસમાં કેક ના હોત તો આપણે શું ઉજવણી કરત? કોઈ પણ પ્રસંગમાં કેક કાપતા હોય પહેલા તો "હેપી બર્થ ડે ટુ યુ.." વાળું જ ગીત મગજમાં આવે. પરંતુ રક્ષાબંધન જેવા તહેવારોમાં, ઓફિસ ક્લચરમાં, ફાલતુ ડે સેલિબ્રેટ કરવામાં આપણે કેકને ક્યાંક ને ક્યાંક પરાણે ઘુસાડતા હોય એવું લાગે. ધીમે ધીમે કેક એટલી કોમન થઈ જશે કે બધા તહેવારો, ડે બધું સરખું જ લાગશે..


- અંકિત સાદરીયા



આ બ્લોગ પસંદ હોય તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.