ભારે વરસાદ પછીનો "ઉઘાડ" !

 સતત બે મહિનાથી આકાશમાં વાદળો ઘેરાયેલા છે જાણે ધરતી અને આકાશ વચ્ચે એક મજબૂત વાદળોનું આવરણ બની ગયું છે, પૃથ્વી અવકાશથી અલગ થઈ ગઈ છે! નથી સૂરજ દાદા દેખાતા કે નથી ચાંદામામા દેખાતા કે નથી ઓલા દૂર લબક ઝબક કરતા તરોડિયા દેખાતા. ક્યારેક દેખાય તો ક્ષણભરમાં ઓલા કાળા ડીબાંગ વાદળો ચડી આવે. આખો દિવસ તડકા વિનાનું એકધારું વાતાવરણ દિવસે દિવસે અસહ્ય થતું જાય. જોકે મારા માટે આ નવું નથી, બેંગ્લોર મોટા ભાગે આવું જ રહેતું, અને જીવનમાં પણ!!


Gujarati article on rain

અષાઢમાં જ્યારે વાદળીઓ ચડે ત્યારે આપણું મન નાચી ઉઠે. આગળનો જ આર્ટિકલ વાંચી લો! ધીમે ધીમે આ વાદળો વરસે. લોકોમાં ખેડૂતોમાં હૈયે હરખની હેલી થાય. લોકો આવ મહારાજ આવ કહીને વરસાદનું આહવાન કરે. પરંતુ "વરસાદ હોય કે પ્રેમ, જરૂર કરતાં વધુ વરસો એટલે કિંમત ઘટી જાય". (મારી આ ફેસબુક પોસ્ટ ગુજરાતના હાલના મોસ્ટ પોપ્યુલર લેખક જય વસાવડાએ એમના આર્ટિકલમાં સમાવેલી અને સોશિયલ મીડિયામાં શેર કરેલી). આ વખતે સતત બે મહિનાથી વરસાદ, ઝાપટાં, ઝરમર ચાલુ જ છે. બધાના મનમાં સતત એ જ ચાલે છે કે હવે ઉઘાડ ક્યારે થશે?? ઉઘાડ વગર રોગચાળો ફાટી નીકળે, ખેતરમાં પાક સરખા ના થાય અને વાતાવરણ પણ બોરિંગ લાગવા માંડે!


આ જ પરિસ્થિતિ જીવનમાં પણ થાય છે. તમે ક્યારેક સતત આર્થિક, શારીરિક કે લાગણીઓના વાદળો વચ્ચે ઘેરાતા જાવ છો અને પછી તમારું મન ઉઘાડ ઝંખે છે. એમ થાય કે આ બધું હવે જલદી પૂરું થાય અને મનમાં ખુશીઓ રૂપી ઉઘાડ થાય. ચોમાસાની જેમ જ ક્યારેક ક્યારેક અમુક સમય પછી ઉઘાડ થાય પણ ખરો પરંતુ આ હઠીલા વાદળો ફરીથી ઘેરી લ્યે. 


ચોમાસાનાં વાદળોનો ઉઘાડ કુદરત પર છે આપણે બસ રાહ જોઈ શકીએ, અને ગમે ત્યારે ઉઘાડ થશે એ પણ નિશ્ચિત છે. આ જ રીતે મનના ઉઘાડ માટે પણ આપણે કુદરતના ભરોશે રહી શકીએ? બધો સમયનો ખેલ છે પરંતુ આપણે મનના ઉઘાડ માટે પ્રયત્નો જરૂર કરી શકીએ. ઘણા લોકો મનના દુઃખના વાદળોને દૂર કરવા નશો કરતા હોય છે જે માણસને થોડો ઉઘાડ આપે છે પરંતુ નશો ઉતરતા જ ફરી એ નું એ! મનના ઉઘાડ માટે પહેલું પગથિયું છે એવો માણસ શોધવો જેની સાથે તમે તમારું દુઃખ શેર કરી શકો. જો તમને સતત હૂંફ, લાગણી, પ્રેમ મળતો રહે તો તમે ટકી શકો એને ધીમે ધીમે ઉઘાડ થાય. પરંતુ કેટલાક બદનસીબ લોકોને આ નશીબ નથી હોતું, જીવનમાં દુઃખના વાદળો ઘેરાતા જાય છે ઉપરથી એના વિશેની ચિંતા જરૂર કરતા વધુ દુઃખી કરે છે. ઉઘાડ માટે કોઈ આશા દેખાતી નથી અને માણસ ગુંગળાઈને એક દિવસ જીંદગીને જ અલવિદા કહી દે છે. પરંતુ જો ખરા સમયે કોઈ એક તરણું મળી જાય તો એ દુઃખના વાદળોમાંથી ધીમે ધીમે તમને બહાર કાઢે છે અને તમે સુખ રૂપી સૂર્યપ્રકાશનો આનંદ લઈ શકો છો, તમે અંદરથી સ્વસ્થ થઈ શકો છો.


જીંદગી હોય કે વાતાવરણ, અમુક સમય ઉઘાડ જરૂર આવે છે, જે એક જીવનને નવી ઊર્જા આપે છે. એ પણ નથી ભૂલવાનું કે આ વાદળો પણ એટલા જ અગત્યના છે જે વાવણી કરાવે છે, બીજને ઉગાડે છે પછી મળતો સૂર્યપ્રકાશ બીજને જીવાડે છે!! 

----

તમને આ આર્ટિકલ પણ ગમશે - વરસાદ અને યાદોનો ભીનો સબંધ!

તમને આ પોસ્ટ ગમી હોય તો લિંક તમારા મિત્રોમાં, ફેસબુક, ટ્વીટર, વોટસઅપ પર જરૂરથી શેર કરજો. બ્લોગ ફોલો કરવાનું ના ભૂલતા.


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.