વરસાદ અને યાદોનો ભીનો નીતરતો સબંધ!

બે વાદળ શુ વરસ્યા,
ને ચાર વાદળ શું ગર્જયા? 
કોઈને જામ યાદ આવ્યા તો
કોઈને નામ યાદ આવ્યા...!!!
(હમણાં વાઇરલ થયેલી આ લાઈનો કોને લખી એ નથી ખબર પણ જેને પણ લખ્યું છે, ઘણું લખ્યું છે.)



આ તે કેવું વરસાદ પડે એટલે કાંઈક યાદ આવે! ઠંડી કે ગરમી પડે તો આપણને એટલું કાંઈ અલગ યાદ આવતું નથી. બહુ બહુ તો એ દૂર કરવા માટે ઠંડી કે ગરમ વસ્તુઓ યાદ આવે. વરસાદ એ એક અલગ મિજાજ છે, વરસાદ આખો માહોલ બદલી શકે છે, વરસાદ લાગણીઓ બદલી શકે છે, વરસાદ વિચારો બદલી શકે છે, વરસાદ માણસને બદલી શકે છે! વરસાદ એક જાતે જ સંગીત છે એને જેમ જેમ જોયા કરો, સાંભળ્યા કરો એમ એમ એમાં મંત્રમુગ્ધ થતા જાવ. આકાશ પરથી વરસી રહેલ પાણી, જેમ ધરતીને તરબોળ કરી દ્યે એમ માણસને પણ આખેઆખો ભીંજવી દ્યે. 

પણ અહીં આપણે વાત કરવી છે યાદ કરવાની, વરસાદ આવે એટલે ઉપરની પંક્તિમાં કહ્યું એમ  કૈક યાદ વાવે. કોઈને વાઈન યાદ આવે, કોઈને સ્કોચ! કોઈને ચા તો કોઈને કોફી ! કોઈને ભજીયા તો કોઈને મેગી! આ તો થઇ ફક્ત ખાવા પીવાની વાત. કોઈને કવિતાઓ યાદ આવે તો કોઈને મીઠા સ્મરણવાળા ગીતો! કોઈને બાલ્કનીમાં બેસી સરસ પુસ્તક વાંચવું ગમે તો કોઈકને પત્તે રમવા ગમે. 

એમાં પણ જો ગમતું પાત્ર તમારી સાથે હોય તો, બાઈકમાં  પલળતા પલળતા  કે કારમાં મધુર ગીતો સાથેવિન્ડસ્ક્રીન પર  પડતા પાણી ઉપર ફરતા વાઈપર સાથેની રોડ ટ્રીપ, ક્યાંક ટપરી પર ગરમ ગરમ ચા અને ભજીયા કે મેગી, ગરમ મકાઈ, ક્યાંક ઉભા રહીને આંખમાં આંખ પરોવીને કહેલા વાયદાઓ તો કરેલું તસમસતુ ચુંબન....ટૂંકમાં પરફેક્ટ રેઈની ડેટ. હવે તો આ ડેટની ડેરિંગ સાથે સરસ રીલ પણ બનાવી શકાય! આ જ તો છે જિંદગી, નાની નાની, યાદગાર પળોનો સરવાળો! જો તમને તમારા પ્રિય પાત્ર સાથે આવી ડેટ  માણવાનો  મોકો મળ્યો છે તો વરસાદ વરસતા જ સૌથી પહેલા આ યાદ આવશે! ભલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને કેમેરા એંગલ ના હોવાને લીધે એ સમયે એટલું ફિલ્મી નહિ લાગ્યું હોય પરંતુ તમારી જાતને નસીબવાન માનજો કે તમને આ મોકો મળ્યો. વધુમાં જો આ ડેટ તમે તરુણ  અવસ્થા કે યુવાનીના ઉભરામાં ઉભા હોય ત્યારે માણી  હોય તો સૌથી નશીબદાર માનજો.  "हर किसी को नहीं मिलता यहाँ प्यार ज़िन्दगी में... ". 

જે નસીબવંતા લોકો સાથે જ પ્રિયપાત્ર છે એમને વરસાદમાં કાંઈ યાદ કરવાની જરૂર નથી, પરંતુ વરસાદને સાથે માણવાનું  ના ચુકતા. તમે સિંગલ હોય કે મિંગલ, ગમતી વ્યક્તિ સાથે હોય કે બીજા સાથે, એકલા હોય કે મિત્રો સાથે વરસાદને માણો. પહેલો વરસાદ એ એક ઉત્સવ છે! રૂટિન જિંદગીમાંથી થોડો બ્રેક લઈને વરસાદને ઉજવો. મનગમતું ખાઓ, પીઓ, ફરો, સાંભળો, કરો, વરસાદને યાદગાર બનાવો. ખાસ કરીને પ્રથમ વરસાદને!  આ નાની નાની વાતો જ તમને યંગ અને જીવંત  રાખે છે. બાકી ધીમે ધીમે ગમતી વ્યક્તિ સાથે હોવા છતાં એક બોરિંગ જીંદગીમાં  ક્યાંક ઊંડે ખૂંપતા જશો. વરસાદમાં નામ તો યાદ આવશે પરંતુ ગમતું નહિ હોય! 

જે નસીબના માર્યા લોકો છે જેનું પ્રિયપાત્ર હવે સાથે નથી કે ક્યારેય મળ્યું જ નથી એમના માટે આ "નામ" યાદ આવવાનું છે એ ઘણું આંટીઘૂંટી વાળું છે! કહેવાય છે કે "એકાંતમાં પણ માણસ એકલો હોતો નથી". માણસ હંમેશા કોઈનો સાથ જંખે છે. વરસાદ આવતા જ એ નામ યાદ આવે જેનો એ સાથ જંખે છે, ભૂતકાળમાં ક્યારેક મળ્યો હોય અને હવે સાથે ના હોય અથવા ક્યારેય ના મળ્યો હોય ફક્ત સપના જોયા હોય અને આ સપના જીંદગીભર  ચાલવાના હોય! ઉંમર સાથે ભલે રેઈની ડેટને બદલે ભજીયા યાદ આવે પણ એ ભજીયાની સાથે કોક નામ યાદ આવશે જ જેની સાથે કે જેના હાથના ભજીયા એને ખાવા હશે! એમાં પણ કોઈનું પ્રિય પાત્ર સાથે રહીને આ દુનિયા છોડીને ચાલ્યું ગયું હશે તો વરસાદમાં એમની યાદો આંખોમાં પણ ઘોડાપુર લાવી દેશે.

બસ આ સ્મરણો બધી ઋતુમાં, બધી વખતે નથી થતા, એ વરસતા વરસાદમાં થાય છે અને વરસાદ બંધ થતા ધોવાઈને એક ખૂણે ક્યાંક સચવાય જાય છે અને ફરી ક્યારેક વરસતા વરસાદમાં સામે આવે છે. 

ફરીથી ક્યાંક વાંચેલી આ સરસ લાઈનો યાદ આવી ગઈ 
" તારા વગરના આ શહેરમાં 
    હવે વરસાદ તો પડે છે,
    પરંતુ ફક્ત પાણી વરસે છે, 
    પ્રેમ નહિ! "  
    - અજ્ઞાત 

સાત વર્ષ પહેલા લખેલ તમને આ આર્ટિકલ પણ ગમશે - પહેલો વરસાદ .... અહા !

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.