કોઈ નોટિસ નથી કરતું - ખુશીઓનું સરનામું - 7

કોઈ નોટિસ નથી કરતું - ખુશીઓનું સરનામું - 7
એક દિવસ હું રોજની જેમ જ સાંજે બાઈક લઈને જીમ જઈ રહ્યો હતો . ત્યાં આગળ એક 18-20 વર્ષના છોકરાને ચાલીને જતા જોયો. હંમેશાંની જેમ સહજ ભાવે મેં પૂછ્યું કે આગળ ક્યાંય ડ્રોપ કરી દવ? છોકરો પહેલા તો ડઘાઈ ગયો પછી અચકાતા બોલ્યો કે થોડે જ આગળ જવું છે. મે એનું બેગ જોઈને પૂછ્યું - તું જીમમાં આવે છે ને? એ કહે હા. મે કહ્યુ હું પણ જીમ જ જાવ છું. એ કહે તમે મને ઓળખો છો? મે કહ્યુ હા જીમમાં સરખા સમયે આવ્યો હોય એટલે ધ્યાનમાં તો હોય ને. પછી જીમ આવી ગયું અને હું મારી ચરબી ઘટાડી સ્ટેમીના વધારવામાં તો એ એના સાવ પાતળા શરીરના બાવડા ફુલવવામાં લાગી ગયો.

એક બે દિવસ પછી જીમમાં કસરત પતાવીને હું બેઠો બેઠો પાણી પીતો હતો ત્યાં એ પાણીની બોટલ ભરવા આવ્યો. મે થોડી સ્માઈલ આપી અને કેમ છે પૂછ્યું. એને સામે સ્માઈલ આપી અને બાજુમાં આવી બેઠો. મને કહે એક વાત કહું, જીમમાં આટલા માણસો આવે છે પણ તમારા સિવાય મને કોઈ ઓળખતું નથી, કોઈને ખબર પણ નથી કે હું જીમ આવું છું કે નહિ..

મે કહ્યું - અહી મને ઘણા ઓળખે છે પણ હું કોઈ સાથે વાત નથી કરતો. અહી હું મારી એકલતા શાંતિ માટે આવું છું.

એ કહે એવું નહિ, પણ હું જ્યારથી વડોદરા આવ્યો છું એવું જ લાગે કે જાણે હું કોઈને દેખાતો જ નથી. રૂમમાં કે કોલેજના દોસ્તો બધા એમની રીતે રખડવા જતા રહે જમવા જતા રહે મને કોઈ બોલાવે જ નહિ એવું લાગે. તમે જીમમાં મને નોટિસ કર્યો એટલે નવાઈ લાગી.

મને બહુ કાંઈ સમજાયું નહિ, હકારમાં માથું ધુણાવી કહ્યું તું છ ફૂટનો લાંબો છે એમ કેમ ગાયબ થઇ જાય. થોડી એમ જ વાતચીત કરતા સમાજણુ કે ભાઈ હજુ ગામડેથી અહીં કોલેજ કરવા આવ્યા છે, ભણવામાં હોશિયાર છે. કોઈ રૂમમેટ છે નહીં અને કોલેજમાં કોઈ એને ઓળખતું નથી. બીજી કાંઈ એવી કાંઈ કળા છે નહિ કે લોકો ખુશ થઇ જાય કે ફેન બની જાય.

મેં કહ્યું - આપણે નાના શહેરના મોટાભાગના લોકોનો "સદ્ગુણ" એ હોય છે કે બીજાને નડવું નહિ, આપણે કોઈને આપણા લીધે ડિસ્કમ્ફર્ટ થાય એ આપણને ના ગમે. કોઈને નડીએ નહિ એટલે કોઈ નોટિસ પણ ના કરે ને. ઘણી વખત કોઈ સાથે સામેથી વાત કરવામાં પણ આપણને એમ થાય કે સામેવાળી વ્યક્તિ ડિસ્ટર્બ તો નહિ થઇ જાય ને? રસ્તાની સાઈડમાં પડેલ સુંદર પથ્થર કરતા રસ્તા વચ્ચે નડતરરૂપ પડેલ પથ્થરને લોકો વધુ નોટિસ કરતા હોય છે પણ પછી એ ફેંકાઈ જાય. મેં પૂછ્યું કે તું એવું શું કામ વિચારે છે કે લોકો તને નોટીશ કરે?

એને કહ્યું, બસ એમ જ, લોકો ઓળખતા હોય, આપણને ઇમ્પોર્ટન્સ આપતા હોય એ ગમે.

મેં કહ્યું - આ બાબતે હું એક્પર્ટ તો નથી પણ લોકો તો જ નોટીશ કરે કે ગ્રુપમાં એડ કરે જો તમે એમને કૈક વેલ્યુ પ્રોવાઈડ કરતા હોઈ. કાં તો બહુ અમિર હોય તો ગ્રુપને રૂપિયા પ્રોવાઈડ કરી શકો, કા તો બહુ પોપ્યુલર હોય કે લોકોને તમારી ઓળખાણને લીધે ગર્વ થાય, કા તો ક્રિયેટિવ કે ફન્ની હોય લોકોને તમારી સાથે ખુશી મળે કૈક એવું તો જોઈએ જે જ. પણ તું જે પ્રોબ્લેમ ફેસ કરે છે એ છે "ઈન્ટ્રોવર્ટ". તને જે કોઈ મિત્ર ગમતો હોય એની સાથે સામેથી વાત કર, કોઈ ના જોતું હોય તો પણ પોતાની જાતને હીરો માની અંદરથી ખુશ રહે. કહેવાય છે કે બીજાને ખુશ કરતા પોતાને ખુશ રાખવા જરૂરી હોય છે.

એને કહ્યું આવું બધું પુસ્તકોમાં વાંચ્યું છે. મે કહ્યું આ બધું એ જ છે પણ કોઈક આપણને રૂબરૂમાં કહે તો થોડું અલગ લાગે. પણ ઈમ્પ્લીમેન્ટ કરવા માટે પ્રેક્ટિસ અને સમય જોઈએ. બસ કોઈ હોબીમાં, જેમ કે તું જિમ કરે છે એમાં પ્રોગ્રેસ કર એ તને ખુશી આપશે અને જેમ તું વધુ ખુશ રહીશ એમ લોકો નોટીશ કરશે જ. થોડા વ્યવસ્થિત વાળ કપાવ, સારા કપડાં પહેર ધીમે ધીમે તારો કોન્ફિડન્સ પણ વધશે. બાકી દુખીયા લોકો કોઈને ગમતા હોતા નથી. અને શહેરમાં નવો છો થોડો સમય પસાર કરીશ એટલે તારા જેવા કોઈક તો મળી જ રહેશે ને! આ પછી થોડી જીમની વાતો કરી. બે ત્રણ વખત એમ જ આ મુદ્દે ચર્ચાઓ કરી.

પછી બે મહિના સુધી જીમ જવાનું જ ના થયું. બે મહિના પછી ફરી હું જીમમાં ગયો તો જોયું કે એ છોકરો ટ્રેનર સાથે કૈક વાત કરી રહ્યો હતો. પછી હું હેડફોન લગાવી મારી કસરતો કરવામાં વ્યસ્ત હતો ત્યાં અચાનક એ મારી પાસે આવ્યો. હવે એ પહેલા કરતા વધુ સારા કપડામાં હતો, વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. એના મોઢા પર સ્માઈલ હતી, વાતો કરવામાં થોડું એકસાઈટમેન્ટ હતું અને સામેથી કોઈ સાથે વાત કરવાની હિંમત હતી. કદાચ એને એની ખુશીઓનું સરનામું મળી ગયું. ઘણીવાર ખુશીઓ આપણી અંદર જ છુપાયેલી હોય છે બસ એને બહાર લાવવાની હોય છે.

- અંકિત સાદરીયા.

તમને આ વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો. બ્લોગ ફોલો કરવાનું ના ભૂલતા.

તમને આગળના ખુશીઓના સરનામાંના ભાગ વાંચવા પણ ગમશે -
ખુશીઓનું સરનામું -૧
ખુશીઓનું સરનામું -૨
ખુશીઓનું સરનામું -૩
ખુશીઓનું સરનામું -4
ખુશીઓનું સરનામું -5
ખુશીઓનું સરનામું 6

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.