આપણને કીધુ હોત તો -

આપણી આસપાસ એક એવી પ્રજાતિ છે જે બધી બાબતે એક્સપર્ટ છે પરંતુ આપણને એના વિશે હંમેશા મોડી જ જાણ થાય છે. જ્યારે તમે નવો મોબાઈલ લ્યો અને એમને ખબર પડે એટલે તરત જ કહે કે આપણને કીધુ હોત તો તમે લીધો એનાથી સસ્તામાં કરી દેત. અરે ભાઈ, હજુ મે કેટલામાં લીધો એ પણ કહ્યું નથી. આવું જ નવી ગાડી કે બાઈક લ્યો એટલે ફોન કરે કે આપણને કહેવાયને ફલાણા શો રૂમમાં આપણી ઓળખાણ છે તમે કયો એટલા ઓછા કરી આપત. અરે સામાન્ય શૂઝ લઈને આવો તો પણ આ લોકો પાસે સારી ડીલ હોય જ. બાકી, આમ તો આવા લોકોને બાજુમાં પાનવાળો પણ માવો પહેલા રૂપિયા લઈને પછી જ આપતો હોય.
આવા લોકો મને ઘણી વખત યાદ રહી જાય એટલે કાર લેવી હતી તો ફોન કર્યો કે ભાઈ સસ્તામાં કરાવી દે તો કયે કે હવે તો એ શો રૂમમાં મેનેજર જતો રહ્યો ને, હવે કાઈ ના થાય.

મોબાઈલ માટે પૂછો તો કયે તારે કયો ફોન લેવો છે આપણે કહીએ કે વનપ્લસ તો કહેશે એમાં કાઈ ના થાય, સેમસંગ હોત તો થઈ જાત. પાછા તો કોઈ રીતે વળે જ નહિ એમની પાસે બહાના તૈયાર જ હોય કે નવા મોડલમાં ના મળે, થોડું વહેલું કહેવાય ને, હવે મારો ઓળખીતો મિત્ર બીજે જતો રહ્યો વગેરે. પણ જો તમે એમને પૂછ્યા વગર લો અને એમને ખબર પડે એટલે ફોન આવે જ કે "આપણને કીધુ હોત તો.."

હજુ સસ્તું કરી દેવા ઉપરાંત ક્વોલિટી શોધી આપનાર પણ હોય છે. દિવાળી પર ઘરે આવી ને કહે કે આપણને કીધુ હોત તો બેસ્ટ ક્વોલિટી દુબઈના ડ્રાઈફ્રૂટ સાવ સસ્તામાં લાવી દેત. (તો તું કેમ ના લાવ્યો ભાઈ!). ધોરાજી થી હોલસેલમાં ફટાકડા મંગાવી દેત. લગ્ન માટે શેરવાની, સૂટ, બેન્ડ, ફૂલો વગેરે બધાનું આમની પાસે સેટિંગ હોય પણ એમને પહેલાં ના પૂછ્યું હોય તો જ હો! બાકી પાણીમાં જ બેસી જાય.

વળી આ લોકો અપડેટ પણ બહુ હોય, એમની પાસે દરેક વસ્તુના લેટેસ્ટ મોડેલ અને એમના ભાવની લગભગ ખબર જ હોય એટલે તમે કઈક વસ્તુ લાવ્યા હોય અને એ એમ કહે કે "આપણને કહ્યું હોત તો.." તો તમે પણ એમની વાતમાં આવી જાવ કે હા હો, કદાચ આ કરી આપત. તો હવે આવા મહાનુભાવોને યાદ રાખવા અને કાઈક વસ્તુ લેતા પહેલા એમને એક મેસેજ કરી જોવો 😀

- અંકિત સાદરિયા

તમને આ પોસ્ટ્સ પણ ગમશે

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.