સીમ કાર્ડ વગરનો એક દિવસ -

 સીમ કાર્ડ વગરનો એક દિવસ -



રવિવારની સવારે શાકભાજી લેવા ગયો એમાં લીંબુ લેવાના છે કે નહિ એ પૂછવા ઘરે ફોન કર્યો. ફોન કરીને શાકભાજી લઈને પેમેન્ટ કરવા નેટ ચાલુ કરવા ગયો ત્યાં એરર આવી કે ફોનમાં સીમકાર્ડ નથી. ફોન રીસ્ટાર્ટ કર્યો, એરોપ્લેન મોડ કર્યો પણ ચાલુ ના જ થયું. સદભાગ્યે ખિસ્સામાં કેસ હતા. સવારનું તો નેટને બધું ચાલતું હતું, ખબર નહિ શું થયું!

આગળ ગયો ત્યાં સારા સંતરા વેચાતા હતા. મે વળી પાંચ કિલો લીધા કે સીઝન છે તો ખાઈએ. પછી યાદ આવ્યું કે નેટ તો ચાલતું નથી, આખું પાકીટ ખાલી થઈ ગયું એટલે આગળ કાઈ લેવા કરતાં સીધું ઘરે જ આવતું રહેવાનું યોગ્ય લાગ્યું.

ઘરે આવીને સીમ કાર્ડનું ટેસ્ટિંગ શરૂ કર્યું. ઓનલાઇન સર્ચ કર્યું, અને બધા ઉકા અજમાવી જોયા. વાઇફના મોબાઈલમાં સીમ નાખી જોયું ત્યાં પણ ના ચાલ્યું એટલે ખબર પડી કે સીમમાં જ કઈક પ્રોબ્લેમ છે. રવિવાર હોય એરટેલની ઓફિસ બંધ હતી એટલે એક દિવસ એમ જ ચલાવવાનું હતું. ઘરે વાઇફાઇ હોય થયું કે એક દિવસ તો ચાલશે. આમેય મારે ક્રેડિટ કાર્ડ અને લોન સિવાય કોઈ કોલ ના કરે.. 

સાંજે વળી મોલમાં આંટો મારવા ગયા. હજુ મેક્સમાં શોપિંગ કરવા ગયા જ હતા કે ક્રિયાંશ ભાઈને બહાર જવું હતું. હું બહાર મોલમાં આંટો મારવા લઈ ગયો, પાછું આવીને જોયું તો સ્મિતા શોરૂમમાં ક્યાંય મળતી નહોતી. ફોન કાઢ્યો પણ એ તો ચાલતો નહતો. ટ્રાયલ રૂમ પાસે આંટા માર્યા. હાથમાં છોકરું હોય એટલે છોકરીઓના ટ્રાયલ રૂમ પાસે કોઈ સંકોચ વગર આંટા મારી શકો (પ્રો ટીપ). હજુ ત્યાંથી જવાની તૈયારી જ કરતો હતો ત્યાં એ નીકળી. મે કહ્યુ સાંજે ૭ વાગ્યાની "સેમ બહાદુર" ફિલ્મની ટિકિટ છે જોવા જવું છે? ૬.૪૫ વાગ્યા હતા, ક્રિયાંશને લઈને પહેલા અડધું ફિલ્મ જોયેલું એટલે આ મોટું રિસ્ક હતું. એને હા પાડી એટલે હું ને ક્રિયાંશ ટિકિટ લેવા ગયા.

PVRમાં ટિકિટ બુક કરાવી, મે રૂપિયા કાર્ડથી આપ્યા. ત્યાં વળી એ કહે ટિકિટ તમને એસએમએસમાં આવી જશે. મારા મોબાઈલમાં એસએમએસ નથી આવતા એ હું સમજાવી જ ના શક્યો. એટલે એને એક ચીઠ્ઠીમાં પેનથી સીટ નંબર લખી દીધા. પાછો ટિકિટ લઈને નીચે ગયો ત્યાં ફરીથી માંડ સ્મિતાને શોધી (અમે મળવાનો કોમન પોઇન્ટ નક્કી કરેલો પણ એ ત્યાં નહોતી). પછી એના હોટસ્પોટથી ટિકિટ મળી.
બીજે દિવસે નવું કલોન સીમ લેવું પડ્યું. સીમ એમ કેમ બંધ થઈ ગયું એ હજુ એરટેલને પણ ખબર નથી.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.