2023 - શું નવું આવ્યું, શું બદલાયું?

2023 આમ તો આગળ ત્રણ વર્ષોની સરખામણીમાં નોર્મલ રહ્યું. માસ્ક અને સૅનેટાઇઝરમાંથી સાવ મુક્તિ મળી ગઈ જો કે દર ડિસેમ્બરની જેમ આ ડિસેમ્બરે પણ કોરોનાના ન્યુઝ ચાલુ છે પણ હવે બધું કોઠે  પડી ગયું છે. આ વર્ષ બધી રીતે તેજી વાળું રહ્યું સાથે મોંઘવારી પણ વધી અને મંદીની બીકે પગારમાં કાંઈ ખાસ વધારા ના થયા. ગયા વર્ષે ઈલોન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ અમારા આઇટીમાં બહુ લોકોને બેરોજગાર કર્યા. સામે ચેટ જીપીટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધા ક્ષેત્રમાં ચર્ચાયું. ઓવરઓલ બેરોજગારી પણ વધી. લોકો ઇલેટ્રીક ગાડીઓ અને સ્કૂટર  ખરીદતા થયા પણ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્ર્રકચર એ ઝડપે ડેવલોપ નથી થતું. આ ઉપરાંત ભારતના ચંદ્રયાન મિશનની સફળતાએ એક નવા જ દ્વાર ખોલ્યા. આ વર્ષે એવી ઘણી ઘટનાઓ બની જે આવતા વર્ષોમાં ઘણો બદલાવ લાવશે. તો આ વર્ષ વિવિધ ક્ષેત્રમાં કેવું રહ્યું એ જોઈએ - 

મહત્વની ઘટનાઓ -

  • વર્ષના શરૂઆતમાં જ તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો અને 20000 જેટલા લોકો મૃત્યુ પામ્યા. 
  • હામાસે  ઇઝરાલ પર હુમલો કર્યો અને ઇઝરાયલે વળતો પ્રહાર કર્યો, હજુ આ યુધ્ધ ચાલુ જ છે અને ઘણા નિર્દોષો મૃત્યુ પામ્યાં. 
  • છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલું રશિયા યુક્રેન વોર પણ ચાલુ બંધ થયા કરે છે પણ હવે એ આમ ન્યુઝ બની ગયા છે. 
  • ભારતના ચંદ્રયાન મિશનની સફળતાએ જગતભરમાં વાહ વાહ મેળવી. ચંદ્રના સાઉથ પોલ  પર જનાર ભારત પહેલો દેશ બન્યો. 
  • મોદી સરકારે નવી પાર્લામેન્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. 
  • મણિપુરમાં હિંસા મહિનાઓ સુધી ચાલી. બે મહિલાઓની નગ્ન પરેડવાળા વાઇરલ  વિડીઓએ ત્યાંની પરિસ્થિતિની  ગંભીરતાનો ખ્યાલ આપ્યો.
  • ટાઇટન સબમરીન દરિયાના પેટાળમાં ખોવાઈ ગઈ, એમાં બેસી ટાઇટેનિકના અવશેષ જોવા ગયેલા તમામ લોકો મૃત્યુ પામ્યા. 
  • એક અંદાજ પ્રમાણે ભારતની વસ્તી ચાઈના કરતા વધી ગઈ છે 
  • આજુબાજુમાં હાર્ટ એટેકથી મરનારનું પ્રમાણ વધી રહ્યું છે આ માટેનું સાચું કારણ હજુ કોઈને ખબર નથી.
  • ઉત્તરાખંડમાં 41 જેટલા મજૂરો ટનલમાં ફસાયા હતા લગભગ 400 કલાકના ઓપરેશન પછી એમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. 
ઇલેક્શન્સ 
  • વર્ષની શરૂઆતમાં નોર્થ ઇસ્ટના મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ચૂંટણી થઇ. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપે લોકલ પાર્ટી સાથે મળી સરકાર બનાવી તો મેઘાલયમાં લોકલ પાર્ટીની સરકાર બની. 
  • મેં મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી થઇ જેમાં કોંગ્રેસનો વિજય થયો.
  • વર્ષના અંતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીઓ થઇ. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે વાપસી કરી. તેલંગણામાં કોંગ્રેસની સરકાર બની જયારે મિઝોરમમાં સ્થાનિક પાર્ટી જીતી. 
ટેક્નોલોજી 
  • આ વર્ષ ટેક્નોલોજીનું રહ્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓપન એઆઈ ચર્ચામાં રહ્યા. ચેટ જીપીટીનો ઉપયોગ અને એકયુરેસિ વધી. 
  • માઈક્રોસોફ્ટે ઓપન એઆઈ ખરીદી લીધું. 
  • એઆઇથી બનેલ ફોટાઓ અને વિડિયોએ ચર્ચા જગાવી.
  • ટ્વીટરે  રીબ્રાન્ડ  કરીને નામ એક્સ કર્યું 
  • ટેક કંપનીઓમાંથી કર્માચારીઓની છટણી  ચાલુ રહી. લગભગ બધી મોટી કંપનીઓએ સ્ટાફ ઓછો કર્યો. અંદાજે 20-30 લાખ લોકોએ નોકરી ગુમાવી. 
  • સિલિકોનવેલી બેન્ક ડૂબી ગઈ જેની પણ ઘણી અસર પડી, ખાસ કરીને નવી કમ્પનીઓ, સ્ટાર્ટઅપનું ફાયનાન્સ ખોરવાય ગયું 
  • સોસીયલ મીડિયામાં પેઈડ સ્કીમને વધુ પ્રમોશન મળ્યું, ઓર્ગેનિક રિચ ઘટી. 
ઈકોનોમી 
  • 60000 પોઇન્ટની આસપાસ શરુ થયેલ સેન્સેક્સ 72000 સુધી પહોંચ્યો. 
  • રાંધણ ગેસનો બાટલો 1150 સુધી પહોંચેલો પછી 200 રૂપિયાની રાહત મળી.
  • 24 કેરેટ સોનાનો ભાવ 13% જેવું વધીને 64000એ પહોંચ્યો. 
  • રિયલ એસ્ટેટ પણ મોંઘુ થયું.
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 1 વર્ષથી કોઈ જ ફેરફાર નથી થયો.  ગુજરાતમાં ડીઝલ 92 રૂપિયા આસપાસ અને પેટ્રોલ 96 રૂપિયા આસપાસ છે.
  • પહેલા ટામેટા 200 સુધી પહોંચેલા અને પછી ડુંગળીમાં થોડા સમય સુધી ભાવ વધારો થયો. 
  • વર્ષની શરૂઆતમાં જીરાના ભાવમાં પણ સારો એવો વધારો થયેલો. 
એન્ટરટેઈન્મેન્ટ  
  • કોરોના પછી આ વર્ષે બોલીવુડે વાપસી કરી હોય એવું લાગ્યું. ગદર2 શરૂઆતમાં ખુબ ચાલ્યું પછી શાહરૂખના પઠાણ અને જવાને પણ સારી કમાણી કરી. આ ઉપરાન્ત અત્યારે રણબીર કપૂરના એનિમલે ધૂમ મચાવી છે. 
  • આ સિવાય 12th  ફેઈલ, કટહલ, ઓએમજી2 , સિર્ફ એક બંદા કાફી હૈ, સત્ય પ્રેમ કી કથા, વેક્સીન વોર વગેરે સારા ફિલ્મો આવ્યા. 
  • વેબ સિરીઝમાં પણ રોકેટ બોયઝની બીજી સીઝન, ટવીએફની સંદીપ ભૈયા, એસ્પિરીનસ 2, સ્કેમ 2003, રેલવે મેન,  વગેરે સારી આવી .
  • હોલીવુડમાં આ વખતે બહુ ધ્યાન નથી આપ્યું. ઓપનહેઈમાર  અને બાર્બી ખબર છે ઓસ્કારમાં Everything Everywhere All at Onceને બેસ્ટ ફિલ્મનો એવોડ મળ્યો 
  • RRRના નાચોનાચોને પણ ઓસ્કારમાં બેસ્ટ ઓરીજનલ ગીતનો એવોર્ડ મળ્યો. 
  • આ વર્ષે સાઉથમાં પણ પીએસ2, જેલર વગેરે સારા ફિલ્મો આવ્યા. 
  • ગુજરાતીમાં કચ્છ એક્સપ્રેસ, ૐ મંગલમ  સિંગલમ , ચાલ મન જીતવા જઈએ 2 વગેરે આવ્યા પણ જોવાના બાકી છે. 
ક્રિકેટ 
  • ભારત ફરીથી વન ડે  ક્રિકેટ વર્લ્ડકપ હાર્યું.  ઘર આંગણે રમાયેલ 2023ના વર્લ્ડકપમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે કારમો પરાજય થયો. જો કે કોહલી, રોહિત, બુમરાહ, શમી વગેરે આખા વર્લ્ડકપમાં સારું રમ્યા. કોહલી મેન ઓફ ધ  સિરીઝ બન્યો. 
  • આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સનો ચેન્નાઇ સુપરકિંગ્સ સામે પરાજય થયો. 
  • હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સની ટિમ છોડી ફરીથી મુંબઈ ઇન્ડિયન્સની ટિમ જોઈન કરી અને કેપ્ટન  બન્યો. 
  • ટેસ્ટ ચેમ્પિયનશીપ  ફાયનલમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો.
મારા માટે 


  • આ વર્ષે ક્રિયાંશ ચાલતા અને વાતો કરતા શીખી ગયો હોય, આખું વર્ષ લગભગ એની જ આજુબાજુ રહ્યું. અમે બંને ખુબ રખડ્યા. મોરલા જોયા, રોઝ જોયા, ચકલીઓને ધૂળમાં નહાતી જોઇ, કુતરાના ગલૂડિયાં રમાડ્યા, તળાવમાં પથ્થરો ફેંક્યા, ગારાના રમકડાં બનાવ્યા, પોપટને ઝગડતા જોયા અને કેટલી નવી અનામી રમતો રમી. જાણે એની સાથે હું મારુ બાળપણ ફરીથી જીવતો હોય એવું લાગે. 
  • આ વખતે જન્માષ્ટમી અને દિવાળી સમયે ગામડે પણ સારું એવું રોકાણો. વાડીમાં ઘણા પ્રોગ્રામ કર્યા. કાજુ ડુંગળીનું શાક દાઢે વળગ્યું.
  • આ આખું વર્ષ જીમમાં ગયો. વજન થોડું કંટ્રોલમાં આવ્યું. બોડીશેપ પણ થોડો સુધર્યો. કોરોનામાં ઘટી ગયેલ સ્ટમિના ફરી સરખી થઈ. 
  • આ વર્ષે ચંદ્રકાન્ત બક્ષીનું પેરાલીસીસ, સ્વામી સચ્ચિદાનંદનું ચીન મારી નજરે, ઈકીગાય,  શુધા મૂર્તિનું વાઈઝ એન્ડ અધરવાઇઝ, અંકિત દેસાઈનું લીડરશીપ પર્વ, દિવ્ય પ્રકાશ દૂબેનું ઈબ્નેબતુતી, અશ્વિની ભટ્ટનું કમઠાણ  વગેરે પુસ્તકો વાંચ્યા. મેં વાંચેલા પુસ્તકોના રીવ્યુ તમને આ બ્લોગમાંથી જ મળી રહેશે ( અહીં ક્લિક કરો).
  • ફરવામાં આ વખતે દિવેરની મઢી, કબીરવડ, જાંબુઘોડા, દમણ, પાવાગઢ, પોઇચા, ઉદયપુર, સાપુતારા વગેરે ફર્યો. ઘણા સમય પછી સેલ્ફ ડ્રાઈવ કરીને હિલ સ્ટેશન પર જવાનો મોકો મળ્યો. સાઉથ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું પહેલી વખત ચાખ્યું (જો કે પેટને ના ફાવ્યું). ટ્રાવેલ રીલ જોવા માટે અહી ક્લિક કરો.
  • આ વર્ષે ફરીથી નર્મદા કેમ્પમાં જવાનો મોકો મળ્યો ઘણા જુના મિત્રોને મળ્યો અને નવા મિત્રો બનાવ્યા. 
  • આ વર્ષે ઘણા ફિલ્મો અને સિરીઝ જોઈ, ફ્રેન્ડ્સની બધી સીઝન પુરી કરી. થિયેટરમાં ક્રિયાંશ સાથે હિંમત કરીને સેમ બહાદુર એક જ ફિલ્મ જોઈ.
  • મારો વન પ્લસ 7T મોબાઈલ બંધ થયો. અઠવાડિયું મથવા છતાં રીપેર ના થતા નવો મોબાઈલ સેમસંગ ગેલેક્સી s23 લીધો. સદભાગ્યે મોટાભાગના ડેટા  મળી ગયા.
  • જય વસાવડાની 50મી બર્થડે પાર્ટીમાં જય ભાઈ અને ફેસબુક પર ખાસ બની ગયેલા મિત્રોને મળીને આનંદ થયો.
  • આ વર્ષે મારી યુટ્યુબ ચેનલ " software testing tips and tricks" 1300 ઉપર સબ્સ્ક્રાઇબર્સ પાર કરી ગઇ. 
બ્લોગ માટે 2021 
    • આ વર્ષે 14 જેટલી નવી પોસ્ટ્સ મૂકી, બ્લોગ પાર ટોટલ 67000 જેટલા વ્યૂઝ આવ્યા. ઘણા બધા મિત્રોના બ્લોગને લઈને પર્સનલ મેસેજ પણ આવ્યા. એમાં રખડપટ્ટી વિભાગની સાપુતારાની પોસ્ટ્સ વાંચકોને બહુ ગમી. 
    • ફેસબુક પેજ પર 70000 ફોલોવર્સ જ રહ્યા, રિચ ઘટી.  
    • હજુ આ બ્લોગ ફોલો ના કર્યો હોય તો ફોલો કરો.
    આગલી વાંચવા જેવી પોસ્ટ્સ - 

    ટિપ્પણીઓ નથી:

    Comment with Facebook

    Blogger દ્વારા સંચાલિત.