મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે -
મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે -
કાલે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના કેટ કેટલા વર્ષો અને કેટ કેટલી પેઢીઓની લાંબી રાહ પછી ભગવાન રામનો એમના જ જન્મસ્થળ અયોધ્યા પર ફરીથી ભવ્ય મંદિરમાં સ્થાપન થયું. આ માટે જે જે લોકોએ પ્રયત્નો કર્યા એ બધાનો આભાર માનવો ઘટે. કાલે જાણે ફરી દિવાળી આવી, ભવ્ય શણગાર, રોશની, ફટાકડા, ડીજે સાથે ઉત્સવ ઉજવ્યો. લોકોના મોઢે ફરી રામ વસ્યાં. સાથે સાથે એક ગીત ફેમસ થયું કે મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે. તો તમારી ઝોપડી સુધી, અંતરઆત્મા સુધી રામ ક્યારે આવે?
અયોધ્યામાં તો રામનું સ્થાપન થયું. મોટા ભાગના હિન્દુઓ આ અભૂતપૂર્વ ઘટનાના અહોભાવથી સાક્ષી બન્યા. હવે આશા રાખીએ આપણે આચરણમાં પણ રામને આદર્શ માનીએ. મૂખમે રામ બગલમે છૂરી જેવું ના થાય. મને ખબર છે હવે સાવ રામ રાજ્ય તો છે નહિ પણ અમુક બાબતોમાં આચરણ સુધારી જ શકીએ. સાવકી માતાના લીધે પિતાની એક રિકવેસ્ટથી સાવકા ભાઈ માટે રાજગાદી છોડી જંગલમાં તો ના જઈ શકીએ પણ પ્રોપર્ટી માટે ખોટા ઝગડા ના કરીએ, ભાઈના ખેતરના શેઢા ના દબાવીએ. થોડું મોટું મન રાખી, ભગવાન પર વિશ્વાસ રાખી મહેનત કરીએ. પરાઇ સ્ત્રી, બાળકીઓ પર રામ દ્રષ્ટિ રાખીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, ભય અને અહંકાર પર થોડો કાબૂ મેળવશું ત્યારે જ ઘર સુધી રામ આવશે!
જેમ રામ ભગવાન વાનરોથી માંડી દરેક સૈનિકને સાથે લઈને ચાલ્યા, હનુમાનજીને આટલું મહત્વ આપ્યું એમ તમે તમારી સાથેના લોકોને મહત્વ આપશો, તમારા માટે કામ કરતા લોકો સાથે સારી વર્તણુક રાખશો, તમારાથી નીચે કામ કરતા લોકોને એટલું જ માન આપશો, નાનામાં નાની પોસ્ટ પર કામ કરતા કે કાઈ કામ ના કરતા બેરોજગાર લોકોને પણ હોદો, પ્રતિષ્ઠા, રૂપિયા, શાખ વગેરેથી પર માણસ તરીકે માન સન્માન(જો લાયક હોય તો!) આપશો ત્યારે જ ઘર સુધી રામ આવશે!
આ દેશ રામ રાજ્ય આપણા થકી જ બનશે. આ પ્રજામાં, આપણામાં પેલા દેશ ભક્તિની ભાવમાં જાગૃત થવી જોઈએ. જય શ્રી રામ અને ભારત માતા કી જયની સાથે સાથે આંગણું ચોખ્ખું રાખવું, આપણો કચરો બીજાના આંગણે ના નાખવો, આ જ દેશના રસ્તા પર કચરો ના ફેંકવો કે રસ્તા પર થુકવું નહિ, દેશની સંપતિને નુકશાન ના પહોંચાડવું એવી ભાવના અંદરથી જાગૃત થશે ત્યારે ઘર સુધી રામ આવશે!
કારણ વગર ખોટું બોલવું, કારણ વગર દ્વેષ ભાવ રાખી કોઈને હાની પહોચાડવી, કોઈના શુભ કાર્યોમાં દાખલ દેવી, આનંદ પ્રમોદ ખાતર કોઈને નુકશાન પહોંચાડવું વગેરે રાક્ષસોના જ લક્ષણો છે. આ રાક્ષશો જેમ જેમ ઘટશે અને લોકોમાં દૈવી ગુણો જાગૃત થશે ત્યારે જ ઘર સુધી રામ આવશે!
जिन्ह के कपट दंभ नही माया।
तिन्ह के ह्रदय बसहू रघुराय।।
- मानस
ભગવાનને ત્યાં ચતુરાઈ નથી ચાલતી, ભોળપણ ચાલે છે કારણ કે એ બધું જાણે છે. જેટલા સીધાસાદા બનશો, દુઃખી લોકો, મૂંગા પશુ પક્ષીઓ, વૃક્ષો, માટે કરુણા દ્રષ્ટિ રાખશો, પ્રકૃતિનું જતન અને રક્ષણ કરશો ત્યારે જ ઘર સુધી રામ આવશે!
આવી ઘણી નાની નાની વાતો છે જે આપને કોઈ જ જાતના નુકશાન વગર પણ આચરણમાં મૂકી શકીએ ફક્ત અંદરની સફાઈ કરીને રામને જાગૃત કરવાની જરૂર છે.
- અંકિત સાદરીયા
જો તમને આ પોસ્ટ ગમી હોય તો બ્લોગ જરૂરથી ફોલો કરજો અને મિત્રોમાં શેર કરજો.
આ
- જો તમને આ પોસ્ટ ગમી હોય તો બ્લોગ જરૂરથી ફોલો કરજો અને મિત્રોમાં શેર કરજો.
- આ બ્લોગ તમને ગમે તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
- ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
- ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો
ટિપ્પણીઓ નથી: