ગાલ પચોળિયા થયા !
નવું વર્ષ 2024 હજુ શરુ થઇ રહ્યું છે. આ વર્ષે ઘણા પ્લાન છે. પણ હજુ વર્ષ સરખું ચાલુ થાય એ પહેલા તો 10 જાન્યુઆરી આસપાસ જ એક અનપ્લાન્ડ બીમારીએ એટેક કર્યો. કહેવાય છે કે "એકલા એકલા ખાય એને ગાલ પચોળિયા થાય", પણ વર્ક ફ્રોમ હોમ ચાલતું હોય અને લગ્ન પણ થઇ ગયા હોય એટલે એકલા એકલા ખાવાના કોઈ ચાન્સ ના મળે.
એક દિવસ અચાનક જ સવારે ઉઠીને અરીસા સામે જોયું તો મોઢાનો જમણી બાજુનો ભાગ થોડો બહાર નીકળી ગયેલ અને મોઢાનો આકાર બગડી ગયેલો. દાઢ કે પેઢા કે એવું તો કાંઈ દુખતું નહોતું તો પછી થયું કે આ કેમનું. બાજુમાં જનરલ ડોક્ટરને બતાવી દવા લઇ આવ્યો. રાતે જમીને જોરદાર ઠંડી સાથે તાવ ચડ્યો, આખી રાત તાવ ચડ ઉત્તર થતો હોય એવું રહ્યું. થયું જલ્દી સવાર પડે તો સારું. સવાર પડતા પડતા તો બહુ નબળાઈ પણ આવી ગયેલી. સવારે મોઢા સામે જોયું તો એ ભાગ હજુ વધી ગયો હતો અને ધીમે ધીમે ડાબી બાજુથી પણ ગાલ બહાર નીકળવા માંડ્યા. જમતી વખતે ચાવવામાં પણ જડબું દુખવા માંડ્યું. પહેલા હતું કે આ સોજો કેમ મટશે હવે થયું કે પહેલા તાવ અને નબળાય મટે તો સારું. ફરીથી એ ડોક્ટરને બતાવવા ગયો એને કન્ફ્યુઝ જોઈને થયું કોઈ એમડીને જ બતાવી આવું. એમડી એ ચેક કરી તરત અંગ્રેજીમાં કૈક કહ્યું પછી કહ્યું આપણે દેશી ભાષામાં કહીએ એ ગાલ પચોળિયા છે બીજું કાંઈ નથી.
હવે દવાની સાથે સાથે આયુર્વેદિક સલાહો પણ શરુ થય. ઓનલાઇન જોયું તો બધા "ગંધારો વજ" લગાવવાનું કહેતા હતા. વડોદરામાં આસપાસમાં બહુ શોધ્યું પણ એવું કાંઈ મળ્યું જ નહિ. પછી કાળી જીરી, હળદળનો લેપ તૈયાર થયો. એક તો દાઢી હોય ઉપર લગાવવો પણ અઘરો પડ્યો અને કાઢવામાં તો એથી ય વધારે મહેનત થઇ. કોઈ વળી ધોરી ધૂળ લગાવવાનું કહે, કોઈ કહે ફલાણા ભાઈ હાથ ફેરવી આપે એટલે મટી જાય ( કોઈ સારા બહેન હોત તો ટ્રાય પણ કરત!) બીજી ઘણી જાણી અજાણી વનસ્પતિઓના નામ પણ આવ્યા. બીજે દિવસે તાવ આવવાનો બંધ થયો પણ મોઢું તો ફુલયે જ જતું હતું. પહેલા કાળી જીરીના લેપ કર્યા પછી રાજકોટ જવાનું થયું એટલે ત્યાં આ ગંધારો વજ પણ મળી ગયો તો દવાની સાથે સાથે એના પ્રયોગો ચાલુ રાખ્યા.
નીચનો ફોટો ખાલી એમ જ સ્નેપચેટથી બનાવેલ છે
મારુ મોટું ફુલાયેલું મોઢું જોઈને સ્મિતા પણ હસ્યાં કરતી. મને પણ અવનવા વિચાર આવે કે એને ગાલ પચોળિયા થયા હોય તો એનું મોઢું કેવું લાગે. આલિયા ભટ્ટ, દીપિકા, કેટરીના વેગેરેને થાય તો એ કેવી લાગે. રિતિક રોશન કે ટાઇગર શ્રોફ જેવા સિક્સ પેક વાળાઓને થાય તો એ બોડી ઉપર એમનું મોઢું કેવું લાગે. એ વિચારતા વિચારતા થયું અમારા ગામના ધમભાઈને થાય તો, એનું તો મોઢું એમ જ પેલેથી એવડું છે તો એ સોજીને કેવડું થાય? અને સવારે ઉઠીને મોઢું એવડું થઇ જાય કે ટીશર્ટ જ ના નીકળે તો શું કરવાનું?
આમ તો ગાલ પચોળિયા ની કોઈ ચોક્કસ દવા નથી. જે પ્રમાણે દુખાવો થાય કે તાવ આવે એ પ્રમાણે એની દવા આપે. ધીમે ધીમે વાયરસ મોઢામાં ફેલાતો જાય અને ચોક્કસ સમયે ચરમસીમાએ પહોંચ્યા પછી બોડી રિકવર કરી લે. મોટાભાગે આ રોગ બાળકોને જ થતો હોય છે ચારથી સાત દિવસની અંદર મટી જાય. મોટી ઉંમરનાને થોડો સમય લાગે અને 10 થી 15 દિવસ સુધીમાં માંડ મોઢું સરખું થાય. ગાલ પચોળિયા ઓટોમેટિક મટી જાય એવો રોગ હોય, એને મટાડવા માટે દેશી નુસ્ખા અને અંધશ્રદ્ધા બહુ જ છે. આ પાન લગાવો ચાર દિવસમાં સરખું થઇ જશે, બાળકોને આમ પણ ચાર દિવસમાં રિકવરી આવવા જ માંડે. એટલે આવા નુસ્ખા કરવા કરતા ડોક્ટરને બતાવી જોવું હિતાવહ છે. હવે તો બાળકોને આની રસી આપયેલી જ હોય છે (કદાચ મને પણ મુકાયેલી જ) પણ આજકાલ થોડા મોડીફાઇડ વર્જન આવતા જ રહે છે.
ટિપ્પણીઓ નથી: