રખડપટ્ટી - સાપુતારા - ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન

આમ તો રખડપટ્ટી વિભાગમાં હમણાં લખવાનો સમય મળતો નથી ફોટા ઇન્સ્ટાગ્રામ (ફોલો કરવા અહીં ક્લિક કરો) પર મૂકી દઉં  છું પરંતુ સાપુતારાનો અનુભવ સારો રહ્યો વળી ઘણા મિત્રોએ કેવી રીતે જવું શું જોવું વગેરે પૂછ્યું એટલે થયું કે એક પોસ્ટ તો બને જ! 

સાપુતારા - આ નામ સાંભળતા જ યાદ આવે કે પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવતું "સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે જે ડાંગ જિલ્લમાં આવેલું છે.  લોકો ત્યાં ઉનાળામાં "હવા" ખાવા માટે જાય છે" ત્યારે થતું સાલું આવી હવા ખાવાની શી જરૂર પડતી હશે! એમ થતું કે આપણે પણ મોટા થઈને ત્યાં જશું પણ ડાંગ જિલ્લો આટલો દૂર હશે એ ક્યાં ખબર હતી. સાપુતારા પહોંચતા પહેલા બે ત્રણ વખત આબુ, બે વખત ઊટી , કોડાઇ કેનાલ, મુન્નાર વગેરે સાઉથના ઘણા હિલ સ્ટેશન પર જઈ  આવ્યો. સાપુતારા જવાનો રોમાંચ એટલે હતો કે આ વખતે સેલ્ફ ડ્રાઈવ  કરીને હિલ સ્ટેશન પર જવું હતું, ટેકરીઓના વાંકાચૂકા રોડ પર, સાઈટ સીઇંગ ના ભયાનક રોડ પર જાતે કાર ચલાવવી હતી એટલે આ નાનું અને નજીકનું હિલસ્ટેશન શરૂઆત કરવા માટે પરફેક્ટ હતું. 
સાપુતારા કેવી રીતે પહોંચવું? 


વડોદરાથી સાપુતારાનો રોડ એકદમ સરસ છે, વળી અમને ભરૂચ પાસેનો ટ્રાફિક પણ ના નડ્યો એટલે અમે સમય કરતા વહેલા હતા. સાપુતારા નજીક આવતા 40 કિમિ જેવું ચડાણ  છે પણ અઘરા કહી શકાય એવા વાંકા ચુકા પાસ બે ત્રણ જ છે. વળી રોડ સિંગલ લેનનો છે પણ પહોળો છે એટલે રેગ્યુલર ડ્રાંઇવિંગ કરતા હોય તો જઈ  શકાય. બાકી વડોદરા, સુરતથી બસથી પણ જઈ  શકો અને ત્યાં જઈને રીક્ષા કે બાઈક ભાડે લઈને ફરી શકો છો. ગુગલ મેપ પરફેક્ટ રસ્તો બતાવે છે. 


અમે સવારે સવા છ વાગ્યા આસપાસ વડોદરાથી નીકળ્યા. ચીખલી પાસે પ્રખ્યાત જલારામના ખમણ ખાવા ઉભા રહ્યા. ખમણ કરતા દાળ સમોસા અને પાત્રા  ખાવાની મજા પડી, ચા પણ એકદમ તાજી અને મસાલેદાર હતી.  ત્યાંથી આગળ સાપુતારા બાજુ ગયા તો સરસ ફ્રૂટ મળી ગયા. અમે લગભગ 12 વાગ્યા આસપાસ પહોંચી જ ગયા હતા ત્યાં માલેગાઉ પાસે કોઈ એક્સીડંટ થયેલું અને કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા. પહેલી વખત હિલવાળા રોડ પર ચડાણમાં ગાડી ઉભી રાખવી પડી. અમે લગભગ 1 વાગ્યા આસપાસ સાપુતારા પહોંચી ગયા. 


સાપુતારામાં ક્યાં રહેવું? 

સાપુતારામાં પહેલેથી એકેય હોટેલ બુક કરી ના હતી. મંગળવારનો દિવસ હોય થયું કે મળી જ જશે. ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ સાથે પણ વાત થયેલી અને એમને કહેલું મળી જશે. પહેલી વખત સાપુતારા ગયો હોય રિસોર્ટમાં નહોતું રોકાવું. ત્યાં સાપુતારાથી ચાર પાંચ કિમિ પહેલા ટેન્ટ એન્ડ એડવેન્ચર પાર્ક પણ છે.  લગ્નની સીઝન ચાલતી હોય લોર્ડ્સ અને પતંગ જેવી મોટી હોટેલો ડેસ્ટિનેશન વેડિંગને લીધે બુક હતી. સાપુતારામાં પ્રવેશતા જ ગુજરાત ટુરિઝમની હોટેલ તોરણ છે તો ત્યાં રૂમ  જોયા અને ત્યાં જ રાખી લીધા. સવારનો નાસ્તો અને એક વખતનું જમવાનું એમના તરફથી હતું અને એ ખુબ જ સરસ હતું, ફ્રેશ અને સ્વાદિષ્ટ. 


સાપુતારામાં જોવાલાયક સ્થળો? 


સાપુતારામાં મોટા હિલ સ્ટેશનની સરખામણીમાં ફરવા લાયક સ્થળો ઓછા છે અને બે પાંચ કિલોમીટરની અંદર જ છે. બપોરે પહોંચીને અમે બાજુના માર્કેટમાં આંટો માર્યો અને કૈક ખાવાનું શોધ્યું પછી સાંજે સનસેટ પોઇન્ટ જઈને લેક પાસેના ગાર્ડન ગયા. સવારે સનરાઈઝ પોઇન્ટ ગયા પરંતુ કન્સ્ટ્રક્શનના લીધે  એ બંધ હતું એટલે હતગડ ફોર્ટ જવાનું નક્કી કર્યું જે મહારાષ્ટ બોર્ડર પર છે. ત્યાંથી પરત ફરી અમે લેક પાસે બેઠા બેઠા ફ્રેશ સ્ટ્રોબેરી ખાધી. સાંજે અમે ગવર્નર હિલ કે ટેબલ પોઇન્ટ જે કહો ત્યાં ગયા, સ્ટેપ ગાર્ડન જોયો અને રાત્રે લેક પાસેની રોશની જોય અને સવારે સ્ટ્રોબેરી ખરીદી ગીરા  વોટરફોલ પહોંચી ગયા અને ત્યાંથી પાછા ઘરે. 


ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ શકો છો.1. ટેબલ પોઇન્ટ કે ગવર્નર હિલ 

\આ સાપુતારાનો ફેમસ પોઇન્ટ છે,  અહીંથી એક બાજુ સાપુતારા અને એક બાજુ સનસેટ જોઈ શકો છો. અહીં ઘોડા,ઊંટ, જીપ, સાયકલ વગેરે પાર બેસી ફોટા પડાવી શકો છો. અહીંથી સનસેટ પોઇન્ટ જવા માટે રોપ વે પણ છે. રોપ વે થી નીચેનો વ્યુ કે સનસેટ માણી  શકો છો. પ્લેસ બોવ ક્રાઉડેડ હોય છે અને વધુ પડતા સ્ટોલને લીધે વ્યૂઝ પણ ઢંકાઈ જાય છે. અહીંથી ટ્રેકિંગ કરી આગળની ટેકરીઓ પર પણ જઈ  શકો છો. અહીંથી પેરા ગ્લાઈડિંગ પણ થાય છે.  


2. સનસેટ પોઇન્ટ 

અહીં જવા માટેનો રસ્તો હાલ તો બંધ કરી દીધો છે એટલે નીચે વાહન પાર્ક કરી એકાદ કિલોમીટર ચાલવું પડે. પણ રસ્તામાંથી સાપુતારા લેક અને ગ્રાઉન્ડના વ્યુ સરસ આવે. ઉપર હજુ કન્સ્ટ્રક્શન ચાલતું હોય બેસવા માટે બોવ કાંઈ જગ્યા નથી પણ કન્સ્ટ્રકશન પછી સરસ બની જશે. અહીં ગવર્નર હિલથી રોપ વેમાં બેસીને પણ આવી શકો છો.  


3. સાપુતારા લેક અને લેક ગાર્ડન 

બધા હિલ સ્ટેશનની જેમ વચ્ચે સાપુતારા લેક છે. લેક મોટું એવું છે અને ફરતે ગાર્ડન છે. લેકમાં બોટિંગ પણ થાય છે. સવારે અને સાંજે લેકનો નજારો અલગ હોય છે. આજુબાજુમાં ખાણીપીણીના પણ ઘણા સ્ટોલ અને દુકાનો છે. 


4. સન રાઇઝ પોઇન્ટ 

અમે ગયેલા ત્યારે આ પોઇન્ટ કન્સ્ટ્રક્શનના લીધે બંધ હતો. આ બાજુ પણ એક પેરાગ્લાઇડિંગ કરવા માટે પોઇન્ટ છે. 


5. હતગડ ફોર્ટ 

અહીં પહોંચવા માટેનું ગુગલ લોકેશન ખોટું છે એટલે હતગડ ગામ પાસે કોઈને પૂછી લેવું. આ સ્થળ મહારાષ્ટ્રની અંદર આવે છે એટલે વચ્ચે ચેકપોસ્ટ આવશે. આ મને ત્યાં સૌથી ગમેલું અને સમય પસાર કરી શકાય એવું સ્થળ છે. ત્યાં પહોંચવા માટે પહેલા એકાદ કિમિ નો સાવ સિંગલ રસ્તો છે અને ત્યાંથી એકાદ કિમિ જેવું કિલ્લા પાર ચઢવા ટ્રેકિંગ કરવું પડે. પણ ઉપરથી વ્યુ અફલાતૂન છે. એમ થાય કે ત્યાં બેસીને કુદરતને માણ્યા  જ કરીએ. આ પોઇન્ટ પર અમારા સિવાય કોઈ નહોતું!  જો કે અમે નીચે ઉતાર્યા ત્યારે અમુક લોકો આવતા હતા. 


6. સ્ટેપ ગાર્ડન 

આ સનસેટ પોઇન્ટ બાજુ જતા જ સાપુતારામાં જ ગાર્ડન છે. ગાર્ડન નાનકડું છે પણ ત્યાં બેસીને સારા વ્યુ જોઈ શકાય છે. ફોટોગ્રાફી કે રીલ્સ બનાવવાની પણ માજા આવે એવું છે. 


7. માર્કેટ 

સાપુતારામાં જ બસસ્ટેન્ડ પાસેના સર્કલ પાસે એક માર્કેટ છે જ્યાં વાંસની બનેલી વસ્તુઓ અને સારી કિસમિસ (સૂકી દ્રાક્ષ) મળી રહે છે. અમે ગયેલા ત્યારે એક્ટિવિટી પાર્ક પાસે લેકની સામે પણ આવા ઘણા સ્ટોલ હતા. 


8. ગીરા  વોટરફોલ 

સાપુતારા જતા જ સાપુતારાથી 50-60 કિમિ પહેલા જ રસ્તામાં આ વોટરફોલ આવે છે એટલે જતી વખતે કે રિટર્નમાં અનુકૂળતા પ્રમાણે વિઝીટ કરી શકાય. બહુ મજા આવે આવી જગ્યા છે. 500-600 મીટર નીચે ઉતારીને જવું પડે. ચોમાસામાં વધુ પાણી હોય નજીક ના જઈ  શકાય પરંતુ એક કરતા વધુ ધોધ જોવા મળે. ઓક્ટોબર પછી વરસાદ ના થયો હોય તો ફોલની સામે સુધી જઈ  શકો. મને આ સ્થળ પણ બહુ જ ગમેલું, એમ થાય બસ અહીં એકડા સારા પથ્થર પાર બેસીને અવિરત પડતા પાણીને જોતા રહીએ. 


9. પાંડવ ગુફા કે એવીઅન કેવ

આ સ્થળ વિષે પહેલા ખબર નહોતી ઇન્સ્ટાગ્રામ પર પાર્થ ભાઈએ સજેસ્ટ કરેલું અને પછી મેનેજ થાય એમ ના હોય નેક્સ્ટ વિઝીટ માટે બાકી રાખી દીધું .  

આ બધા સ્થાળોના અને બીજા સરસ રખડપટ્ટીના ફોટો અને રીલ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા.  


સાપુતારા ક્યારે જવું?

આમ તો લોકો સાપુતારા ચોમાસામાં જવા માટે કહે છે. ચોમાસામાં ઘણા બધા વોટરફોલ અને સારી એવી ગ્રીનરી જોઈ શકો. ઓક્ટોબરમાં પાણી અને ફૂલો બંને જોઈ શકો. બાકી નવેમ્બર ડિસેમ્બર પણ બેસ્ટ છે, ઠંડીની હજુ શરૂઆત હોય છે અને સ્ટ્રોબેરીની મોસમ હોય છે એટલે ફ્રેશ સ્ટ્રોબેરી મન ભરીને ખાય શકો. 


સાપુતારામાં જમવા માટે? 

સાપુતારામાં ત્યાંનું સ્પેશિયલ ડાંગી ભોજન સાપુતારાની પહેલા એક ડાંગી રેસ્ટોરન્ટમાં મળી રહે છે બાકી સાપુતારામાં દરેક હિલસ્ટેશનની જેમ મેગીએ ભરડો લીધો છે. આ ઉપરાંત પકોડા, ઈંડા વગેરેની લારીઓ મળી રહે. ગુજરાતી થાળી માટે મને હોટેલ તોરણની થાળી સારી લાગી. તમે ત્યાં રોકાયા ના હોય તો પણ અલગથી જામી શકો.  આ ઉપરાંત અમુક મોર્ડન કાફે અને પીઝા પોઇન્ટ છે. બાકી ફૂડ બહુ એક્સપ્લોર નથી કર્યું.  રસ્તામાં ચીખલીના ખમણ અને શિયાળામાં જતા હોય તો સાઉથ ગુજરાતની પ્રખ્યાત વાનગી ઉબાડિયું ટ્રાય  કરી શકાય. 


બીજા રખડપટ્ટીના અનુભવો - 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.