રખડપટ્ટી - સિક્કિમ દાર્જિલિંગ ટ્રીપ

2020માં બેંગ્લોરથી ગુજરાત આવી ગયા પછી પહેલા કોરોના અને પછી ક્રિયાંશ નાનો હોય ગુજરાતમાં કાર લઈને આસપાસમાં ઘણું ફર્યા પરંતુ કોઈ મોટી ટ્રીપ નહોતી કરી. આ વખતે નોર્થમાં ક્યાંક જવાની ઈચ્છા હતી. બેંગ્લોરથી મિત્ર નીરવનો ફોન આવ્યો કે સાથે ક્યાંય ફરવા જવું હોય તો જઈએ, અમે પણ કોઈ કંપની શોધતા હતા. એમની છોકરી પણ ક્રિયાંશ જેવડી જ હોય થયું ક્રિયાંશને પણ મજા આવશે. થોડું સર્ચ કર્યા પછી કાશ્મીર, મનાલી અને દાર્જિલિંગ ઓપ્શન હતા. દાર્જિલિંગ એરપોર્ટથી નજીક થતું હોય, થયું વધુ ટ્રાવેલ નહિ કરવું પડે એટલે એ નક્કી કર્યું. જયારે નક્કી કર્યું ત્યારે ખબર નહોતી કે એ એકદમ નોર્થઇસ્ટ છે અને સિક્કિમથી નજીક છે. પછી ગંગટોક અને દાર્જલિંગ બંને નક્કી કર્યા. નોર્થ ઇસ્ટમાં સિલિગુડી કોરિડોર કે જે ચિકન નેક તરીકે ઓળખાય છે ત્યાં ફરવા જવાનું મારા ચેકલીસ્ટમાં પણ હતું. અમે એક્ઝેટ ત્યાં જ  જઈ રહ્યા છીએ એ બુકીંગ થયા પછી ખબર પડી. 

અમારી ફ્લાઇટ વડોદરાથી વાયા દિલ્લી બાગડોગરાની હતી. અમે બપોર સુધીમાં બાગડોગરા પહોંચી ગયા. ત્યાં જઈને ખબર પડી કે ગંગટોક જવાનો સીધો રસ્તો બંધ છે. અમુક ટેક્સીવાળા કહે કે અત્યારે ત્યાં નહિ જઈ શકો. સિક્કિમ ટુરિઝમના કાઉન્ટર પર પૂછપરછ કરી તો કહે બીજા થોડા લાંબા રસ્તાથી જઈ શકાશે પણ થોડું વધુ ભાડું લેશે. અમે ઇન્નોવા કાર ભાડે કરી પણ આ રસ્તો બહુ લાંબો લાગ્યો અને રાતે અમે ગંગટોક પહોંચ્યા. અમે બહુ કાંઈ પ્લાનિંગ કર્યું નહોતું. ત્રણ રાત ગંગટોકમાં અને ત્રણ રાત દાર્જલિંગમાં બુક કરેલી. 


ગંગટોકમાં પહેલો દિવસ અમે ગંગટોક વિઝીટ માટે રાખેલો. અમે આ પહાડોના ખોળામાં રમતા નગરને માણ્યું. ત્યાં પહેલા જ પોઇન્ટ પર તાજા પાઈનેપલ અને પાણીપુરી ખાધા. સરપ્રાઈઝિંગલી આસામમાં પણ પાણીપુરી મસ્ત મળે છે. ત્યાંના ફેમસ પોઇન્ટ જોયા એમાં રોપ વે માં બેસવાનો અનુભવ સરસ રહ્યો. રોપ વે થી આખા શહેરનો ટોપ વ્યુ જોઈ શકો. આ ઉપરાંત મેં બૌદ્ધ મોનેસ્ટરી પણ પહેલી વખત જોઈ. આખા શહેરની ચોખ્ખાઈ ખુબ જ સરસ છે. ત્યાંનો mg road એકદમ ચોખ્ખો અને ખુબ જ સરસ બનાવેલ છે. ત્યાં ગમે એટલી વાર આંટા મારો કંટાળો જ નહિ. બહુ બધી બેકરી શોપ છે. પછી ખબર પડી કે ત્યાં કસીનો પણ છે તો રાત્રે કસીનોમાં જવાનું નક્કી કર્યું. ત્યાં આલ્કોહોલ લીગલ જ નહિ સસ્તું પણ છે ઉપરથી કેસિનો પણ અલાઉડ છે છતાં પણ ગંગટોક રાતે સેફ લાગ્યું. 


બીજા દિવસે અમે જુના સિલ્ક રૂટ પર ત્સોમગો લેક, નથુલા પાસ અને બાબા મંદિર જવાનું નક્કી કર્યું. છોકરાઓ નાના હોઈ વધુ ઊંચાઈ પર ઓક્સિજનનો પ્રોબ્લેમ થઇ શકે એટલે ધ્યાન રાખવું જરૂરી હતું. ત્સોમગો લેક અત્યાર સુધીનું જોયેલ સુંદર તળાવ. ફરતી બાજુ બર્ફીલા પહાડોની વચ્ચે તળાવનું બ્લુ પાણી, એમાં પડતા પહાડોના પડછાયા મનમોહક હતા. ત્યાં ઘણા બધા યાક પણ જોયા. ત્યાંથી આગળ બાબા મંદિર ગયા જ્યાં હરભજન સિંહ કરીને એક આર્મીના જવાનનું મંદિર છે. વચ્ચે સુંદર બરફના પહાડો જોયા, બીજું એક તળાવ પણ જોયું, બરફમાં થોડીવાર રમ્યા. ક્રિયાંશના હાથ તમતમી ગયા. જીંદગીમાં  પહેલી વખત મેં સાચા કુદરતી બરફને સ્પર્શ્યો. જિંદગીનું વધુ એક ચેકલીસ્ટ પૂરું થયું. (વાંચો - પહેલી વખત બરફ જોયો)


 ત્રીજે દિવસે અમે ગંગટોકથી દાર્જિલિંગ જવા નીકળ્યા. થોડા વધુ દિવસો હોય અને સાથે નાના બાળકો ના હોય તો નોર્થ સિક્કિમ પણ કવર કરી શકાય. અમે "રોંઢા" સુધીમાં દાર્જલિંગ પહોંચી ગયા. દાર્જલિંગમાં બહુ વરસાદ પડી રહ્યો હતો. અહીં અમે એક હોમસ્ટે બુક કરેલું. જ્યાં સુધી ગાડી જઈ  શકે ત્યાંથી હોમસ્ટે 10 મિનિટ ચાલીને જવાનું હતું. હોમસ્ટેના માલિક અમને પીકઅપ કરવા આવેલા અને સાથે છત્રીઓ પણ લાવેલા એટલે વાંધો ના આવ્યો. ત્યાં પહોંચીને હોમસ્ટે અને ત્યાંનો વ્યૂ જોયા પછી બધો થાક ઉતારી ગયો. રૂમની બહાર અગાસી પરથી સામે સીધો હિમાલય દેખાતો હતો. આકાશ સાફ હોય તો કાંચનજંઘા પર્વત પણ દેખાય. તેઓએ અમારી રિકવેસ્ટ પર એકદમ મસ્ત ચાઉમીન બનાવી આપ્યા. આજસુધીના એ બેસ્ટ ચાઉમીન હતા. સાંજે વરસાદમાં જ હોમસ્ટે વાળા ભાઈ સાથે અમે પણ દાર્જલિંગમાં આંટો મારી આવ્યા અને એમની સાથે ઘણી વાતો કરી. સાંજે જમવાનું પણ એમને ખુબ જ સરસ બનાવેલું અને આટલા વરસાદમાં એ અમારા માટે ફેવરિટ શોપમાંથી "રોસગુલ્લા" લેવા ગયેલા! 


ચોથો દિવસ અમે દાર્જલિંગમાં ફરવા માટે રાખેલો. ત્યાંના ફેમસ પોઇન્ટ જાપાનીઝ ટેમ્પલ, બૌદ્ધ સ્ટેચ્યુ, રોક ગાર્ડન, ટાઇગર હિલ  વગેરે જોવાના હતા. આ દિવસ પણ યાદગાર રહ્યો. બપોરે રોક ગાર્ડનથી પાછા ફરતી વખતે એકદમ બરફના કરા સાથે વરસાદ પડ્યો. ચડાણ બહુ આકરું હતું બધી ગાડીઓ ફસાઈ ગઈ. હું નીરવ    કારમાંથી ઉતરીને ઠંડા પાણીમાં ચાલતા ચાલતા આગળ ગયા. રસ્તામાંથી બરફ સાફ થયો પછી અમે ત્યાંની એક  ફેમસ સાન્ટા બાન્ટા હોટલમાં મોમોઝ, નુડલ્સ વગેરે ખાધું પણ એટલું ખાસ ના લાગ્યું.  ત્યાંથી ટાઇગર હિલ ગયા જ્યાં બહુ ધુમ્મસના લીધે કાંઈ જોઈ શકાય એમ જ ના હતું. અમે ટોય ટ્રેનમાં બેસવાનું ટાળ્યું, થોડી ભીડ પણ હતી અને અવાજ પણ બહુ કરતી હતી અને મોંઘી પણ છે. સાંજે ફરી અમે હોમસ્ટેમા જ ભોજન લીધું અને એ એકદમ ફ્રેશ અને ટેસ્ટી હતું. ક્રિયાંશ તો હોમસ્ટેવાળાની છોકરી સાથે રમવા પણ માંડ્યો. એ છોકરી નેપાળી બોલાતી અને ક્રિયાંશ ગુજરાતી બોલે તો પણ બંને વાતો કરતા, છોકરાઓને ભાષાનું બેરિયર નથી નડતું! 

પાંચમા દિવસે અમે બાળકો માટે ઝૂ જોવાનો અને પછી ત્યાં મોલ રોડ જવાનું નક્કી કર્યું. અહીંનું ઝૂ ખુબ જ સરસ છે. અહીં હિમાલયમાં જોવા મળતા ઘણા પ્રાણીઓ છે જેમ કે યાક, હિમાલયન ગોટ, બિલાડી વગેરે. અમુક સરસ પક્ષીઓ પણ છે. અહીં પહેલી વખત રેડ પાંડા પણ જોયું. આ શિયાળિયાં જેવું પ્રાણી એકદમ સરસ લાગે અને એનું મોઢું પાંડા જેવું જ હોય છે. ત્યાંથી અમે મોલ રોડ ગયા. એકદમ ચોખ્ખો અને સરસ રોડ છે. ગરમ કપડાં, છત્રીઓ વગેરે મળી રહે. રાત્રે અમે અમારા હોમસ્ટેમા સ્પેશિયલ મોમો અને ચાઉમીન બનાવવાનો ઓર્ડર આપેલો. આજસુધીના બેસ્ટ મોમોઝ ખાધા. ગંગટોક અને દાર્જીલિંગમાં બહાર અમે ઘણી જગ્યાએ મોમોઝ ટ્રાય  કરેલા પણ આ સૌથી બેસ્ટ હતા. એમના તરફથી પાસ્તા વગેરે પણ વધારાનું બનાવેલું. છોકરાવ માટે દાળ રોટી પણ બનાવી આપતા. 

છેલ્લે દિવસે અમે એમનો આભાર માનીને ફરી બાગડોગરા એરપોર્ટ જવા નીકળ્યા આ વખતે ફ્લાઇટ સીધી અમદાવાદની હતી. અમદાવાદ એરપોર્ટથી બસસ્ટેન્ડ ગયા ત્યાંથી જે એસ ટી ઉપડતી હતી એમાં જ બેસીને વડોદરા પહોંચી ગયા. 


સિક્કિમ દાર્જિલિંગ ક્યારે ફરવા જવું?

ત્યાં ઠંડી બહુ હોય છે એટલે ઓક્ટોબરથી માર્ચ સુધી ટાળવું. માર્ચ એપ્રિલ બેસ્ટ છે. ચોમાસામાં લેન્ડ સ્લાઈડ થતી રહે છે તો ત્યારે પણ બને ત્યાં સુધી ના જવું. બાકી વાતાવરણ મસ્ત  હોય છે.


ત્યાં જમવા માટે શું કરવું? 

અમે તો ત્યાં એટલા દિવસ નુડલ્સ, ચાઉમીન, મોમોઝ વગેરે વધુ ખાધું, ફ્રુટસ પણ મળી રહે. જમવામાં બંને જગ્યાએ પંજાબી હોટેલ મળી રહે એટલે ફુલ્કા રોટલી, દાળ, રાઈસ, પંજાબી શાક વગેરે મળી રહે. છોકારાઓને દાળ અને રોટલી ફાવી ગયેલા. અમે શું શું ખાધું એની એક રીલ પણ ઇંસ્ટાગ્રામ માં મૂકી છે એ જોજો. દાર્જલિંગમાં તો અમે એકાદ જગ્યાએ ગુજરાતી થાળીનું પણ બોર્ડ જોયેલું. 

---------------

ઇન્સ્ટાગ્રામ પર અહીં ક્લિક કરી ફોલો  કરો.
(વધુ માહિતી માટે મને ફેસબુકઇન્સ્તાગ્રામ  કે ટવીટર પર ફોલો કરી મેસેજ કરી શકો :) )  

અહી ક્લિક કરી બધી રખડપટ્ટીની પોસ્ટ વાંચી શકો છો .

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.