બુકરીવ્યુ - બક્ષીનામા - ચંદ્રકાન્ત બક્ષી
બક્ષીનામા, આ ગુજરાતની સૌથી વધુ વેચાતી અને વંચાતી બુક વાંચવાની ઘણા સમયથી ઈચ્છા હતી. નાનપણમાં કદાચ થોડી વાંચીને મૂકી દીધેલી. આ વખતે ઉનાળુ વેકેશનમાં રાજકોટ લાઈબ્રેરીમાં ગયો ત્યાં જ સામે પડી હતી અને તરત જ લઇ લીધી. રેગ્યુલર વાંચકોને તો ખબર જ હશે કે આ "બક્ષીનામા" પુસ્તક ગુજરાતના પ્રખ્યાત કટ્ટર લેખક ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથા છે.
શરૂઆત ચંદ્રકાન્ત બક્ષીના બાળપણથી થાય છે. આ વાત આઝાદી પહેલાની છે. એટલે એ વખતનું ભારત કેવું હતું ખાસ કરીને કલકતા અને ગુજરાત વિષે ઘણું બધું જાણવા મળે. પુસ્તકમાં બક્ષીએ એ વખતના લોકો વિશે, માન્યતાઓ, ફેશન, શિક્ષણ, ખાણી પીણી વગેરે ઘણું આવાર્યું છે. પહેલા કદાચ પુસ્તક થોડું સ્લો અને બોરિંગ લાગે પછી ધીમે ધીમે વેગ પકડે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ભારતની સ્થિતિ કેવી હતી, આઝાદી વખતે કેવી હતી એ બધું વાંચવાની મને વધુ મજા પડી. આ સાથે સાથે એમના બાળપણના પ્રસંગો, કલકત્તાથી પાલનપુરની યાત્રાઓ વિષે ઘણું છે. આ ભાગ આખો ટાઈમ ટ્રાવેલ કરાવે છે.
આ પછી ધીમે ધીમે એમની યુવાની વિષે છે. એમનો યુવાનીનો સંઘર્ષ દરેક યુવાનીમાં પગ મુકતા છોકરાએ વાંચવો જોઈએ. એમને દુકાન શરુ કરેલી ત્યારે કેમ રહેતા, કેવી રીતે લોકોને મળતા અને સાથે સાથે લખતા રહેતા. એમના પરિવાર સાથેના સબન્ધો અને વિખવાદો, એમના પિતાજીના અવસાન પછી પણ હિંમતથી કેવી રીતે જીવ્યા એ બધું વાંચવા જેવું છે. ચંદ્રકાન્ત બક્ષીએ સેક્સવિશે , એને કેવી છોકરી ગમે, છોકરીઓ સાથેના સબંધો વિષે ખુલ્લીને લખ્યું છે. આ ઉપરાંત વ્યસનો, વેજ-નોનવેજ ખોરાક પર પણ એમનો પ્રતિભાવ ખુલ્લીને આપ્યો છે. એમના ગુજરાતી સામાયિકો સાથેના સબંધ, સાહિત્યકારો વચ્ચે ચાલતા વિખવાદો વિષે પણ લખ્યું છે.
આ પુસ્તક એક આત્મકથા જ છે, એમાં તમે ચંદ્રકાન્ત બક્ષી બનીને જીવી શકો છો. જેમ જેમ તમે વાંચો એમ એમ તમે એમાં ભળતા જાઓ. એ સમયમાં જતા રહો તો વધુ મજા છે. એમાં પણ તમે ચંદ્રકાન્ત બક્ષીના અમુક પુસ્તકો પહેલા વાંચ્યા હોય તો આ વાંચવાની ખુબ મજા પડશે.
બક્ષીનામામાં ગમેલા અમુક વાક્યો જે મેં નોટ્સ માં સેવ કરેલા -
- રોમાંચ પછી આવે છે,રોટી પહેલા આવે છે.
- જેણે બેકારી જોઈ છે એને, ત્યાગ નુ મહત્ત્વ સમજાવતા બાવા-સાધુ ની જરૂર નથી.ગરીબી શરીર નુ એક એક છિદ્ર ખોલી નાખે છે....!!
- ન કરવું કે વર્ષો સુધી કરીને એક સેકંડમાં છોડી દેવું બહુ અઘરું નથી. પોતાની જાતને ટોર્ચર કરવાની હિંમત હોય તો કોઈ જ આદત માલિક બનતી નથી.
- ઘણી વાર બહુ જ સુખી પરિવારો એમના સંતાનનું બાળપણ ચોરી લે છે.
- એક વિપ્લવ કરવા માટે એક કાગળ અને એક પેન્સિલ કાફી છે.
- પૈસા કમાવાની અને કમાયેલા પૈસા ભોગવવાની એક જ ઉમર હોય છે.. શરત એ છે કે.. એ કરતા આવડવુ જોઈએ..
- નાનપણમાં પહોળા અને મોટા લગતા રસ્તાઓ આપણે મોટા થઈએ છીએ ત્યારે નાના લાગવા માંડે છે.
- મારે પરિવારથી વધીને કોઈ વિશ્વ નથી અને શોખથી જિવાતા જીવનથી વધીને બીજી કોઈ કલા નથી.
તમે આ પુસ્તક એક પિત્ઝાના ભાવે અમેઝોન પરથી અહીં ક્લિક કરીને ખરીદી શકો છો.
બીજા પુસ્તકોના રીવ્યુ માટે અહીં ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી: