બુક રીવ્યુ - ઓથાર - અશ્વિની ભટ્ટ

અશ્વિની ભટ્ટ જયારે ન્યુઝ પેપરમાં લખતા હશે ત્યારે વાર્તાના આગળના ભાગ માટે વાંચકો કેટલી રાહ જોતા હશે એ વિચારી જ ના શકાય. આશિની ભટ્ટની દરેક નવલકથા છેલ્લે સુધી વાંચકને પકડી રાખનાર હોય છે, "ઓથાર" પણ એક આવી જ નવલકથા છે. આ નવલકથા બે ભાગમાં છે અને બંને ભાગ મળીને 1100 ઉપર પેજ છે. આટલી મોટી નવલકથા અત્યારે મોબાઈલના જમાનામાં શરુ કરવાનું જ મન નહોતું થતું પરંતુ એક વાર ચાલુ કરી પછી મોબાઈલ જ મુકાઈ ગયો! 





ઓથારની વાર્તા આઝાદી પહેલાની, 1857ના વિપ્લવની નિષ્ફળતા પછીની વાર્તા છે. મુખ્ય પાત્ર સેજલસિંહ જાનોરનો  રાજકુમાર છે. મોટા ભાગના રાજ્યો અંગ્રેજોએ ખાલસા કરી ચુક્યા છે અને જાનોરમાં પણ અંગ્રેજોનો પગપેસારો હોય છે. શરૂઆત સેજલસિંહને એમના પિતા વિશે  જાણવાની, એમના પાર લાગેલ દાગની  સચ્ચાઈ જાણવાની ઈચ્છાથી થાય છે. એ શરૂઆતમાં બધા પ્રશ્નો એને મોટો કરનાર અને ઘોડાઓનું ધ્યાન રાખનાર ધાનોજીને પૂછે છે પછી એની માતા રાજેશ્વરી દેવીને પૂછે છે અને પછી શરુ થાય છે એક રોમાંચક વાર્તા. આ વાર્તામાં જાનોરના રાજપરિવાર માટે મદદ કરતા બાલીરામજી અને ભુવનસિંહજીના પાત્રો સરસ છે પણ મુખ્ય પાત્રો છે બે સ્ત્રી પાત્રો ગ્રેઈસ અને સેના. બંનેના વર્ણનથી મંદીને એમની સ્ટોરી બહુ સરસ છે જો કે મને લાગ્યું સેનાના પાત્રને હજુ મજબૂત દર્શાવી શકાયું હોત. કેટલાક અંગ્રેજોના પાત્રો પણ મહત્વના છે પરંતુ અંગ્રેજો સામે લડી રહેલ ખેરાસિંહ, આજો  અને સંતોષજી બારનિશના પાત્ર રુવાડા ઉભા કરી દ્યે એવા છે. 


ઓથારમાં મોટાભાગના સ્થળોનું વર્ણન નર્મદા નદીના કિનારાઓ અને ઘાટોનું છે. નર્મદા નદી મને આમ પણ બહુ જ ગમે છે એટલે એ સ્થળો મેં ગૂગલમાં પણ સર્ચકર્યા  છે. વાર્તા લગભગ મધ્યપ્રદેશની આસપાસની છે, ભેડા ઘાટનો ઉલ્લેખ આવે છે, ગોલકી મઢ  અગત્યનું સ્થળ છે. જબલપુર અને જાનોર  મિત્ર રાજ્ય હોય છે એટલે આ બે રાજ્યની આસપાસ વાર્તા ફરે છે. અશ્વિની ભટ્ટે રાજમહેલથી માંડીને દરેક સ્થળનું આલેખન એકદમ વાસ્તવિક લાગે એવું કર્યું છે. જયારે સેજલસિંહ સેના બારનિશને મળવા જાય છે ત્યારની એની મુલાકાતનું વર્ણન મને સૌથી વધુ ગમેલું. 


આ વાર્તા આમ તો શરૂઆતમાં થોડી બોરિંગ લાગી શકે કારણકે આપણે પાત્રો વિષે એટલા જોડાયેલા ના હોય. પણ ધીમે ધીમે વાર્તા એવી પકડમાં લઇ લ્યે કે છેલ્લે આપણે વાર્તા પુરી જ કરવી પડે.  વાર્તા પુરી કર્યા પછી પણ દીવાલ પર નજર ટાંગીને એક અલગ દુનિયામાં ખોવાઈ જવું પડે. ઘણા બધા ઓપન પ્રશ્નો રહે આમ કેમ કર્યું? આમના બદલે તેમ કર્યું હોત  તો? આ પાત્ર પાર પછી કેવું થયું હશે? 


આ વાર્તાના બંને ભાગ તમે અહીં ક્લિક કરીને અમેઝોન પરથી ખરીદી શકો છો. 

બીજા પુસ્તકોના રીવ્યુ માટે અહીં ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.