આઈડિયા, ટેકનોલોજી અને સફળતા - 2

ત્રણ વરસ પહેલાં આ આર્ટિકલ લખેલો - આઈડિયા અને ટેકનોલોજી. જો એ ના વાંચ્યો હોય કે યાદ ના હોઈ તો અહીં ક્લિક કરી પહેલા એ વાંચો.
આ આર્ટિકલમાં મેં રિડિઝાઇનની વાત કરેલી. અત્યારે આ રિડિઝાઇન માટે પરફેક્ટ સમય ચાલી રહ્યો છે. ઘણી બધી ચાઈનીઝ એપ બંધ થઈ ગઈ છે, વડાપ્રધાન સહિત બધા સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે આગ્રહ કરી રહ્યા છે ત્યારે બહાર નવી નવી તકોના ઢગલા થયા છે. ટિકટોક, ઝૂમ એપ, કેમ સ્કેનર જેવી એપ્સના સ્વદેશી વર્ઝન લોકો શોધી રહ્યા છે. આ ઉપરાંત બીજી એપ્સ અને પ્રોડક્ટ્સ માટે પણ લોકો સ્વદેશીમાં વિકલ્પ શોધી રહ્યા છે કે સ્વદેશી વર્ઝન આવે તો લોકો ટ્રાય કરી શકે. 



પહેલા આઈડિયાને  રિડિઝાઇન કરવો  એટલે શું? આઈડિયા માર્કેટમાં પહેલેથી જ હોય પણ હરીફાઈ ના હોય કે હજુ એમાં થોડો સુધારો કરીને મૂકી શકાય એમ હોય તો એ જ આઈડિયાનો પોતાની રીતે ડિઝાઇન કરીને બઝારમાં મુકવો. ઉદાહરણ તરીકે એમેઝોન શોપિંગ વેબસાઈટ પહેલેથી જ હતી. ફ્લિપકાર્ટએ સારી ડિઝાઇન સાથે ભારત માટે અલગથી એ જ કોન્સેપ્ટ પર સાઇટ મૂકી.  1.  ત્યારે  ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન, ઇબે  સિવાય ભારતમાં કોઈ પોપ્યુલર વિકલ્પ નહોતા. 
2.  ત્યારે હજુ  જૂજ ભારતીયો જ ઓનલાઈન શોપિંગ કરતા હતાં. 
ફ્લિપકાર્ટને હજુ આમાં તકો દેખાણી અને પહેલી વખત "કેશ ઓન ડિલિવરી" સ્કીમ સાથે ઓનલાઈન શોપિંગ પોર્ટલ બઝારમાં આવ્યું અને સક્સેસફુલ રહ્યું. આવી જ રીતે ઓલા, સ્વીગી જેવા સ્ટાર્ટઅપ આવ્યા. શું આ ચોરી નથી? ના. ચાઈના આખું રિસર્ચ કરતા રીડીઝાઈન પર જ વધુ વર્ક કરે છે. દરેક પ્રોડક્ટ એક કરતા વધુ કંપનીઓ થોડા થોડા ફેરફાર કરીને વેચતી જ હોય છે ને ! 

હવે વાત એ છે કે બીજા દેશમાં તમને કોઈ સારો આઈડિયા દેખાય જે આપણા દેશમાં નથી તો તમે એને  આપણાં દેશ પ્રમાણે રિડિઝાઇન કરી શકો. કોઈ સફળ વિદેશી પ્રોડ્કટને કોપી કરીને સ્વદેશી બનાવી નાખવી એટલી સહેલી પણ નથી. હમણાના જ ઉદાહરણની વાત કરીએ તો જીઓ મીટએ ઝૂમ વિડિઓ ચેટ એપની બેઠેબેઠી કોપી મારી લીઘી. તો શું જીઓ એપ ઝૂમને રિપ્લેશ કરી નાખે? 



જવાબ છે ના. ઝૂમે જે આટલા વર્ષોમાં પાછળના  સર્વરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હોઈ, એમની પાસે સ્પીડ માટેના, યુઝર્સનો ઓછો ડેટા  વપરાય એ માટેના સોર્સકોડ  કે પેટેન્ડેડ આઈડિયા હોય એ જીઓ પાસે ના હોય. પરંતુ સમય જતા ધીમે ધીમે ઈમ્પ્રુવમેન્ટ કરીને, ભારતના યુઝર્સ પ્રમાણે બદલાવો કરતા રહે તો જરૂરથી સફળ બની શકે. 

આ વાત ફક્ત સોફ્ટવેરમાં જ નહિ, બધી પ્રોડક્ટ્સ પર લાગુ પડે છે. નાનકડા ચાઈનીઝ રમકડાંથી માંડીને સ્પેસશટલ સુધી બધે જ. કપડાં હોય કે કાર, ફ્રિજ, વોશિંગ મશીન, ટીવી જેવા રોજિંદા ઉપકારણો કે  મોબાઈલ, લેપટોપ હોય બધાને રીડીઝાઈન કરીને માર્કેટમાં મૂકી શકો. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે જે ફાઇનલ પ્રોડક્ટ બને એ માર્કેટમાં બીજી પ્રોડક્ટ્સને હરીફાઈમાં હંફાવી શકે એવી હોવી જોઈએ. બાકી ઘણી ભારતીય કંપનીઓ, વિદેશી કંપનીઓ સામે આવીને હાંફી ગઈ છે. માઇક્રોમેક્સ યાદ છે ને ? ટાટા મોટર્સ, ગોદરેજ જેવી બીજી કંપનીઓ પણ જે તે સેગ્મેન્ટમાં હરીફાઈમાં ઘણી પાછળ છે. 

કેવી પ્રોડક્ટ બીજી પ્રોડક્ટ્સને માર્કેટમાં ટક્કર આપી શકે ? જે પ્રોડક્ટ ગ્રાહકોના દિલ જીતી શકે.
પહેલી વાત તો તમારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચવી જોઈએ. લોકો સુધી પહોંચ્યા પછી લોકોને વાપરવામાં મજા આવવી જોઈએ, સરળ લાગવી જોઈએ. જે તે પ્રોડક્ટની ક્વોલિટી જે માર્કેટમાં પહેલા હોય એના કરતા વધુ સારી હોવી જોઈએ.  પ્રોડક્ટમાં કૈક એવું ફીચર વધારે હોવું જોઈએ જે પહેલાની પ્રોડક્ટમાં ના હોઈ. પ્રોડક્ટની કિંમત જે તે સેગ્મેન્ટ પ્રમાણે હોવી જોઈએ. ખાલી ભારતીય પ્રોડક્ટના નામે ખોખલી પ્રોડક્ટ હશે તો, ટૂંક સમયમાં જ કોઈ તમારા આઇડિયાને રીડીઝાઈન કરી તમારાથી સારી પ્રોડક્ટ મુકશે જ !!  

"તકોની નદી વહી રહી છે, તમારા પર છે કે એમાં હાથ ધોવા, નહાવું કે વહેતા પાણીને જોવું !"      

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.