પીળું રમકડું - ખુશીઓનું સરનામું 6

આ વાર્તા વિડીયોમાં સાંભળવા માટે - 



હજુ યાદ છે તે દિવસે હું દાદી સાથે મેળામાં ગયો હતો. ત્યારે લગભગ હું બીજુ કે ત્રીજું ભણતો હોઈશ. હું શાળાએથી આવીને મોટાભાગનો સમય દાદી સાથે જ વિતાવતો. મારાથી નાનો ભાઈ હોઈ, મમ્મી એનું ધ્યાન રાખતી. મારા અને દાદી વચ્ચે આત્મીયતા અનોખી હતી. મને એમના વગર ના ચાલે અને એ મને જ શોધતા હોય. આમ તો મારા પિતરાઈ ભાઈ બહેનો પણ હતા પરંતુ હું દાદીમાંનો ફેવરિટ !

અમારા ગામની બાજુના મંદિરમાં દર મહાશિવરાત્રીએ મેળો ભરાતો. આ સમયે બહુ ઓછા મેળા ભરાતા હોય, આ મેળો બહુ પોપ્યુલર હતો. વળી આ સમયે ખેડૂતો ખેતી કામમાંથી નવરા થયા હોય અને સાથે મોલ વેચીને થોડા રૂપિયા પણ આવ્યા હોય એટલે ખરીદી પણ ઘણી થતી. મેળામાં અવનવા મોંઘા રમકડાં આવતા જે શહેરોમાં પણ ભાગ્યે જ જોવા મળતા.

તે દિવસે હું અને દાદી મારા માટે રમકડાં જોતા હતા. ત્યાં મેં એક વિડિઓ ગેમ જોઇ. તે વખતે સેલથી ચાલતી મોબાઈલથી થોડી મોટી એક નાનકડી સ્ક્રીન અને ચાર પાંચ બટન વાળી વિડિઓ ગેમ આવતી (બ્રિક ગેઇમ). મને લેવાનું બહુ જ મન થયું. દાદીએ ભાવ પૂછ્યો તો એ અમારા બજેટ કરતા થોડો વધારે હતો. દાદીએ બહુ ભાવતાલ કરીને એ વિડિઓ ગેમ મને લઈ દીધી. મેં ઘણા કલર્સ જોયા લાલ, પીળો, કાળો , બ્લુ.. બ્લુ મારો ફેવરિટ કલર હતો. વળી મારા મિત્ર પિન્ટુ પાસે પણ બ્લુ કલરની જ ગેમ હતી. મેં બ્લુ કલરની ગેમવાળું બોક્સ લઈ લીધું.

હું આખા રસ્તે બહુ ઉત્સાહથી ચાલ્યો, દાદીની આંગળી પકડીને ખુશીમાંને ખુશીમાં મારી કાલીઘેલી ભાષામાં ઘણી વાતો કરતો હતો. ઘરે આવ્યા ત્યાં જમવાનો વખત થઈ ગયો હતો. મમ્મીએ સમજાવ્યો કે જમીને ગેમ રમજે. મારું મન એ બોક્સ ખોલવામાં જ હતું. હજુ મમ્મી જમવાનું તૈયાર કરતી હતી ત્યાં મેં બોક્સ ખોલ્યું. જોયું તો એ રમકડાનો કલર બ્લુ ને બદલે પીળો હતો, મને સૌથી અણગમતો કલર. મને બહુ દુઃખ થયું. મેં ગેમને બોક્સમાં નાખીને દૂર ફેંકી દીધી. તે દિવસે આખો દિવસ હું સરખું જમ્યો પણ નહીં.

પછી બીજા દિવસે હું એ ગેમ લઈને મિત્ર સાથે રમવા ગયો. એમને પણ પીળા કલરની ગેમ જોઈને મારી મજાક ઉડાવી. પછી મને એ ગેમ તરફ અણગમો વધતો ગયો. ક્યારેક ક્યારેક હું એમાં રમતો પછી તો સાવ ભુલાઈ જ ગઈ.




આજે ઘણા વર્ષો પછી એ ગેમ મારી સામે આવી. દાદીમાના અવસાન પછી એમનો ટક ખોલતા એમાંથી એ નીકળી ! મેં એ ગેમને વ્હાલથી ઉપાડી અને જાણે દાદીમાને સ્પર્શ કરતો હોય એવો અનુભવ થયો. એમને કેટલા પ્રેમથી એ સાચવી રાખેલી ! કદાચ મારા નાના ભાઈને પણ રમવા નહિ આપેલી. મારી આંખોમાંથી આંસુઓની ગંગા સતત વહી રહી. મારી પત્ની કશું સમજી શકી નહીં, એ બસ મારા માટે પાણી લાવી. હું સ્વસ્થ થઈ ગયો હતો અને ખુશ હતો કે એ ગેમ હજુ ચાલતી હતી. એ દિવસે આખો દિવસ હું એ ગેમથી રમ્યો. મને રમતો જોઈને દાદી ઉપરથી મલકાઈ રહ્યા હોઈ એવું લાગ્યું. મેં ઉપર જોઈને દાદીનો આભાર માન્યો.

ત્યાં સાંજે ઓનલાઈન મંગાવેલ પાર્સલ આવ્યું. મારી પત્નીએ મારા છોકરા બીટુ માટે એક આવી જ ગેમનું આધુનિક વર્ઝન મંગાવ્યું હતું. બીટુએ આવીને જલ્દી જલ્દી એ બોક્સ ખોલ્યું. બોક્સની અંદર ગેમનું બોક્સ હતું, એના પર બ્લુ કલરની ગેમ દોરી હતી. બીટુ એ એ જોઈને જ દૂર ફેંકી દીધી

" મારે યલો કલરની ગેઈમ જોઈએ છે"

મેં એ દૂર પડેલ બોક્સ ઉઠાવ્યું, અને ખોલ્યું. બીટુ જોતો રહ્યો "અંદર યલો કલરનું ગેમ હતું " !! મારો સૌથી ફેવરિટ કલર.

ક્યારેક વસ્તુ કરતા વસ્તુ પાછળની યાદો વધુ મોંઘી હોય છે અને વધુ ખુશીઓ આપતી હોય છે.
- અંકિત સાદરિયા.

તમને આ વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો. બ્લોગ ફોલો કરવાનું ના ભૂલતા.


તમને આગળના ખુશીઓના સરનામાંના ભાગ વાંચવા પણ ગમશે -

2 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.