સામાન્ય સજ્જન નાગરિકની વ્યાખ્યા

સામાન્ય સજ્જન નાગરિકની વ્યાખ્યા - 

આ નીચેની વાતો બધાને ખબર જ છે. આટલું કરવા માટે કોઈએ સુપર માણસ બનવાની જરૂર નથી, કોઈ નવું શીખવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી, ફકત થોડું સ્વયં જાગૃત થવાની જરૂર છે.



1. કચરા પેટી સિવાય કચરો ના નાખે
- આ વાત બધાને ખબર જ છે, કોઈને પૂછો તો કહેશે અમે કચરા પેટી સિવાય  કચરો નાખીએ જ નહિ! પરંતુ આપણે જોઈએ છીએ કે રસ્તા પર, ફરવાના સ્થળોએ કેટલો કચરો હોય છે. હમણાં જ હું રાજકોટથી વડોદરા આવતો હતો ત્યારે આગળની બસ માંથી દર 5 મિનિટે કૈકને કૈક બહાર ફેંકાતુ હતું. આપણે ત્યાં મોટા ભાગના લોકો માટે કચરો બારીમાંથી ફેંકવો એક આમ વાત છે. મને લાગતું નથી કે હવે આપણામાં કઈ સુધારો આવે. હવે જો કરી શકીએ તો બાળકોમાં એવી ટેવ પાડો કે એ કચરો નાખવા માટે કચરા પેટી  શોધે અને પછી જ કચરાનો નિકાલ કરે.  

2. બિનજરૂરી પ્લાસ્ટિક ના વાપરે. ખરીદી કરવા સમયે ઘરેથી જ બેગ લઇને જાય.
- પ્લાસ્ટિકને સડતા હજારો વર્ષો નીકળી જાય છે. આવા પ્લાસ્ટિક જમીનને ખરાબ કરી નાખે છે, નદીઓને પ્રદુષિત કરે છે. ગાયથી માંડીને  ડોલ્ફીનના પેટમાંથી આજકાલ પ્લાસ્ટિક નીકળી રહ્યું છે. આટલું બધું પ્લાસ્ટિક વાપરે છે કોણ? જવાબ છે આપણે જ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરો. શક્ય હોય તો ખરીદી કરવા જાવ ત્યારે કાપડની થેલી સાથે રાખો, ફરવા જાવ ત્યારે સ્ટીલની કે બીજી પાણીની બોટલ ભરીને નીકળો.
 
3. જરૂર પૂરતું જ પાણી વાપરે, પાણીનો ઉપયોગ ના હોય ત્યારે નળ બંધ રાખે. 
- આજકાલ પાણી સહેલાઇથી મળી રહે છે અને મોટાભાગના લોકોને પૂરતું પાણી મળે છે. ખાસ કરીને બાળકોમાં પાણીનો વેડફાટ વધતો જાય છે. બ્રશ કરે ત્યાં સુધી નળ  ચાલુ રાખવો, મોઢું ધોવામાં ન્હાવા જેટલા પાણીનો ઉપયોગ કરવો, ગાડીઓ ધોવી, ફળીયા ધોવા, વારંવાર ફ્લશનો ઉપયોગ વગેરે. એક સમય હતો જયારે જેટલું પાણી વાપરવું હોય એટલું ઉંચકીને લાવવું પડતું ત્યારે બધી વાતમાં પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ થતો. જે વડીલોએ આ જોયું છે એ હજુ પણ પાણીનો જાળવીને જ ઉપયોગ કરે છે. બને ત્યાં સુધી પાણીનો ખોટો વેડફાટ ટાળો અને બાળકોને પણ આદત પાડો કારણ કે એક સમયે આ ટેવ બહુ જ મોંઘી પડશે! 

4. જ્યાં ત્યાં ના થૂંકે
- આપણી પ્રજા થૂંકતી પ્રજા છે. એમ જ કોઈ કારણ વગર પણ લોકો રસ્તા પર થૂંકતા જોવા મળે છે. આ ઉપરાંત ગમે ત્યાં પાન  અને ગુટખાની પિચકારીઓ તો કોમન! આ થૂંક ગંદકીની સાથે સાથે બીમારીઓ પણ ફેલાવે છે. શક્ય ત્યાં સુધી રોડ પર થુંકવાનું ટાળવું જોઈએ. 
 
5. બિન જરૂરી વાહનોનો ઉપયોગ ના કરે
- આજકાલ વાહનો વધતા જાય છે, એક સમાય હતો જયારે ગામમાં એકાદ વાહન હોય, પછી ફેમિલી દીઠ એક પછી ફેમિલી દીઠ એક કાર અને એક બાઈક અને હવે માણસ દીઠ વાહનો થઇ ગયા છે. આ વધારે વાહનોના લીધે બિનજરૂરી ઉપયોગ પણ વધ્યો છે. ઘણા વડીલો કહેતા હોય છે કે હવે માણસોને પગના બદલે પૈડાં આવી ગયા છે! પછી ચાલવા માટે સવાર સાંજ અલગથી જશે પરંતુ નાના નાના કામો માટે આજુબાજુ ચાલીને નહિ જાય. આ વાહનોના વપરાશથી ટ્રાફિક અને પ્રદુષણ બંને વધે છે અને સાથે સાથે આરોગ્ય બગડે છે. 

6. ખોટો ખોરાકનો બગાડ ના કરે
આજકાલ લગ્ન, મરણ ઉપરાંત જન્મદિવસ, એનીવર્સરી, લાડવા, સગાઈ વગેરે પ્રસંગોમાં પણ જમણવાર વધી રહ્યા છે. ઉપરથી બુફે સિસ્ટમ થઈ છે જેમાં અઢળક ખોરાક વેડફાય છે. આ ઉપરાંત હોટેલોમાં અને ઘરોમાં થતો રોજનો વેડફાટ તો ખરો જ. નવી પેઢી માટે થાળી અધૂરી મૂકી દેવી આમ વાત છે. હવે મોટા ભાગના લોકોને જમવાનુ ભરપેટ મળી રહે છે એટલે ફૂડની વેલ્યુ ઘટતી જાય છે. મોટા ભાગના વિકસિત દેશોમાં આ જ હાલ છે જ્યારે આફ્રિકાના દેશોમાં અને વિકસિત દેશોમાં પણ અમુક પરિવારોને ખાવાના ફાંફા છે. આ અસંતુલન છે જે કોઈ પણ સંજોગોમાં ઘટવું જોઈએ.
શક્ય હોય ત્યાં સુધી જરૂર પૂરતું જ રાંધો. હોટેલમાં જરૂર પૂરતો જ ઓર્ડર આપો અને જમણવરોમાં જરૂર પૂરતું જ થાળીમાં લો. વધેલું ભોજન યોગ્ય લોકો સુધી પહોંચે એવું કઈક થવું જોઈએ. આ માટે ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે એમનો સંપર્ક કરો.

7. જરૂર પૂરતી જ વીજળીનો વપરાશ કરે
ખોરાકની જેમ જ વીજળીનો વપરાશ પણ સતત વધી રહ્યો છે. ઘરમાં ac, કૂલરથી માંડીને નત નવા ઇલેક્ટ્રિક સાધનો વધી રહ્યા છે ત્યારે વીજળીની બચત કરવી ખૂબ જરૂરી છે. આ વાત બધાને ખબર જ છે પરંતુ સારો નાગરિક એ જ છે જે જરૂર પૂરતી જ વીજળી વાપરે.

8. વાહન ચલાવતા ચલાવતા ફોનમાં વાત કે ચેટ ના કરે
આજકાલ વાહન ચલાવતા  ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરવાને લીધે અસંખ્ય અકસ્માતો થઇ રહ્યા હશે. કાર ચલાવતા ચલાવતા ચેટ કરવી, લાઈવ થવું, રીલ્સ બનાવવી સામાન્ય છે. બાઈક અને સ્કૂટી ચલાવતા ચલાવતા પણ લોકો મેસેજ કે કોલમાં  વાતો કરતા હોય છે. આ ખરેખર જોખમી છે તમારા માટે પણ અને સામેવાળા માટે પણ! એક સજ્જન નાગરિક તરીકે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ.

9. કારણ વગર વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, પ્રકૃતિને હાની ના પહોચાડે
અમુક એવા લોકો છે જે વગર કારણે પ્રકૃતિમાં અવરોધ ઉભો કરતા હોય છે, જાણી  જોઈને હાની પહોંચાડતા હોય છે. ચાલીને જતા હોય તો શાંતિથી બેઠેલા કૂતરાને પથ્થર મારે , પક્ષીઓને બેસવા ના દ્યે, નડતર ના હોય તો પણ વૃક્ષો કે ડાળીઓ કાપે. પ્રકૃતિમાં જીવ છે શક્ય હોય ત્યાં સુધી એમાં અવરોધ ઉભો ના કરો. 
 
10. પર્યાવરણને બચાવવા માટે તમારાથી થઈ શકે તે કરો (વૃક્ષો વાવો, વસ્તુઓ રિસાયકલ કરો, લોકોને જાગૃત કરો..)
એક સજ્જન નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે જે ગ્રહ પર જીવી રહ્યા છીએ એને આવતી પેઢી માટે વધુ સારો બનાવીને જઈએ. બની શકે તો આસપાસ ક્યાંક જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવો. બને ત્યાં સુધી કચરો રિસાયકલ થાય એવો પ્રયત્ન કરો, પ્લાસ્ટિકનો ખપ પૂરતો જ ઉપયોગ કરો, ઉપરના મુદ્દાઓનું પાલન કરો. ફકત હૃદયમાં થોડી હમદર્દી રાખીને પ્રકૃતિ માટે તમારાથી થઇ શકે એ કરો. 

કોઈ વિકસિત સ્વચ્છ લાગતો યુરોપિયન દેશ તેમની સરકારો કે બીજા કોઈ કારણસર સ્વચ્છ અને સુંદર નથી પરંતુ તેમના નાગરિકોની આદતના લીધે છે. લોકો કચરાપેટી ના મળે ત્યાં સુધી કચરો ફેંકાતા નથી. ગાર્ડનિંગ કરવું એક જાતની ખુશી આપે છે. પ્રકૃતિને સ્વચ્છ અને સુંદર રાખવા પ્રયત્નો કરતા રહે છે. ઉપરના મુદ્દાઓ અને બીજા કેટલાક મુદ્દાઓનું ધ્યાન રાખીને આપણે પણ એ દિશામાં આગળ વધી શકીએ. આપણે ફક્ત આદતો સુધારવાની છે કોઈ વધારાનો ખર્ચો કે સમય આપવાનો નથી!! 
  • જો તમને આ પોસ્ટ ગમી હોય તો બ્લોગ જરૂરથી ફોલો કરજો અને મિત્રોમાં શેર કરજો.
  • આ બ્લોગ તમને ગમે તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.
  • ઇન્સ્તાગ્રામમાં મને ફોલો કરો =>  અહી ક્લિક કરો 
  • ટવીટરમાં મને ફોલો કરો => અહી ક્લિક કરો 



ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.