આ તે કેવો પ્રેમ?

આવા સમાચારો અવારનવાર દેશના ખૂણેખૂણેથી આવતા જ રહે છે - 
  • દિલ્લીમાં આફતાબે તેની સાથે લિવ-ઈનમાં રહેતી "પ્રેમિકા" શ્રદ્ધાનું મર્ડર કરી 35 ટુકડા કરી ફ્રિજમાં ભર્યા! 
  • સુરતના ફેનિલે તેની એક તરફી "પ્રેમિકા"નું ખુલ્લેઆમ ગળું કાપી હત્યા કરી 
  • પુણેમાં પ્રતીકે છરીથી એની એક તરફી "પ્રેમિકા"શ્વેતાનું મર્ડર કરી નાખ્યું અને પછી પોતે પણ આત્મ હત્યા કરી લીધી. 
આ સમાચારો પછી મોટાભાગના લોકો ધર્મ, જ્ઞાતિ, સમાજ, કાયદાની ચર્ચા માં પડી જાય છે કદાચ યોગ્ય પણ હશે પરંતુ અહીં સૌથી મોટો મુદ્દો છે આ તે કેવો પ્રેમ? 

આ તે કેવો પ્રેમ- ankit sadariyaતમે જેને "પ્રેમ" કરતા હોય એ વ્યક્તિને નાની ખરોચ પણ થાય તો તમે હાથ રૂમાલ કાઢી પાટો બાંધી દો, માથું દુખે તો માથું દબાવી દ્યો, કૈક બીમારી હોય તો એ ઠીક કરવા ગમે એટલો ખર્ચો કરી નાખો, અરે ગમતું ના હોય તો એને મૂડમાં લાવવા પ્રયત્નો કરો, એને મજા ના હોય ત્યાં સુધી તમને મજા ના આવે એ જ તો પ્રેમ! પ્રેમમાં બે હૃદય એક બનીને ધબકતા હોય ત્યારે તમે એક હ્ર્દયનો ધબકાર બંધ કેવી રીતે કરી શકો?  મનુષ્યની વાત છોડો આપણે પ્રેમ કરતા હોઈએ તો પાલતુ પ્રાણીઓને, પક્ષીઓને, જીવજંતુઓને, વૃક્ષો વગેરે જીવને પણ ના મારી શકીએ. 

એક તરફી પ્રેમમાં તો આ લાગણી વધુ તીવ્ર હોય છે. છુપાઈ  છુપાઈને એની કેર કરવી, કોઈ બીજા થ્રુ એના ખબર અંતર જાણવા, કૈક બીમારી હોય તો જલ્દી ઠીક થાય એ માટે પ્રાર્થના કરવી વગેરે લાગણીઓ અંદરથી જ આવે. જે વ્યક્તિ તમે તમારી કરવા ઇચ્છતા હોય પણ એ તમારી થઇ ના શકે તો દુનિયામાંથી જ બાદબાકી કરી નાખવાની કેવી લાગણી? તમે એના મોઢા પર એસિડ છાંટીને તમેને ગમતા ચહેરાને કેમ બદસુરત કરી શકો?  "મારી નહિ તો કોઈની નહિ" કર્યા પછી તમે શું કરશો? એનું પૃથ્વી પર ના હોવું તમને કેમ જીવવા દેશે? અને એમાં પણ તમે જ એ કારણ હોય તો પછી એક મિનિટ પણ કેવી રીતે જીવી શકો? આ તે કેવો પ્રેમ? 

સુરતની ઘટના વખતે મુકુલ જાનીએ ફેસબુક પર સરસ પોસ્ટ લખેલી એમાંથી, એકતરફી પ્રેમ કોને કહેવાય - "એક તરફી પ્રેમ એને કહેવાય જેમાં સામેનું પાત્ર તમને કહે કે એને તમારા પ્રત્યે એ પ્રકારની લાગણી નથી અને છતાં તમે આદરપૂર્વક સહજતાથી એ વાતનો સ્વીકાર કરી શકો. સામેના પાત્રને તમારા માટે ભલે પ્રેમ ના હોય છતાં એને ઠેસ વાગે અને પીડા તમને થાય એ છે એક તરફી પ્રેમ. સામેનું પાત્ર તમારી બાજુમાં બેઠું હોય, તમને એને સ્પર્શવાની ઈચ્છા હોય છતાં એની મંજૂરી વિના એના હાથને પણ સ્પર્શ ના કરો એ છે એક તરફી પ્રેમ. સામેનું પાત્ર તમને કહે કે મને ફોન પણ ના કરવો અને તમે વોટસએપ ઉપર મેસેજ કરવાનું પણ બંધ કરી દો એ છે એક તરફી પ્રેમ. સામેનું પાત્ર તમને કહે કે મને તારું મોઢું પણ ના બતાવતો, અને ભૂલથી એક ગલીમાં સામસામે આવી જવાય તો એની નજર તમારા પર પડે એ પહેલાં તમારા પગ આપોઆપ બીજી ગલીમાં વળી જાય એ છે એક તરફી પ્રેમ. સામેના પાત્રને ડાયાબિટીસ થયો છે એમ ખબર પડતાં તમને મીઠાઈ ભાવતી બંધ થઈ જાય એ છે એક તરફી પ્રેમ. તમે કંઇ અનૈતિક કરવા જઈ રહ્યા હોવ અને તમને વિચાર આવે છે હું આવું કરું એ એને નહીં ગમે અને તમે માંડી વાળો એ છે એક તરફી પ્રેમ. સામેનું પાત્ર કદાચ તમને ધિક્કાર કરતું હોય છતાં તમારા મનમાં હમેશાં એની ખુશીના જ ખ્યાલ રમ્યા કરે એ છે એક તરફી પ્રેમ. " 

જયારે લગ્ન કરી સાથે રહેતા પતિ કે પત્ની એકબીજાની હત્યા કરે ત્યારે કોઈ પ્રેમની વાત નથી કરતું કારણ કે સમજી શકાય કે હવે લગ્નમાં પ્રેમ નહિ રહ્યો હોય, બંને દુશ્મન બની ગયા હશે, છૂટાછેડા લેવા કરતા ક્રિમિનલોની જેમ દુશ્મનને મારી નાખવું વધુ યોગ્ય લાગ્યું હશે. આ પણ ક્રાઇમ જ છે પરંતુ અહીં પ્રેમ નથી. એક હત્યારો રૂપિયા કે બીજી માથાકૂટના લીધે બીજાની હત્યા કરે એવું જ ગણી શકો.પરંતુ તીવ્ર પ્રેમ તમે જેને ચાહતા હોય એની હત્યા કરવા પ્રેરે તો એ પ્રેમ કહેવાય કે હેટ?

જયારે પ્રેમમાં સામેના પાત્રનું વર્તન ટોક્સિક કે થોડું વિચિત્ર લાગવા માંડે ત્યારે સાવચેત થઇ જવું. શક્ય હોય તો જુદું જ થઇ જવું. કોઈ નજીકના વ્યક્તિના સંપર્કમાં રહેવું અને જો વધુ પડતો ડર  લાગે અથવા એવું વર્તન થાય તો તરત પોલીસને જાણ કરવી જોઈએ. તમે જો "પ્રેમ" ના નામે બધું સહન કરતા રહેશો તો તમને ખબર નહિ પડે કે સામેના પાત્રનો  પ્રેમ ક્યાંરે  ઉડી ગયો છે કે એના માટે પ્રેમ હતો જ નહિ ફક્ત નાટક જ હતું, રમત જ હતી. આવા ટોક્સિક વ્યક્તિ તમને શારીરિક, માનસિક કે આર્થિક નુકશાન પહોંચાડી શકે છે.  

આ ઘટનાઓ પ્રેમ કે એક તરફી પ્રેમ કરતા માનસિક રોગ વધુ છે. આ પ્રેમ નથી, સમાચારોના હેડીંગમાંથી પણ પ્રેમ, પ્રેમિકા, પ્રેમી, લવ શબ્દ જ હટાવી દેવો જોઈએ આ ફક્ત ને ફક્ત એક સાયકો એ કરેલી હત્યા જ છે. આ શેરીમાં ફરતા લુખ્ખાઓ, ગલીએ બનતા ગુંડાઓ, ધર્મના નામે અંધ થયેલા માનવ રોબોટો, નોકરી કે ધંધામાં ફ્રસ્ટ્રેટ થયેલા સાયકો મનોરોગીઓથી વિશેષ કોઈ નથી! 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.