નર્મદા કિનારે - સૂર્યોદયથી સૂર્યાસ્ત


નર્મદા કિનારે - સૂર્યોદયથી સૂર્યાસ્તસૂર્યોદય અને સૂર્યાસ્ત તો આમ રોજ ઘટતી ઘટનાઓ છે પરંતુ રોજ એ એક સરખા હોતા નથી. રોજ એની સુંદરતા નીરખો તો પણ ક્યારેય ધરાવ જ નહિ. આપણે વર્ષમાં ઘણા સૂર્યોદય અને સૂર્યાસ્ત જોતા જોઈએ છીએ પરંતુ ખરેખર માણીએ કેટલા? એમાં પણ ખોવાઈ જઈએ મુગ્ધ થઈ જઈએ એવા સૂર્યોદય સૂર્યાસ્ત કેટલા?

હમણાં જ નર્મદા કિનારે ત્રણ રાત રોકાયા (પહેલી વખતનો કેમ્પનો અનુભવ વાંચવા અહી ક્લિક કરો) એમાં ત્રણ અલગ અલગ સૂર્યાસ્ત જોયા અને બે અલગ અલગ સૂર્યોદય જોયા. આ બંને પૃથ્વી પર દરેક સ્થળે બનતી અદભૂતપૂર્વ ઘટનાઓ છે. જો કે આ પહેલા પણ બેંગ્લોરથી અલગ અલગ ટેકરીઓ પર જઈને અદભુત સૂર્યોદય જોયેલા અને માણેલા. કેમ્પની છેલ્લી રાતે નર્મદા કિનારે જ કેમ્પ ફાયર કર્યું અને જેમ રાત થતી ગઈ એમ નર્મદામાંના ખોળામાં જ ઠંડીમાં સ્વેટર કે સાલ વગર જ સવાર સુધી બેસવાનું નક્કી કર્યું. સૂર્યોદય થાય એ પહેલા ધીમે ધીમે પક્ષીઓનો અવાજ શરૂ થાય, થોડું અંધારું ગાઢ બને, પછી પૂર્વની ક્ષિતિજ પર એક પ્રકાશનું કિરણ દેખાય. ધીમે ધીમે ત્યાં અલગ અલગ રંગોની રંગોળી થાય, આ બાજુ પક્ષીઓનું સંગીત વધુ મધુરું બને, પૃથ્વી પર થોડી ચેતના સ્પર્શે, ધીમે ધીમે લાલ ચટાક સૂરજ દાદાના દર્શન થાય. પછીની થોડી જ ક્ષણોમાં સૂર્ય ઉગી જાય અને ધરતી જાણે જીવંત બને. જિંદગીમાં આપણું બાળપણ પણ આવું જ કઈક રંગીન હોય છે.

પછી સૂર્યોદય ધીમે ધીમે મઘ્યાંચળે પહોંચે, જેમ જીવનમાં યુવાની આવે. આ સમયે સૂર્ય સામુ જોવું પણ આકરું લાગે, પૂર્ણ તેજ વાળો સૂર્ય કોઈ યુવાનની જેમ જ થોડો અભિમાની લાગે. પૃથ્વી પરના પ્રાણીઓ તેમના દૈનિક કાર્યોમાં લીન થઈ જાય. ધીમે ધીમે સૂર્ય પશ્ચિમ તરફ પ્રયાણ કરે, તાપ ફરીથી કંટ્રોલમાં આવી જાય.

સૂર્યાસ્તનો સમય સૂર્યોદયથી એકદમ વિપરીત હોય છે. ધીમે ધીમે પશ્ચિમના આકાશમાં કેસરિયો રંગ પથરાવા લાગે. સૂર્ય ધીમે ધીમે મોટો થતો લાગે. એકદમ પ્રકાશ ઝાંખો પડતો જાય. પક્ષીઓનું સંગીત ધીમે ધીમે મંદ પડતું જાય. સૂર્ય ધીમે ધીમે ક્યાંક કોઈ રેખાની નીચે ધીમે ધીમે ડૂબી જાય. હજુ થોડું અજવાળું પાથરેલ રહે. થોડી મિનિટો સુધી પશ્ચિમના આકાશમાં અવનવા કલરની રંગોળી રહે, પક્ષીઓની ઉડાઉડ બંધ થાય, પ્રકાશી પ્રાણીઓ પોતાની નિશ્ચિત જગ્યા પર આશરો લઈ લ્યે એટલે ધીમે ધીમે અંધકાર ગાઢ બને. સૂર્ય ક્યાં ડૂબ્યો એ કલ્પવું પણ મુશ્કેલ બની જાય. જીવનનો અંત પણ કંઇક આવો જ હોય છે ને!!

ત્યાં પડેલા કેટલાક મજેદાર ફોટાઓ. આવા ફોટા અને રિલ્સ માટે મને ઇંસ્ટાગ્રામ પર ફોલો જરૂરથી કરજો. (@ankit_sadariya)


- અંકિત સાદરીયા

તમને આ વાંચવું પણ ગમશે - સ્કંદગીરી - વાદળોની ઉપર સૂર્યોદય
ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.