બુક રીવ્યુ - હાજી કાસમ તારી વીજળી - ગુણવંતરાય આચાર્ય
આમ તો વીજળી આગબોટની વાત નવી નથી, એસ એસ વેટરના નામની આ બોટ આપણી ટાઇટેનિક છે. લાઈબ્રેરીમાં દર વખતે જાવ ત્યારે આ પુસ્તક જોઉં અને થાય કે આ તો આપણને ખબર જ છે એટલે ઇસ્યુ નહોતો કરતો પરંતુ એક દિવસ થયું કે ચાલને વાંચીએ તો ખરી કે આપણા ગુજરાતની આસપાસ આ ઘટના બની એની આખી વાર્તા છે શું? ગુણવંતરાય આચાર્યની આ હાજી કાસમ તારી વીજળી પુસ્તક અત્યાર સુધી વાંચેલી બેસ્ટ પુસ્તકોમાનું એક બન્યું. વળી આ ગુણવંતરાય આચાર્યનું મેં વાંચેલું પહેલું પુસ્તક છે.
હાજી કાસમ તારી વીજળીની શરૂઆત માંગરોળથી થાય છે. માંગરોળના સાગરખેડૂઓમાં હાજી કાસમનો પરિવાર પહેલેથી નામાંકિત હતો. હાજીના દાદા એક મહાન વહાણવટું હતા અને પીર તરીખે પણ આખા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત હતા. તેઓ દર વર્ષે સાથે વાહનોથી વેપાર કરતા, નવા વાહનો બનાવતા. હાજીનો પરિવાર દરિયાથી શાપિત હતો, મોટા ભાગના પુરુષોએ દરિયામાં જીવ ખોયો હતો. હાજીને એની અમ્માએ દરિયાથી દૂર જ રાખ્યો હતો. હાજીને ગમતી હતી એના જ પરિવારની પિતરાઈ બહેન અમીના. અમીનાના એક વેણના લીધે હાજી સાગર ખેડવાનું નક્કી કરે છે, દરિયા પર વિજય મેળવવા નીકળી પડે છે અને શરૂઆત થાય છે સફરની, રોમાંચક પુસ્તકની. હાજી સાથે આગળ જતા જતા શું થાય છે એ માટે તો પુસ્તક વાંચવું જ પડે. આખી વાર્તાનું સસ્પેન્સ હાજી પાછો આવશે કે નહિ, હાજી ક્યાં ક્યાં જાય છે, હાજી કાંસાંનાં પરાક્રમો, હાજી અને ગોરી છોકરીના સબંધો, હાજી અમીનાને મળશે કે નહિ, વીજળી કેવી રીતે ડૂબી વગેરે ઘણું છે.
આખા પુસ્તકમાં ગુણવંત આચાર્યનું લખાણ છેલ્લે સુધી પકડી રાખે એવું છે, હા નવા વાંચકોને કદાચ શરૂઆતમાં થોડું અઘરું પણ લાગે. એમનું દરિયા પરનું જ્ઞાન અદભુત છે. અમુક જગ્યાએ જહાજો કેવી રીતે ચાલે, કેવી રીતે એની ગતિ મપાય, દરિયામાં બીજું શું શું હોય છે એ વિષે પણ જાણવાની મજા આવે એવું છે.
ગૂગલમાં એસ એસ વેટરન બોટનો ઇતિહાસ તપાસો તો હાજી વિષે ઘણું અલગ છે પરંતુ એ સાચું છે કે આ બોટ નો કેપ્ટન હાજી કાસમ હતો પરંતુ પુસ્તકમાં લખ્યું છે કે કરાચીથી કોઈ ગોરાને કેપ્ટન બનાવી દેવામાં આવેલો અને હાજી ફક્ત માંગરોળ જવા માટે બોટમાં હતો. આ પુસ્તક ખરેખર એક હાઈ બજેટ ફિલ્મ માટે રેડીમેડ સ્ક્રિપ્ટ છે, ભવિષ્યમાં આના પર એકાદ ફિલ્મતો જરૂર આવશે જ.
આ પુસ્તક એક ફિલ્મની ટિકીટ જેટલા રૂપિયામાં તમે ઘરે વસાવી શકો છે, અમેઝોન પરથી ખરીદવા માટે અહીં ક્લિક કરો .

ટિપ્પણીઓ નથી: