2025 - શું નવું આવ્યું? શું બદલાયું?
દર વર્ષે, આખું વરસ કેવું રહ્યું, શું નવું આવ્યું, શું બદલાયું વગેરે લખું છું. થોડા વર્ષો પછી જૂની પોસ્ટ્સ વાંચું ત્યારે થાય કે આટલા વર્ષોમાં આટલું બધું બદલાય ગયું? 2025નું વર્ષ ઘણું દુર્ઘટનાઓ વાળું અને વૈશ્વિક અજંપા વાળું રહ્યું. મારી જિંદગીમાં પણ મેજર ફેરફારો થયા. ઘણું સારું થયું તો ઘણો હેરાન થયો. તમે બધું પોસ્ટમાં વાંચી શકશો.
અમુક 2025ની મહત્વપૂર્ણ ઘટનાઓ
- ડોનાલ્ડ ટ્રમ્પનું પુનરાગમન: 20 જાન્યુઆરી ના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેમની "અમેરિકા ફર્સ્ટ" નીતિઓ અને ફેબ્રુઆરીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની વિવાદાસ્પદ બેઠકને કારણે વિશ્વભરમાં ભારે ચર્ચા જાગી હતી.
- ટ્રમ્પએ ભારત સહીત ઘણા દેશો પર ટેરિફ વધાર્યા જેની અસર વૈશ્વિક વ્યાપારમાં થઇ. અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડ માટેના નિયમો પણ આકરા બન્યા
- મે 2025માં કશ્મીરના પહલગામ પર ક્રૂર આંતકી હુમલો થયો, ઘણા પર્યટકો ભોગ બન્યા. જવાબમાં ભારતે "મિશન સિંદૂર" અંતર્ગત કેટલાક આંતકી અડ્ડાઓનો નાશ કર્યો.
- જાન્યુઆરીમાં અમેરિકાના લોસ એંજલસમાં ભયંકર આગ લાગેલી જેમાં ઘણું બધું નુકશાન થયેલું, આ અત્યાર સુધીનું મોટું નુકશાન છે.
- 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીત 241 વ્યક્તિ મૃત્યુ પામ્યા, એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો.
- 2025 જાન્યુઆરીમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું, દર 12 વર્ષે ભરાતો આ મેળો દુનિયાનું સૌથી મોટી "ગેધરિંગ ઇવેન્ટ" છે. આ મેળામાં નાસભાગમાં 30 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
- રશિયા યુક્રેનનું યુદ્ધ હજુ ચાલુ છે, ઇઝરાયલ પેલેસ્ટાઇનનો વિવાદ પણ એમનેમ છે.
- સી પી રાધાક્રિષ્નન ભારતના નવા વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.
- દિલ્લીની ચૂંટણીમાં પક્ષ પલટો થયો. આમ આદમી પાર્ટીની કારમી હાર થઇ અને ભાજપની રેખા ગુપ્તા નવી મુખ્યમંત્રી બની.
- બિહારમાં પણ ભાજપ અને જનતા દળનું ગઢબંધન જીત્યું. નીતીશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બન્યા.
- ગુજરાતની પેટા ચૂંટણીમાં વિસાવદરની બેઠક ચર્ચામાં રહી. આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલીયા આ બેઠક પરથી જીત્યા.
- ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમો વધુ હળવા બન્યા.
રમત ગમત
- મહિલા ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વખત ઉલટફેર થયો. ભારતની મહિલા ક્રિકેટ ટિમ સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની.
- ભારતની પુરુષ ક્રિકેટ ટિમ ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ICC ચેમ્પિયન ટ્રોફી જીતી.
- ગૌતમ ગંભીર કોચ તરીકે ઘણો વિવાદાસ્પદ રહ્યો. ભારત ઘર આંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ. શ્રેણી હાર્યું.
- ભારતની હોકી ટિમ એશિયા કપ જીતી.
- આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટિમ ટાઇટલ જીતી. રજત પાટીદારની કેપ્ટનશીપમાં પંજાબ ને હરાવીને 18 વર્ષ પછી RCB ફાયનલ જીતી.
ટેક્નોલોજી
- આ વર્ષ એ આઈ નું રહ્યું. એ આઇનો ઉપયોગ કરીને ફોટા અને વિડિઓ બનાવવા આસાન બન્યા. ગુગલ જેમિનીએ નેનો બનાના લોન્ચ કરીને તરખાટ મચાવ્યો. છોકરીઓ એ લાલ સાડીનો ટ્રેન્ડ કરીને સોસીયલ મીડિયા ગજાવ્યું.
- ચાઇનાનું AI ડીપસિક ઘણું ચર્ચામાં રહ્યું પણ વર્ષના અંતમાં ગાયબ જ થઇ ગયું.
- દર વર્ષની જેમ આઈફોન, સેમસંગ વગેરે મોબાઈલના નવા મોડેલ આવ્યા. આઈફોન પાગલો હજુ પહેલા દિવસે લાઈનમાં ઉભા રહે છે.
- ગાડીઓમાં સેલ્ફ ડ્ર્રાઇવીંગ કાર હજુ આપણા રસ્તા પાર દેખાતી નથી પણ નવી ગાડીઓમાં ADAS એટલે કે એડવાન્સ ડરાયવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ આવે છે.
ઈકોનોમી
- આ વર્ષ સોના અને ચાંદીના રહ્યા. સોનુ 70% જેટલું વધીને દોઢ લાખ સુધી પહોંચ્યું તો ચાંદી લગભગ 150% કરતા વધુ વધીને અઢી લાખ સુધી પહોંચી.
- સેન્સેક્સ આ વખતે લગભગ એટલો જ રહ્યો. સ્મોલ કેપ પડી ભાંગ્યા. આઇટીના શેરો પણ ધોવાણા
- ડોલર 90 રૂપિયાને પાર કરી આવ્યો.
- પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત રહ્યા.
- હોમલોનના દરમાં ઘટાડો થયો.
એન્ટરટેનમનેન્ટ
- આ વર્ષના અંતમાં દિવાળી પર આવેલી ગુજરાતી ફિલ્મ લાલો એ ચમત્કાર કર્યો. 50 લાખ આસપાસના ખર્ચે બનેલી આ ફિલ્મ 100 કરોડ ક્લ્બમાં પહોંચનાર પહેલી ફિલ્મ બની. આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ગણ્યાગાંઠ્યા શો હતા પરંતુ અચાનક એવી ઉપડી કે ટિકિટ મેળવવી મુશ્કેલ હતી.
- આ ઉપરાંત ચણીયાટોલી, વંશ 2, ઓલ ઘી બેસ્ટ પંડ્યા, જય માતાજી લેટ્સ રોક વગેરે ઘણી સારી ગુજરાતી ફિલ્મો આવી.
- આ વર્ષે બોલીવુડમાં રણવીર સિંહની ધુરંધરે તરખાટ મચાવ્યો. અક્ષય ખન્નાની ઍક્ટિંગે બધાના દિલ જીતી લીધા.
- આ ઉપરાંત છાવા, સૈયારા વગેરે ફિલ્મો સારી ચાલી. આ વખતે "હોમ બાઉન્ડ" ફિલ્મને ઓસ્કારમાં મોલવામાં આવી.
- સાઉથમાં એનિમેશન ફિલ્મ મહાવતાર નરશીમાં સારું ચાલ્યું. આ ઉપરાંત કાંતારા ચેપ્ટર 1, ફૂલી વગેરે ફિલ્મો સારી આવી.
- આ વર્ષે ઘણી સારી સિરીઝ આવી મેં પંચાયત, દુપહિયા, ગ્રામ ચિકિત્સાલય, સિંગલ પાપા, TVF સિક્સરની નવી સિરીઝ વગેરે જોઈ. આ ઉપરાંત ફેમિલી મેન, સ્પેશિયલ ઓપ્સ વગેરે સારી આવી.
- બાકી આ વર્ષે રીલ, સ્ટેન્ડ એપ શો વગેરે ચાલ્યું. સમય રૈનાના શો લેટેન્ટ પર બેન લાગ્યો.
મારા માટે 2025
- આ વર્ષ મારા માટે માથાકૂટ વાળું રહ્યું. નવું ઘરનું મકાન બન્યું પરંતુ બિલ્ડર અને ઇન્ટિરિયર ડિઝાઈનર સાથે માથાકૂટ કરી કરીને કંટાળ્યો. આ વર્ષે મેં સૌથી વધુ ફોન કોલ કર્યા હશે. જો કે આખરે ભાડામાંથી છૂટકરો મળ્યો અને ઘરના ઘરમાં રહેવાની શાંતિ.
- હજુ વર્ક ફ્રોમ હોમ ચાલુ છે પરંતુ અમે અઠવાડિયામાં બે વખત ઓફિસ જવાનું શરુ કર્યું છે.
- આવકમાં ખાસ વધારો નથી થતો, વડોદરામાં આઈ ટી ઓપશન લીમીટેડ છે. સાઈડ ઈન્ક્મ માટે પણ હજુ કોઈ સ્ટેબલ સ્ત્રોત ઉભો નથી થયો. આઇપીઓ પણ લાગતા નથી.
- આ વર્ષે રેગ્યુલર જિમ જવાનું રાખ્યું પરંતુ જીમનો સમય ઘટી ગયો. આ ઉપરાંત ઉનાળા અને જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી વેકેશનના લીધે જવાનું ઓછું થયું. હા ગયા વર્ષે લીધેલી સાયકલ લઈને આસપાસમાં ઘણું રખડ્યો.
- આ વર્ષે ઘરના કામોના લીધે ફરવા જવાનું એટલું ખાસ આયોજન નહોતું કર્યું પરંતુ નર્મદા કિનારે ફર્યા. ઉનાળામાં વ્યાસ બેટ પાસે એક દિવસ ગાળ્યો, ડાકોર - ગળતેશ્વર ગયા, નારેશ્વર ગયા, અચાનક મિત્ર સાથે મધ્યપ્રદેશ રોડ ટ્રીપનો પ્લાન બની ગયો, ઇન્દોર ઓમકારેશ્વર, મોહનખેડા, મહેશ્વર, બાવનગજા વગેરે ફર્યા. પહેલી વખત જૈન તીર્થો ગયા. છેલ્લે પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્લાન બની ગયો. તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને મારી બધી રીલ્સ અને ફોટા જોઈ શકો છો.
- આ વખતે થિયેટરમાં બે ફિલ્મો છાવા અને લાલો જોઈ.
- લિજેન્ડ ક્રિકેટ મેચ પણ ગ્રાઉન્ડ પર જોયો. યુવરાજ, સચિન, ઇરફાન પઠાણ વગેરે ફેવરિટ પ્લેયર્સ ને લાઇવ રમતા જોવાનો મોકો મળ્યો.
- વાંચવામાં ઘણા પુસ્તકો વાંચ્યા એમાં અશ્વિની ભટ્ટની ઓથાર, અંગદનો પગ, ધ્રુવ દાદાનું આજુંખેલે અને સળગતા સૂર્યમુખી વગેરે પુસ્તકો વાંચ્યા. અમુક પુસ્તકો રીપીટમાં પણ વાંચ્યા. અત્યારે ગુણવંત આચાર્યનું વીજળી વાંચી રહ્યો છું. આ બ્લોગ પર આમાંના કેટલાક પુસ્તકોનો રીવ્યુ મળી જશે.
- આ બ્લોગમાં લખેલી એક ખુશીઓનું સરનામુંની વાર્તા ઉમિયા પરિવાર મેગેઝીનમાં પણ છપાણી છે.
- આ વખતે ટેક્નિકલ વિડિઓ બનાવવાનો સમય ઓછો મળ્યો પરંતુ મારી ચેનલ software testing tips and tricks" 3000 સબ્સક્રાટાઈબર્સને પાર કરી ગઈ.
- આ વર્ષે આ બ્લોગમાં ગયા વર્ષ જેટલી જ એટલે કે 10 પોસ્ટ્સ આવી. "ચકલા ક્યારેય બાજ ના બને" આ પોસ્ટ પર સૌથી વધુ વ્યુ આવ્યા.
- ફેસબુક પેજ "આ સાલી જીંદગી" માં ઘણી વાર્તાઓ અને અમુક અંગ્રેજી વાર્તાઓના ભાષાંતર લખ્યા. આ પેજ 78000 ફોલોવર્સ પાર કરી ગયું. આ પેજમાંથી 100$ની કમાણી પણ થઇ.
આગલી વાંચવા જેવી પોસ્ટ્સ -

ટિપ્પણીઓ નથી: