સાઈકલ - મારો પણ જમાનો હતો

યાદ છે પહેલા 90 ના દશકામાં શહેરોમાં ભાડે સાઇકલ મળતી? એક રૂપિયામાં અડધો કલાક, કલાક. ત્યારે બસ સાઇકલ ચલાવવા માટે એ ભાડેની સાઇકલ લેતા અને એ સાઇકલ ચલાવવાનો આનંદ કોઈ કાર ચલાવવાથી ય વધુ હતો. મિત્રો સાથે ભાડે સાઈકલો લેતા અને રેસ લગાવતા, છુટ્ટા હેન્ડલની પ્રેક્ટિસ કરતા નાના શહેરોની બધી શેરીઓ, રસ્તાઓ ફરી વળતા બસ આ એક રૂપિયાની ભાડાની સાઈકલમાં !

ત્યારે એટલ્સ, હીરો અને bsaની સાયકલ પોપ્યુલર હતી. વીસીયું, બાવીસીયું , ચોવીસીયું બોવ ઓછાને ખબર હશે. પછી દાંડલા વગરની સાઇકલ શરૂ થઈ જે ચલાવવામાં સરળ હતી. પછી રેન્જર સાઈકલનો જમાનો આવ્યો. રેન્જર સાઇકલ હોય તો સ્કૂલમાં ય વટ પડતો. પછી તો ગિયરવાળી અને અવનવી સાઈકલો આવી.

આજે લગભગ દરેક બાળક પાસે સાઇકલ હોય જ છે પણ એને ચલાવવા માટે સ્પેશિયલ ટાઈમ નક્કી કરવો પડે છે, પરાણે સાઇકલ ચલાવવા બાળકોને ધક્કા મારતા હોય એવું લાગે ! હવે શાળાએ જવા માટે શહેરોમાં બસ કે વાન ફિક્સ છે, એ મિત્રો સાથે સાઇકલ ચલાવતા ચલાવતા શાળાએ જવાની મજા રહી નથી. ક્યારેક સાઇકલમાં પંચર પડી જવું, ચેઇન ઉતરી જવી, બ્રેક ચોંટી જવી કેટલા પ્રોબ્લેમ આવતા અને આખી ટોળી ભેગી થઈને સાઇકલ રીપેર કરતી હોય! શાળાએ પહોંચીએ ત્યારે પ્રાર્થના તો લગભગ પુરી જ થઈ ગઈ હોય.


આ ફોટામાં જે સાઇકલ છે એ યુલા કમ્પનીની છે. બેંગ્લોર અને બીજા કેટલાક શહેરોમાં આ કંપનીઓએ સાઇકલ ભાડે આપવાનું શરૂ કર્યું છે ( જો કે એને એકાદ વરસ જેવું થઈ ગયું.) ટેકપાર્ક અને રોડ, સોસાયટીની આજુબાજુ આ લોકો સાઈકલ મૂકી જાય છે. તમારે બસ એની એપથી બારકોડ સ્કેન કરીને સાઇકલ લઈ જવાની અને તમારું કામ થઈ જાય એટલે ગમે ત્યાં મૂકી શકો. બસ અહીં ફરક એટલો જ છે કે બાળકો ચલાવવા માટે ઉપયોગ નથી કરતા, પણ ઘણા લોકો ટ્રાફિકથી બચવા અને કસરત માટે ઉપયોગ કરે છે. પણ ઠીક છે આ બહાને સાઈકલનો ઉપયોગ વધ્યો છે. ટેકપાર્કમાં પણ લોકો સાઇકલ લઈને આવતા થયા છે.
આવતા વર્ષોમાં ફરીથી સાઈકલનો ઉપયોગ વધે તો ઇકોનોમિકલ, હેલ્થ અને ટ્રાફિક વગેરેમાં ઘણો ફાયદો થાય એમ છે.

"પણ કદાચ આ ઝડપી સમયમાં સાઇકલ ધીમી પડી રહી છે".


બીજા આવા જ સરસ આર્ટીકલ્સ=>

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.