અજાણ્યા સ્પર્ધકો

આ દુનિયામાં ભાત ભાતના લોકો છે એ બધાની વચ્ચે એક અનોખી ભાત છે અજાણ્યા સ્પર્ધકોની. આ સ્પર્ધકો આપણી વચ્ચે જ હોય છે પરંતુ ક્યારે આપણી સાથે સ્પર્ધામાં ઉતરી જાય છે એ આપણને પણ ખબર હોતી નથી.ઉદાહરણ તરીકે આપણે આપણી મોજમાં ગાડી લઈને જતા હોઈએ અને આપણે કોઈની સાઈડ કાપીએ એટલે જાણે F1 રેસનો સ્પર્ધક હોય એમ ફૂલ લિવર મારીને ફરી આપણી સાઈડ કાપે અને વિકટરી સ્માઈલ આપતો જાય ત્યારે સખ થાય. જિમમાં આપણે પુશઅપ કરતા હોઈએ અને 10 પુશઅપ કરીને ઊભા થઈએ ત્યારે કોઈ બાજુમાં 11 કરીને સીધો એનીમેળે આપણી સાથે સ્પર્ધામાં ઉતરી અને જીતી પણ જાય. આપણને ખબર પણ ના હોય.




આ સ્પર્ધકો અજાણ્યા હોય એ જરૂરી નથી, આપણી વચ્ચે પણ હોય છે. કોઈ ક્લાસ મેટ કરતા આપણે હમેશાં વધુ માર્કસ આવતા હોય એકાદ વાર એ આપણા કરતાં વધારે લાવે એટલે આવી જાય કે જો તારા કરતા વધારે લાવ્યો. અરે,અહી ફેસબુકમાં આપણે વધીને આપણી પોસ્ટ પર લાઈક કમેન્ટ ગણતા હોઈએ પણ કોઈક મિત્રલિસ્ટમાં બેઠેલો સ્પર્ધક રાહ જોતો હોય કે ક્યારે એની પોસ્ટમાં આપણા કરતાં વધુ લાઈક આવે અને જેવી પાંચ લાઈક વધુ આવે આપણને મેસેજ કરે કે જુઓ અંકિત ભાઈ તમારા કરતા વધુ લાઈક આવી..હા ભાઈ રાખ તારી પાસે, અથાણું કર. આવા લોકો વાર તહેવારે ધરાર પંજો લડાવતા, કે કોઈ પણ ગેમ હોય કે એમ જ કોણ શૂઝ પહેલા પહેરી લે, કોણ દાદરા જલ્દી ઉતારી જાય વગેરેની કોમ્પિટિશન કરતા જ હોય છે.

આ ઉપરાંત આપણા સગા વહાલાઓ આપણી સ્પર્ધા કોની સાથે કરતા હોય એ પણ ખબર ના હોય. કોઈ દૂરનો કઝીન આપણા કરતા વધુ કમાવવા માંડે તો એ મનોમન ખુશ થાય પછી ભલેને પોતાના છોકરામાં ભલીવાર ના હોય. કોઈ વિદેશ જાય તો આપણને મેસેજ કરે કે જોયું પેલો ફોરેન ગયો (અને તું રહી ગયો), અરે કાકા મારે જવું જ નથી. મેં તમને કીધું ક્યારેય કે હું એ રેસ માં છું? પણ ધરાર આપણને કોઈને કોઈ સ્પર્ધામાં સામેલ કરી જ દ્યે.

આવા સ્પર્ધકો ઘણી વાર આપણી જાણ બહાર આપણાંથી જલતા હોય છે. જો કે આખા ગામથી જલતા હોય છે. આપણો પગાર જોઈને રાહ હોતા હોય કે ક્યારે એની આવક વધે અને આપણને કહેવા આવે કે હું તારી સાથે સ્પર્ધામાં હતો અને જીતી ગયો. અરે સ્પર્ધા કરવી જ હોય તો એલોન મસ્ક, જોફ બેરોઝ, અદાણી, અંબાણી ઘણા છે.

આપણે આપણી મસ્તીમાં જીવતા હોઈએ ત્યારે અચાનક આવા સ્પર્ધકો ટપકી પડે. ક્યારેક એકલા એકલા સ્પર્ધા જીતી પોતની જાતે જ ખુશ થઈને આગળ નીકળી જાય તો ઘણી વખત આપણી માનસિક શાંતિ પણ હરી લ્યે. આપણે બસ સ્મિત કરી એને અભિનંદન આપી દેવાના એટલે ખુશ થઈને જતો રહે.

તમને આ લેખ ગમ્યો હોય તો આ બ્લોગ ફોલો કરીને જરૂરથી શેર કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.

તમને આ પોસ્ટ પણ ગમશે -> ઓવર એક્સાઇટેડ લોકો !!

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.