લોકડાઉનને એક મહિનો - કોરોનાવાસ

આ સુરેશ દલાલનો ખુબ જ વાઇરલ થયેલ શેરથી જ શરૂ કરીએ- 



25 માર્ચએ શરુ થયેલ કોરોના લોકડાઉનને એક મહિનો થઈ  ગયો છે, મોટાભાગના લોકો આ એક મહિનાથી ઘરમાં જ બંધ છે. રેસ્ટોરન્ટ, મુવી થિએટરો, પબ , જાહેર પર્યટન સ્થળો વગેરે લોકો વગર એકદમ સુમસામ છે.  અમુક લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચવા કે ખરીદવા બહાર નીકળે છે. ઘરમાં ગુંગળાતા અમુક લોકો આ બહાને એમ જ બહાર નીકળે છે. આ સમય બધા માટે એક અલગ જ સમય રહ્યો. હજુ ખબર નથી આ કેટલું ચાલવાનું છે અને આ લાઇફસ્ટાઇલ કેટલો સમય જીવવાની છે. મારી વાત કરું તો 40 દિવસથી ઘરે જ કામ કરી રહ્યો છું, લેપટોપ પર જ આખો દિવસ જાય છે, વીકએન્ડમાં પણ મોબાઈલ કે લેપટોપ સિવાય શું  કરવું ? ટીવી તો પહેલેથી જ બંધ છે. હા લખવાનું વધી ગયું છે. પુસ્તકો તો ઘરમાં છે એ બધા જ વંચાય ગયા છે. ઘણી વખત ગેલેરીમાં બેઠા બેઠા પ્રકૃતિને વાંચું છું. 

આ જ્યારે લખી રહ્યો છું ત્યારે ભારતમાં કોરોના કેસનો આંકડો 26000ને પાર કરી ચુક્યો છે અને 800 કરતા વધુ લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. ઘણા રાજ્યો લોકડાઉનમાં સફળ રહ્યા છે અને કોરોનાને ફેલાવતો અટકાવવામાં થોડી ઘણી સફળતા હાંસલ કરી છે તો ઘણા રાજ્યોમાં લોકડાઉન એટલું ખાસ સફળ રહ્યું નથી. રોજ નવા કેસ મળી રહ્યા છે અને આ આંકડો વધતો જ જાય છે. ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 3000ને પાર કરી ગયો છે અડધા ઉપર કેસ ખાલી અમદાવાદમાં જ છે. આટલી હાલત ગંભીર બની રહી છે તો પણ ઘણા એરિયામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન નથી થઈ  રહ્યું, આજે  ગુજરાત સરકારે વિવાદો  બાદ મુખ્ય ચાર શહેરોને બાદ કરતા બીજે અમુક દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.  

વિશ્વની વાત કરીએ તો અમેરિકા સહીત દેશો હજુ પણ કોરોના સામે ઘૂંટણિયા ભરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ બફાટ કરી રહ્યા છે. જયારે સામા પક્ષે ચાઈનામાં એક બે શહેર બાદ કરતા બધું નોર્મલ છે. હજુ કોઈ દવા શોધાઈ નથી, ત્રણ ચાર રસીઓ માનવમાં પરીક્ષણ કરવા માટે અપ્રુવ થઈ  છે. અમેરિકા પછી ઇટલી, જર્મની, સ્પેન, ફ્રાન્સ સહીત યુરોપમાં હાલત ગંભીર છે.  આગળ શું કરવું એ નક્કર સ્ટ્રેટેજી કોઈ પાસે નથી કદાચ ચાઈના જ એક લેવલ પછી આગળ આવશે ! 

લોકોની વાત કરીએ તો લોકો ગવર્નમેન્ટના ભરોસે બેઠા છે જે 2-5 % લોકોએ લોકડાઉનનું સરખું પાલન નથી કર્યું અને એના લીધે કેસ વધી રહ્યા છે એ જોતા બધાએ ભોગવવું પડે તો નવાઈ નહિ. પ્રકૃતિ સામે માણસ ફરીથી વામણો પુરવાર થઇ રહ્યો છે. બેકટેરિયા વાઇરસ તો દૂર પણ કદાચ 2-3 વર્ષ વરસાદ ના પડે કે મોટો ધરતીકંપ આવે કે ઉલ્કાપાત થાય તો આપણી  પાસે કંઈ  જ તાકાત નથી. છેલ્લા 20-25 વર્ષથી જે રીતે આઇટી અને બીજા અમુક ભૌતિક ક્ષેત્રમાં પ્રગતિ થઇ છે એટલી મેડિકલ સાયન્સ કે પર્યાવરણને લગતી બાબતોમાં ધ્યાન નથી અપાયુ. અરે એક સફળ કોમન ઇલેક્ટ્રિક કાર હજુ નથી બની ! 

ઘરમાં બેઠા બેઠા ઘણા લોકોએ પોતાના શોખ માટે , બાળકો સાથે, ફેમિલી માટે પૂરો સમય આપ્યો. ઘણા લોકો નવું નવું શીખ્યા. કારખાનાઓ અને વાહનો બંધ થતા પર્યાવરણ ઘણું સુધરી રહ્યું છે જાણે  દુનિયાની કાયાપલટ થઇ રહી છે. કહેવાતા શક્તિશાળી દેશો ભાંગી રહ્યા છે અને ભારત સહીત બીજા દેશો હજુ એટલા અફેક્ટેડ નથી ઉપરથી વિશ્વ ભારત પાસેથી મેલેરિયાની દવા માંગી રહ્યું છે. લોકોને ઘરમાં બેઠા બેઠા ઘણા કામ ઓનલાઇન જ કરતા આવડી ગયા છે. ઓનલાઇન મિટિંગ અને ઘરેથી કામ કદાચ કોમન થઇ જશે.  કદાચ કોરોના પહેલાની અને કોરોના પછીની દુનિયા સરખી તો નહિ જ હોય. 


આજ વિષય પરના આગળ લેખો - 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.